આ વખતે સૌ કોઈનો એક જ સવાલ, ‘ક્યારે છે હોળી ‘? અહીં દૂર કરો તમારું કન્ફ્યુઝન
છેલ્લા થોડા દિવસોથી તમે આસપાસમાં એક જ સવાલ સાંભળતા હશો. ‘હોળી ક્યારે છે?’, ‘અરે યાર, હોળીમાં જબરુ કન્ફ્યુઝન છે’. ચારેય બાજુથી ચર્ચાતા આ સવાલનો જવાબ અહીં મેળવી લો. દરેક વ્યક્તિ હોળીની આતુરતાથી રાહ જોતી હોય છે. હોળી ફાગણ સુદ પુનમે ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટી ઉજવવામાં આવે છે.
આ વર્ષે હોળી 6 માર્ચ અને સોમવારના રોજ મનાવાશે. આ દિવસે હોલિકા દહન થશે અને બુધવારે 8 માર્ચના રોજ ધૂળેટી મનાવાશે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં હોળીદહનના 24 કલાક પછી જ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં હોલિકાદહન 6 માર્ચ, સોમવારે સાંજે 07.00થી 09.30 દરમિયાન કરવામાં આવશે. પૂર્ણિમાની તારીખ બે દિવસની હોવાથી આ અસમંજસની સ્થિતિ ઉદ્ભવી છે.
શા માટે ઉદ્ભવી છે આવી સ્થિતિ
આ વર્ષે પૂનમની તિથિ બે દિવસ છે આ કારણે હોળીના તહેવારને લઇને મુંઝવણ ઉભી થઇ છે. અશુભ ભદ્રાકાળ પણ આજ દિવસે છે, તેથી હોલિકાદહનનો ઉલ્લેખ કેટલાક પંચાંગોમાં 6 માર્ચ તો કેટલાક પંચાંગોમાં 7 માર્ચનો બતાવાયો છે.
હોળિકાદહનનું શું છે મહત્ત્વ
સનાતન ધર્મમાં હોળિકા દહનનું ખુબ મહત્ત્વ છે. હોલિકા દહનના આગલા દિવસે લોકો ચાર રસ્તા પર કોઇ વૃક્ષની ડાળીને જમીનમાં દાટી દે છે. આજુબાજુ લાકડીઓ, છાણાં ભેગા કરીને તેની પુજા કરે છે. તેમાં એક મટકીમાં નવા ઘઉં મુકવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રગટાવવામાં આવે છે. લોકો અગ્નિની પરિક્રમા કરે છે. તેનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. હોળી અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક કહેવાય છે.
આ પણ વાંચોઃ હોળીમાં હવે લાકડાં નહીં પણ ગૌ-કાસ્ટની બોલબાલા