- કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં અસહ્ય ગરમને લઈને પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા
- પ્રાણીઓને ગરમીથી રાહત માટે કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી
- 1500થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓ, ઠંડક માટે ખોરાકમાં તરબૂચ અને શક્કરટેટી
ઉનાળાની અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. લોકો હવે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. માણસ તો આ અસહ્ય ગરમીથી છુટકારો મેળવા માટે ઘણી સુવિધાઓ ઉભી કરી શકે છે પરંતુ પ્રાણીઓ માટે આ ગરમી સહન કરવી અસહ્ય બની જાય છે. ત્યારે આ અસહ્ય ગરમીથી બચવા પ્રાણીઓ માટે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. જ્યારે નોકટરેલ ઝુમાં જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવી છે, જેથી પ્રાણીઓને ગરમી લાગે નહીં. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ઠંડક રહે તે માટે સતત પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે અને પ્રાણીઓને ગરમીમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
ઠંડક માટે 25 જેટલા કુલર મુકાયા
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની આ સુવિધા આ અંગે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટર આર.કે સાહુએ જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેના માટે પ્રાણીસંગ્રહાલયમાં કુલ 25 જેટલા કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. દરેક પ્રાણીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચિત્તા, વાઘ, વાઘણ વગેરે પાસે કુલર મૂકવામાં આવ્યા છે. તો બીજીબાજુ નોકટરેલ ઝુમાં પણ ખાસ જીઓ થર્મલ એરિયન્સ લગાવવામાં આવ્યા છે. પાંજરામાં રહેલા પ્રાણીઓને ખોરાકમાં તરબૂચ અને શક્કરટેટી પણ આપવામાં આવે છે.
1500થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં 1500થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ છે તેમજ ઉનાળામાં 45 ડીગ્રી ઉપર તાપમાન પહોચી જતું હોય છે. આવી અસહ્ય ગરમીમાં તમામ પક્ષી અને પ્રાણીઓના ખોરાક, તાપમાન અને અન્ય સુવિધાઓનું પણ ધ્યાન રાખવું પડે છે. અહી જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે.
આ પણ વાંચો : અમદાવાદ: કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં નવું આકર્ષણ આવ્યું
પક્ષીઓનો કલરવ અને શીતળ વાતાવરણ
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની મુલાકાતે દુર દુરથી પ્રવાસીઓ આવી રહ્યા છે. અહીનું વાતાવરણ જોઇને જરાય ગરમીનો અહેસાસ થતો નથી. અહી પ્રવાસીઓને રેલગાડી, તળાવ, પ્રાણીસંગ્રહાલય, બટરફ્લાય પાર્ક, બોટિંગ, સરીસૃપ ગૃહ વગેરેની મુકાલાત લઈને આનંદ મળે છે. પક્ષીઓનો કલરવ અને અહીની શીતળતા પ્રવાસીઓને પ્રફુલ્લિત કરી મુકે છે ત્યારે આ ખુશનુમા વાતાવરણને માણવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ: કાંકરિયામાં બાળકોને સવારે 9થી 12 સુધી ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં આપવામાં આવતી આ સુવિધાથી પક્ષીઓ અને પ્રાણીઓને ગરમીમાંથી રાહત થશે તેમજ ઉનાળામાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓને પણ અસહ્ય ગરમીમાં શીતળતાનો અનુભવ થશે અને ઉનાળા વેકેશનમાં અહી આવવાની મોજ પડી જશે.