ટ્રેન્ડિંગવિશેષ

ગરદન કપાયા પછી પણ દોઢ વર્ષ જીવ્યો આ કૂકડો, જાણો સમગ્ર રસપ્રદ વાત

  • અનોખો કૂકડો બન્યો લોકોના આકર્ષણનું કેન્દ્ર
  • મૃત્યુ પામતા પહેલા પોતાના માલિકને બનાવ્યો કરોડપતિ

અમેરિકા, 26 મે: ‘મિરેકલ માઈક’ અથવા ‘માઈક ધ હેડલેસ ચિકન’ તરીકે ઓળખાતા આ કૂકડાની વાર્તા ઘણી રસપ્રદ છે. આ કૂકડો જે 18 મહિના સુધી માથા વિના જીવતો હતો અને તે મૃત્યુ પામ્યો તે પહેલા તેણે તેના માલિકને કરોડપતિ બનાવી દીધો.

કોઈ પણ મનુષ્ય કે પ્રાણી માટે માથા વિના જીવવું અશક્ય છે. પરંતુ 79 વર્ષ પહેલા અમેરિકાનાં કોલારાડોમાં કંઈક આવું જ બન્યું હતું. જ્યારે એક કૂકડાની ડોક કાપી નાખ્યા પછી પણ 18 મહિના સુધી જીવતો હતો. આ ચમત્કારને જોતાં, આ કૂકડો માઈક ધ હેડલેસ ચિકન, ઉર્ફે “મિરેકલ માઈક” તરીકે જાણીતું બન્યું. વાત એમ છે કે, લ્યોય્ડ ઓસ્લેન નામનો એક ખેડૂત પોલ્ટ્રી ફાર્મ ચલાવતો હતો. 18 સપ્ટેમ્બર 1945ના રોજ તેમના ઘરે એક પાર્ટી હતી. તેણે મિજબાની આપવા માટે એક કૂકડાને કાપ્યો પરંતુ તેનાથી ભૂલ એ થઈ ગઈ હતી કે કૂકડાને કાપ્યા પછી તેણે તેને ડબ્બામાં રાખવાને બદલે બાજુ પર રાખી દીધું. જેના કારણે કૂકડો ત્યાંથી ભાગી ગયો.

માથું કપાઈ ગયા પછી પણ બચી ગયો કૂકડો

આ કૂકડો બચી જવા પાછળનું કારણ એ હતું કે ખેડૂતે મરઘીના માથાનો આગળનો ભાગ કાપી નાખ્યો હતો. કાપ્યા પછી, કૂકડાના માથાની જરૂરી નસો અને એક કાન બચી ગયો હતો. મગજનો મોટા ભાગનો ભાગ અકબંધ રહ્યો અને લોહીનો ગંઠાઈ જવાથી લોહીનો પ્રવાહ બંધ થઈ ગયો. જેના કારણે કૂકડાનો બચાવ થઈ ગયો હતો. આ પછી, લ્યોય્ડ ઓસ્લેનને કૂકડાં પર દયા આવી અને તેણે તેની સંભાળ લેવાનું નક્કી કર્યું. લ્યોય્ડે ટીપાં દ્વારા કૂકડાંને દૂધ અને મકાઈના દાણા આપવાનું શરૂ કર્યું.

કૂકડાએ માલિકને બનાવી દીધો કરોડપતિ

ટૂંક સમયમાં જ માઈક નામનો આ અનોખો કૂકડો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો. તે કૂકડાને જોવા માટે દૂર-દૂરથી લોકો આવવા લાગ્યા. જ્યારે લ્યોય્ડે કૂકડાની લોકપ્રિયતા જોઈ, ત્યારે તે એક એવી એન્ટરટેઈનમેન્ટ કંપનીમાં જોડાયો જે ટ્રાવેલિંગ એનિમલ શો કરે છે. કૂકડાને કારણે લ્યોય્ડની આવકમાં નોંધપાત્ર વધારો થયો. તે સમયના ડઝનબંધ અખબારો અને ટાઇમ જેવા પ્રખ્યાત સામયિકોએ પણ લ્યોય્ડનો ઇન્ટરવ્યુ લીધો અને કૂકડા માઇકનો ફોટો પ્રકાશિત કર્યો. તે સમયે પણ આ કૂકડાની કિંમત દસ હજાર ડોલર આંકવામાં આવી હતી.

આ રીતે થઈ કૂકડાનું મૃત્યુ

પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે આ ચમત્કારિક કૂકડાએ તેના જીવનનો અંતિમ શ્વાસ લીધો. માર્ચ 1947 માં એક દિવસ, લ્યોય્ડ એક શોમાંથી પાછા ફરતી વખતે એક મોટેલમાં રોકાયો હતો. અચાનક તેણે જોયું કે માઈક અડધી રાત્રે ગૂંગળામણ કરવા લાગ્યો હતો. વાસ્તવમાં, મકાઈનો દાણો કૂકડાના ગળામાં ફસાઈ ગયો હતો અને લ્યોય્ડની કમનસીબી એ હતી કે તે અજાણતા જ કૂકડાની ફીડિંગ સિરીંજ શો વાળી જગ્યાએ ભૂલી ગયો હતો. આખરે, તે ચમત્કારિક કૂકડા માઇકનું શિરચ્છેદ થયાના દોઢ વર્ષ પછી મૃત્યુ થયું. જ્યારે કૂકડાના મૃત્યુ બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કૂકડા માઈકનું માથું કપાઈ ગયું હોવા છતાં મગજનો એક ભાગ બાકી હતો જે તેના શરીરને ઓપરેટ કરતો હતો.

આ રસપ્રદ સ્ટોરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @VisionaryVoid નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: 55 ડિગ્રી તાપમાનમાં પણ રણમાં BSFના જવાનો અડગ, બોનેટ પર શેકી રોટલી!

Back to top button