કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

ગુજરાતનું આ સ્થળ પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર

  • બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

ગાંધીનગર, 30 જાન્યુઆરી, 2025: ગુજરાતમાં કચ્છના ગુનેરી નજીકના વિસ્તારને પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરવામાં આવી છે. આ રીતે બાયોડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે.

પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા ‘કચ્છ’ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. રાજ્ય સરકારના સતત પ્રયાસોથી કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના ૩૨. ૭૮ હેકટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરાવામાં આવ્યો છે, જે કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે.

કચ્છ બાયોડાયવર્સિટી - HDNews
કચ્છ બાયોડાયવર્સિટી – HDNews

વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારુપે ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે સ્થિત ‘ઇનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી” સાઈટને ગુજરાતની પ્રથમ“ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ “ તરીકે જાહેર કરવામાં આવી છે.

મેન્ગ્રૂવ મુખ્યત્વે દરિયા કિનારે એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં ૨૪ કલાકમાં એકવાર પાણી આવીને જતું રહેતું હોય, જ્યાં સતત દલદલ એટલે કે કીચડ રહેતું હોય ત્યાં જ જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રથી ૪૫ કિ.મી.ના અંતરે અને કોરી ક્રીકથી ૪ કિ.મીના અંતરે ગુનેરી ખાતે આવેલા મેંન્ગ્રૂવમાં પાણી ક્યારેય આવતું નથી કે કીચડ કે દલદલ નહીં પણ સપાટ જમીન ઉપર ૩૨.૭૮ હેક્ટર વિસ્તારમાં મેંન્ગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે, જે આપોઆપ એક વિશિષ્ટતા છે.

કચ્છ બાયોડાયવર્સિટી -  HDNews
કચ્છ બાયોડાયવર્સિટી – ફોટોઃ માહિતી ખાતું

આવી એક સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલા મેન્ગ્રૂવની વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે એ ખૂબ જરુરી છે. તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની ભલામણને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાની “ઇનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી” સાઈટને ગુજરાતની પ્રથમ “બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ“ (બી.એચ.એસ.) તરીકે જાહેર કરવામાં આવી છે. હવે ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મેનેજમેંટ પ્લાન થકી તેના ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવનાર છે.

રાજ્ય સરકાર દ્વારા એ બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે કે, સ્થાનિકોના હક્ક અને વિશેષ અધિકારોનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિકો, વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક વન અને આદીવાસી પ્રજાના ક્ષમતા વર્ધન તાલીમ દ્વારા બાર્યોડાયવર્સિટીનુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે, તેમ વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ રેલવે કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ ઓનલાઈન કેન્સલ કરો; જાણો પ્રોસેસ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button