બોર્ડર – ગાવસ્કર ટ્રોફીમાં આ ખેલાડી બની શકે છે ભારતનો કેપ્ટન, BCCIએ આપ્યો સંકેત
- 22મીથી ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ થશે શરૂ
- કેપ્ટન રોહિત શર્મા પ્રથમ બે ટેસ્ટ નહીં રમે
- શર્માએ અંગત કારણોસર ટેસ્ટ ન રમવાની BCCIને કરી જાણ
નવી દિલ્હી, 12 ઓક્ટોબર : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે અંગત કારણોસર હિટમેન ઓસ્ટ્રેલિયા સામેની આગામી બોર્ડર-ગાવસ્કર સીરીઝની પ્રથમ બે મેચો ગુમાવી શકે છે. રોહિતે આ જાણકારી બીસીસીઆઈને આપી છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ સવાલ છે કે રોહિત નહીં તો ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે?
તેવામાં ઋષભ પંત અને શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓના નામની પણ ક્રિકેટના વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે, પરંતુ હવે BCCIએ સંકેત આપ્યા છે કે રોહિત શર્માની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સામે કોણ કેપ્ટનશીપ કરી શકે છે. BCCIએ ન્યૂઝીલેન્ડ સામે આગામી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે તેણે ટીમના વાઇસ કેપ્ટનની પણ જાહેરાત કરી દીધી છે.
જસપ્રીત બુમરાહને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં રોહિત શર્માના ડેપ્યુટી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેથી આ સીધો સંકેત છે કે જો રોહિત શર્મા ટીમમાં નથી, તો જસપ્રિત બુમરાહ કેપ્ટનશિપની જવાબદારી લેશે. આવી સ્થિતિમાં, જ્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જાય છે, ત્યારે પ્રથમ બે ટેસ્ટ મેચમાં ચાહકો ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ અને ભારત તરફથી જસપ્રિત બુમરાહને ટોસ માટે જતા જોઈ શકે છે. આ એક અદ્ભુત નજારો હશે.
ઉલ્લેખનીય છે કે, ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 22મીથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ ઘણી રીતે ખાસ રહેશે. જ્યારથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે, ત્યારથી આ પ્રથમ વખત હશે જ્યારે બંને વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. અગાઉ બંને ટીમો વચ્ચે 4-4 મેચની સીરીઝ રમાતી હતી.
ત્યારે હવે ભારતની નજર સતત ત્રીજી વખત ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને હરાવવા પર હશે. ટીમ ઈન્ડિયાએ અગાઉ 2018 અને 2020-21માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર તિરંગો લહેરાવ્યો છે. કાંગારુ 2014થી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી શક્યું નથી.
આ પણ વાંચો :- જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત, ભૂતપૂર્વ ક્રિકેટરને વારસદાર બનાવ્યા