IPLમાં વિરાટને પછાડી આગળ નીકળ્યો આ દમદાર ખેલાડી
- IPLમાં આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હવે CSKનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ બની ગયો છે. વિરાટ કોહલી નજીવા અંતરથી બીજા સ્થાને
HD ન્યૂઝ ડેસ્ક, 2 મે: IPLમાં ટીમો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે ખેલાડીઓ પણ એકબીજાની આગળ નિકળવાના પ્રયાસો કરી રહ્યા છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે, જ્યારે સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. આ દરમિયાન અત્યાર સુધી વિરાટ કોહલી અહીં બેટ્સમેનોની યાદીમાં પ્રભુત્વ ધરાવતો હતો, પરંતુ હવે તે બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે નંબર વન પર સ્થાન મેળવ્યું છે.
રૂતુરાજ ગાયકવાડે 10 મેચમાં 509 રન બનાવ્યા
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે આઈપીએલની આ સિઝનમાં 10 મેચ રમીને અત્યાર સુધીમાં 509 રન બનાવ્યા છે. તેમના નામે એક સદી અને 4 અડધી સદી છે. તેમણે એક મેચમાં 108 રનની અણનમ ઇનિંગ પણ રમી છે. જો ગાયકવાડની એવરેજની વાત કરીએ તો તે 63.63 છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 146.68 છે. આ દરમિયાન હવે વિરાટ કોહલી બીજા સ્થાને પહોંચી ગયો છે, પરંતુ તે રનના મામલે વધુ પાછળ નથી ગયો.
વિરાટ કોહલીના નામે 500 રન
RCB તરફથી રમતા વિરાટ કોહલીએ આ વર્ષની IPLમાં અત્યાર સુધીમાં 10 મેચમાં 500 રન બનાવ્યા છે. તેના નામે એક સદી અને 4 અડધી સદી છે. તેની એવરેજ 71.43 છે અને તે 147.49ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. તેણે 113 રનની અણનમ ઇનિંગ પણ રમી છે. એટલે કે રુતુરાજ અને કોહલી વચ્ચે માત્ર 9 રનનું અંતર છે, જે ગમે ત્યારે બદલાઈ શકે છે.
આ ખેલાડીઓ પણ ટોપ 5માં
જો આ ટોપ 2 બેટ્સમેન પછી આગળ વાત કરીએ તો ત્રીજા સ્થાને ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન છે, જેમણે અત્યાર સુધી 10 મેચમાં 418 રન બનાવ્યા છે. તેના નામે કોઈ સદી નથી, પરંતુ તેમણે બે અડધી સદી ફટકારી છે. એલએસજીના કેપ્ટન કેએલ રાહુલે 10 મેચ રમીને 406 રન બનાવ્યા છે. આ યાદીમાં તે ચોથા નંબર પર છે. જ્યારે 11 મેચમાં 398 રન બનાવનાર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત 5માં નંબર પર યથાવત છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા અંગે પૂર્વ ભારતીય ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું ટ્રોલ કરનારા જલ્દી ફેન બની જશે