255 રન બનાવીને રણજીમાં આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર થયો ચમત્કાર
- ખેલાડીએ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના 90 વર્ષના ઈતિહાસમાં આટલો મોટો સ્કોર બનાવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી
HD ન્યૂઝ ડેસ્ક, 12 ઓકટોબર: ભારતીય ઘરેલુ ક્રિકેટની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી 11 ઓક્ટોબરથી શરૂ થઈ છે. રણજી ટ્રોફીની આ 90મી આવૃત્તિ છે જેમાં 38 ટીમો ભાગ લઈ રહી છે. તમામ 38 ટીમોને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. એલિટ કેટેગરીમાં 32 ટીમો છે જેને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે, જ્યારે પ્લેટ કેટેગરીમાં 6 ટીમો છે. એલિટ ગ્રુપ-Aની મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમ મહારાષ્ટ્રની ટીમ સામે ટકરાશે. આ મેચના બીજા દિવસે એક બેટ્સમેને મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ ડેશિંગ બેટ્સમેને બેવડી સદી ફટકારીને ચમત્કાર કર્યો છે. આ ખેલાડીએ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના 90 વર્ષના ઈતિહાસમાં આટલો મોટો સ્કોર બનાવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
હકીકતમાં, પ્રથમ બેટિંગ કરતા જમ્મુ-કાશ્મીરની ટીમે બીજા દિવસે ટી બ્રેક સુધી 5 વિકેટે 449 રન બનાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરને આ વિશાળ સ્કોર સુધી લઈ જવામાં 29 વર્ષના બેટ્સમેને મોટી ભૂમિકા ભજવી હતી, જેણે શાનદાર બેવડી સદી ફટકારીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ બેટ્સમેનનું નામ છે શુભમ ખજુરિયા જેણે 312 બોલમાં 24 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ બેવડી સદી સાથે 22 વર્ષના લાંબા દુષ્કાળનો અંત આવ્યો છે.
22 વર્ષ પછી થયો આ મોટો ચમત્કાર
જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં 22 વર્ષ બાદ કોઈ બેટ્સમેન રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. આ પહેલા છેલ્લી વખત 2002માં અશ્વની ગુપ્તાએ બિહાર વિરુદ્ધ જમશેદપુરમાં 203 રનની અણનમ ઇનિંગ રમી હતી. હવે આ ઇનિંગના 22 વર્ષ બાદ શુભમ ખજુરિયાએ બેવડી સદી ફટકારી છે.
રણજી ટ્રોફીના ઈતિહાસમાં જમ્મુ અને કાશ્મીર માટે માત્ર 3 બેટ્સમેન જ બેવડી સદી ફટકારી શક્યા છે, જેમાં અશ્વની ગુપ્તા, કવલજીત સિંહ અને હવે શુભમ ખજુરિયાનું નામ સામેલ છે. રણજી ટ્રોફીના ઈતિહાસમાં જમ્મુ-કાશ્મીર તરફથી આ ચોથી બેવડી સદી છે. રણજીમાં 2 બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ અશ્વની ગુપ્તાના નામે છે. શુભમ ખજુરિયા 353 બોલમાં 255 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે, તે જમ્મુ અને કાશ્મીરનો એવો બેટ્સમેન બન્યો જેણે રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. તેણે પોતાની શાનદાર ઇનિંગ દરમિયાન 29 ફોર અને 8 સિક્સર ફટકારી હતી.
રણજી ટ્રોફીમાં જમ્મુ અને કાશ્મીર માટે બેવડી સદી ફટકારનાર બેટ્સમેન
- અશ્વની ગુપ્તા – ઉના, 1995માં હિમાચલ પ્રદેશ સામે 210 અણનમ
- કવલજીત સિંહ – દિલ્હી, 2001માં સર્વિસીસ સામે 206 રન
- અશ્વની ગુપ્તા – 2002માં જમશેદપુરમાં બિહાર સામે અણનમ 203 રન
આ પણ જૂઓ: IPLની હરાજી પહેલા ધોનીનો નવો કિલર લુક: લાંબા વાળને કહ્યું અલવિદા, ચાહકો થયા દિવાના