ગુજરાતમાં આ વખતે નવ દિવસની પૂર્ણ નવરાત્રિ, જાણો કયા છે શુભ મુહૂર્ત
- 15થી 23 ઓક્ટોબર સુધી નોરતાની રમઝટ ચાલવાની
- સ્કૃતિ અને પરંપરાની ઝલક આપતા નવરાત્રિ પર્વને લઇને બજારમાં સળવળાટ
- બપોરે 12.10થી 12.56 સુધી શુભ ગણાતું અભિજીત મુહૂર્ત રહેશે
ગુજરાતમાં આ વખતે નવ દિવસની પૂર્ણ નવરાત્રિ છે. આ વર્ષે તિથિની વધઘટ વગર નવ દિવસની પૂર્ણ નવરાત્રિ રહેતા તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગમાં શારદીય નવરાત્રિનો આરંભ થશે. તેમજ 15 થી 23 ઓક્ટોબર સુધી નોરતાની રમઝટ ચાલશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગુલાબી ઠંડી શરૂ, અંબાલાલ પટેલે હિમ વર્ષા વિશે કરી આગાહી
15થી 23 ઓક્ટોબર સુધી નોરતાની રમઝટ ચાલવાની
ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ છે. ગણેશોત્સવની રંગારંગ ઉજવણી બાદ હવે આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ગણેશોત્સવની રોનકને જોતાં આ વર્ષે નવરાત્રિ પર્વ વેળાએ કોમર્શિયલ, મેગા આયોજનો અને શેરી-સોસાયટી ગરબાની સંખ્યામાં દોઢ ગણો વધારો થવાનો મત ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આપી રહ્યા છે. દરમિયાન ધાર્મિક રીતે ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગમાં શારદીય નવરાત્રિનો આરંભ થવાનો હોય આદ્યશક્તિના મંદિરોમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તિથીના ક્ષય કે વૃદ્ધિ વિના 9 દિવસ અને 9 તિથિ સાથે આ વર્ષે પૂર્ણ નવરાત્રિની ઉજવણી થશે. 15થી 23 ઓક્ટોબર સુધી નોરતાની રમઝટ ચાલવાની હોય ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
સ્કૃતિ અને પરંપરાની ઝલક આપતા નવરાત્રિ પર્વને લઇને બજારમાં સળવળાટ
ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક આપતા નવરાત્રિ પર્વને લઇને બજારમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ છેલ્લા ચાર મહિનાથી ગરબા ક્લાસિસમાં પ્રેક્ટિસ કરી દોઢીયા, દાંડિયારાસ, ગરબાની રમઝટ બોલાવવા માટે થનગની રહ્યા છે. બીજીબાજુએ મંદિરોમાં પણ નવરાત્રીની મહાપર્વ તરીકે ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન રવિવારે 15 ઓક્ટોબરના રોજ આસો સુદ એકમ નિમિત્તે ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગમાં નવરાત્રી પર્વનો આરંભ થશે એવો મત જ્યોતિષી આપી રહ્યા છે. શનિવારે 14 ઓક્ટોબરે રાત્રિએ 11.25થી રવિવારે રાત્રિએ 12.33 વાગ્યા સુધી પડવાની તિથિ છે. રવિવારે સાંજે 6.13 વાગ્યા સુધી ચિત્રા અને પછી સ્વાતિ નક્ષત્ર છે. ચિત્રા અને સ્વાતિ બન્ને નક્ષત્રો શુભ ગણવામાં આવે છે. જ્યારે સવારે 10.24 વાગ્યા સુધી વૈધૃતિ યોગ છે. બપોરે 12.03 વાગ્યા સુધી કિસ્તુઘ્ન કરણ અને પછી બાલવ કરણ છે.
બપોરે 12.10થી 12.56 સુધી શુભ ગણાતું અભિજીત મુહૂર્ત રહેશે
જ્યોતિષીના મતે 15 ઓક્ટોબરે સવારે ઘટસ્થાપન સાથે નવરાત્રિ પર્વનો વિધિવત આરંભ થશે. બપોરે 12.10થી 12.56 સુધી શુભ ગણાતું અભિજીત મુહૂર્ત રહેશે. આ દિવસે અંકુરારોપણ, મહારાજા અગ્રસેન જયંતી રહેશે. આ વર્ષે નવરાત્રિમાં કોઇ ક્ષય કે વૃદ્ધિ તિથિનો સંયોગ રહેશે નહીં. વળી, નવરાત્રિ વેળાએ વિવિધ સ્વરૂપની પૂજા-આરતી કરાશે. નવરાત્રિના વિશેષ દિવસોમાં 22 ઓક્ટોબરે દુર્ગાષ્ટમી, મહાઅષ્ટમી, હવનાષ્ટમીની અને 23 ઓક્ટોબરે મહાનવમી સાથે નવરાત્રિનું સમાપન થશે.