ડિવાઇન ડિઝનીલેન્ડ સમાન બાળનગરીના બાળકોને મહંતસ્વામી મહારાજે આપી લંડનની આ ખાસ ભેટ
અમદાવાદમાં 15 ડિસેમ્બરથી શરુ થયેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવની ભવ્ય ઉજવણી 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. 200 એકરમાં ફેલાયેલા આ પ્રમુખસ્વામીનગરમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા આવે છે. તેમજ અહીં નાનામાં નાની બાબતનું ધ્યાન રાખવામાં આવે છે.
આ પણ વાંચો : 4 હજાર સ્વયંસેવિકા મહિલાઓ પ્રેમવતી શતાબ્દી મહોત્સવમાં આપી રહી છે સેવા, ઉત્તમ સેવાનો મહોત્સવ
મહંતસ્વામી મહારાજે લંડન મંદિરમાં રસોડાની સેવા કરતા સત્યવ્રત સ્વામીને ફોનમાં કહ્યું કે, ‘મારે બાળનગરીમાં સેવા આપતા મારા બધા બાળમિત્રો માટે ચોકલેટ બનાવડાવવી છે. બધા બાળકોને ચોકલેટ જમાડવી છે એટલે મને ચોકલેટ બનાવી આપશો ?’ સત્યવ્રત સ્વામીએ કહ્યું, ‘ બાપા,આપે પૂછવાનું ન હોય આજ્ઞા જ કરવાની હોય.’ ત્યારે મહંતસ્વામી મહારાજની ઈચ્છા મુજબ બાળનગરીના બાળકો માટે લંડનની ફેમસ ચોકલેટ બનવાની શરૂઆત થઇ ગઈ છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવનો લાભ લેવા માટે રોજના લાખો લોકો આવતા હોય અને જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપવાની હોય, દિવસ દરમ્યાન રાષ્ટ્રિય – આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક મહાનુભાવો દર્શન માટે આવતા હોય ત્યારે અતિ વ્યસ્તતા વચ્ચે પણ નાના બાળકોને લંડનની વિખ્યાત ચોકલેટ જમાડવાનો વિચાર આવવો કોઈ સામાન્ય વાત ન કહેવાય.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ: પ્રકૃતિ થકી જીવનના ઉપદેશ આપતું ‘પ્રમુખ જ્યોતિ ઉદ્યાન’ !
બાળનગરીમાં એનર્જેટીક પરફોર્મન્સ આપતા અને નગરમાં સેવા કરતા બાળકોએ સૌના હદય જીતી લીધા છે. ત્યારે મહંતસ્વામી મહારાજે રાજી થઈને એમના બાળમિત્રો માટે ખાસ ચોકલેટ તૈયાર કરાવડાવી. મહંતસ્વામી મહારાજે માત્ર ઉત્સવ દરમ્યાન જ નહિ ઉત્સવના આયોજન સમયથી જ બાળકો અને બાળનગરીની ઝીણી ઝીણી બાબતો અંગે જાણકારી મેળવીને માર્ગદર્શન આપ્યું છે. શતાબ્દિ મહોત્સવમાં બાળકોથી લઈને વડીલો સુધીના દરેક વયના લોકો માટે બાળકો દ્વારા સંચાલિત ‘બાળનગરી’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બાળનગરી તેમજ બાળકોનું પરફોર્મન્સ જોઈને બધા લોકો વખાણ કરતા થાકતા નથી. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે બાળકોના પરમ સખા પ.પૂ. મહંતસ્વામી મહારાજે બાળનગરીના સર્જનમાં કેટલો રસ લીધો છે ! બાળનગરીની શોભા વધારનારા બાળકોનું કેવું અંગત ધ્યાન રાખ્યું છે ! આવો જોઈએ તેના વિવિધ પ્રસંગો….
તા.21મી એપ્રિલ 2022ના રોજ મહોત્સવ કમિટીના સંતો અને કાર્યકરો બાળનગરીના ડ્રોઇંગ્સ લઈને સ્વામીજીનું માર્ગદર્શન મેળવવા માટે મહંતસ્વામી મહારાજ પાસે સુરત ગયા હતા. મહંતસ્વામી મહારાજે રાત્રિ ભોજન બાદ મિટિંગ શરુ કરી. એમની પાસે રજુ કરવામાં આવેલા બાળનગરીના નકશાઓ સ્વામીજીએ રસપૂર્વક જોયા. નાની નાની બાબતો અંગે ખુબ ઊંડાણપૂર્વકની પૃચ્છા કરી હતી. બાળનગરીમાં શું શું બતાવાના છીએ ? થી લઈને બાળકોને માટે શું વ્યવસ્થા હશે ?, સેવામાં આવનારા બાળકોના ઉતારા અને ભોજનની વ્યવસ્થા ક્યાં કરી છે ? ઉતારાનું સ્થળ અને ભોજનશાળા બાળનગરીથી કેટલા દૂર થાય છે ? આવા અનેક પ્રશ્નો દ્વારા સ્વામીજીએ બાળનગરીની તલસ્પર્શી માહિતી મેળવી અને શ્રેષ્ઠતમ બાળનગરીનાં નિર્માણ માટે અમૂલ્ય સૂચનો આપ્યા. અને જ્યારે મિટિંગ પૂરી થઇ ત્યારે મહંતસ્વામી મહારાજે બાળનગરીના નકશા પર પોતાના જ હાથે લખી આપ્યું કે ‘બાળનગરી ભવ્ય, દિવ્ય અને અલૌકિક થશે. આવનારને ખુબ પ્રેરણા મળશે.’
તેમજ 13-11-2022ના રોજ મહંતસ્વામી મહારાજ અમદાવાદ હોસ્પિટલમાં હતા. તબિયત નાદુરસ્ત હોવા છતાં બાળનગરીનું કેટલું કામ થયું અને કેટલું કામ બાકી છે તેનો રિવ્યુ કરવા માટે સ્વામીજીએ હોસ્પિટલમાં મિટિંગ રાખતા અને સંતો આવી શકે તેમ હોય ત્યારે
મહંત સ્વામી ફોન પર માહિતી મેળવતા હતાં. આ રીતે હોસ્પિટલમાં બેઠા બેઠા સવારે અને સાંજે એમ બે સેશનમાં બાળનગરીના નિર્માણનો રિવ્યુ કર્યો અને જ્યાં જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં સૂચનો કર્યા જેથી બાળનગરી ઉત્તમ બને.
તા.3-11-2022ના રોજ મહંતસ્વામી મહારાજ બાળનગરીના સ્થળની મુલાકાતે આવ્યા. વાહનમાં બેઠા બેઠા આખી બાળનગરીની મુલાકાત લીધી તેમજ બે દિવસ બાદ ફરીથી નગરની મુલાકાત લીધી હતી. સાથે સાથે બાળકો અને બાલિકાઓ માટે ઉતારાની કેવી વ્યવસ્થા કરી છે એ જાણવા માટે જાતે જ જોવા તેનો તાળો મેળવ્યો હતો. તેમજ 90 વર્ષની વયે પણ તમામ શારીરિક તકલીફોને અવગણીને નાનામાં નાની વસ્તુ પર ધ્યાન રાખ્યું છે.
મહોત્સવ શરુ થયો ત્યારથી બાળનગરીના કાર્યકરો જુદા જુદા પ્રસંગો અને સ્વયંસેવકોના સમર્પણના પ્રસંગોનું કાર્ડ તૈયાર કરીને મહંતસ્વામી મહારાજને મોકલે છે. અતિ વ્યસ્તતા વચ્ચે પણ મહંતસ્વામી મહારાજ આ કાર્ડ જોવા માટે 20 મિનિટ જેટલો અમૂલ્ય સમય આપે છે. બાળનગરી અંગેનો અને બાળકો અંગેનો રિપોર્ટ પણ રોજે રોજ મેળવે છે. સીઝનમાં ફેરફાર થવાને કારણે અમુક બાળકોને સામાન્ય બિમારીના સમાચાર મળતાની સાથે જ પોતાના ઠાકોરજી બાળકોને દર્શન આપવા માટે મોકલ્યા. યોગ્ય સારવાર અને સ્વામીજીના પ્રેમથી બાળકો સાજા થઈને બમણા ઉત્સાહથી સેવામાં જોડાઈ ગયા. જેવી રીતે એક માતા પોતાના બાળકોને સાચવે એવી રીતે મહંતસ્વામી મહારાજ બાળકોની માતા બનીને એના પર અઢળક વ્હાલ વરસાવી રહયા છે. કોઈપણ બાળક મહંતસ્વામી મહારાજને પત્ર લખે ત્યારે પત્રના પ્રત્યુત્તરમાં સ્વામીજી બાળકને ‘My little friend’ કહીને જ સંબોધન કરે. મહંતસ્વામી મહારાજે એના આ નાના મિત્રોનું અને એમની બાળનગરીનું એવું તે ધ્યાન રાખ્યું કે એમના બાળમિત્રો અને બાળનગરી બંને વિશ્વિખ્યાત થઇ ગયા છે.