ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા, જ્યાં થયુ હતુ ઓસ્કાર વિનિંગ ફિલ્મનું શુટિંગ
ઓસ્કાર એવોર્ડ્સમાં પોતાની જીતનો જલવો વિખેરનાર શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ The Elephant Whisperers છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. 39 મિનિટની આ વિનિંગ ડોક્યુમેન્ટ્રીમાં માણસ અને હાથીની વચ્ચે એક સુંદર સંબંધ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટ્રી હિન્દી, ઇંગ્લિશ, તેલુગુ અને તામિલ ભાષામાં ઉપલબ્ધ છે. શું તમે જાણો છો કે આ મુવીને જે જગ્યાએ શુટ કરાઇ છે, તે અત્યંત સુંદર જગ્યા છે અને ફરવાના શોખીનો માટે તે એક બેસ્ટ ટુરિસ્ટ સ્પોટ છે.
નીલગિરિની પહાડીઓની વચ્ચે ઉંટીમાં ગાઢ જંગલોની વચ્ચે હાથીઓનું એક ઘર રહેલુ છે. ત્યાં જ થેપ્પાકડુ એલીફન્ટ કેમ્પ છે. જે જંગલી હાથીઓના નિવાસસ્થાનમાંથી એક છે. અહીં તમને તમામ પ્રકારના હાથી ફરતા જોવા મળશે. આ એ જગ્યા છે, જ્યાં ઓસ્કાર વિનિંગ ફિલ્મનું શુટિંગ થયુ હતુ. પહેલીવાર એવું થયુ જ્યારે કોઇ ઇન્ડિયન પ્રોડક્શનને એકેડમી એવોર્ડ આપવામાં આવ્યો.
મુદુમલાઇ ટાઇગર રિઝર્વમાં સ્થિત થેપ્પાકડૂ હાથી કેમ્પ એશિયાનો સૌથી જુનો એલિફન્ટ કેમ્પ છે. તે આજથી લગભગ 105 વર્ષ પહેલા સ્થાપિત કરાયો હતો. ત્યારથી હાથીઓ અહીં નિવાસ કરે છે. અહીં તેમની સારી રીતે દેખભાળ કરવામાં આવે છે.
થેપ્પાકડૂ એલિફન્ટ કેમ્પ
મોયાર નદીના તટ પર સ્થિત આ કેમ્પમાં હાલમાં 28 હાથી છે. મહાવતોનું એક ગ્રુપ આ હાથીઓને ટ્રેનિંગ આપે છે અને તેમની દેખભાળ કરે છે. થેપ્પકટુ એલિફન્ટ કેમ્પ મુદુમલાઇ ટાઇગર રિઝર્વનો ભાગ છે, જેમાં સ્વદેશી કટ્ટુનાયકન જનજાતિઓની વસ્તી છે.
ફરવાના શોખીનો માટે બેસ્ટ જગ્યા
ઉટી સાઉથનું એક સુંદર અને શાંત હિલસ્ટેશન માનવામાં આવે છે. અહીં જોવા માટે ઘણુ બધુ છે. જેમ કે ઉટી બોટ હાઉસ, ઝરણા, રોઝ ગાર્ડન, તળાવો. અહીં તમે સ્વાદિષ્ટ પકવાનોની મજા પણ માણી શકો છો. જો તમે ક્યારેય ઉટી ફરવાનો પ્લાન બનાવતા હોય તો આ સુંદર કેમ્પને તમારા લિસ્ટમાં એડ કરજો.
આ પણ વાંચજોઃ વ્યાજદરમાં વધારો થતાં ઘરોના વેચાણમાં 15 ટકાનો ઘટાડો, નાના ઘર ખરીદનારાઓ નિરાશ !