લોરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની ઑફર કરી દીધી આ પાર્ટીએ!
મુંબઈ, 21 ઑક્ટોબર, 2024: લોરેન્સ બિશ્નોઈ કાયદાની નજરમાં, અનેક લોકોની નજરમાં એક ખૂંખાર અપરાધી છે, પરંતુ આ દેશમાં એવો પણ એક રાજકીય પક્ષ છે જેને લોરેન્સ બિશ્નોઈમાં ભગતસિંહ દેખાય છે અને તેને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની ઑફર પણ કરી દીધી છે.
અમદાવાદની સાબરમતી જેલમાં કેદ અને ગેંગસ્ટર તરીકે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડવાનું નિમંત્રણ મળ્યું છે. ઉત્તર ભારતીય વિકાસ સેના (UBVS) નામના આ રાજકીય પક્ષનું ચૂંટણીપંચ તેમજ મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન થયેલું છે. તેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ શુક્લ છે અને તેમણે લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં પત્ર મોકલીને ચૂંટણી લડવા વિનંતી કરી છે.
સુનિલ શુક્લના જણાવ્યા મુજબ, મુંબઈમાં ચૂંટણી લડવા માટે તેમના પક્ષ ઉત્તર ભારતીય વિકાસ સેનાએ ચાર ઉમેદવારોનાં નામ નક્કી કરી દીધા છે. જો લોરેન્સ બિશ્નોઈ મંજૂરી આપે તો તેની સાથે કુલ 50 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.
UBVS પક્ષે વિશ્નોઈને લખેલા પત્રમાં કહ્યું છે કે, તમારો જન્મ પંજાબમાં થયો હતો અને અમે ઉત્તર ભારત વિકાસ સેના નામે રાષ્ટ્રીય અને મહારાષ્ટ્ર રાજ્યમાં ચૂંટણીપંચ તરીકે માન્ય પક્ષ છીએ, જે ઉત્તર ભારતીયોના અધિકારો માટે કામ કરે છે. બિશ્નોઈને લખેલા પત્રમાં શુક્લ આગળ લખે છે કે, તમારામાં અમને શહીદ ભગતસિંહ દેખાય છે. ઉત્તરપ્રદેશ પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ તથા અન્ય પાંચ રાજ્યોમાં ઉત્તર ભારતીય રાજ્યોમાંથી આવનારા, જેઓ મહારાષ્ટ્રમાં જન્મીનો મોટા થયા છે, જેઓ ઓબીસી, એસસી તથા એસટી છે તેમને અનામતથી વંચિત રાખવામાં આવ્યા છે એ બધાના અધિકારો માટે અમે કામ કરીએ છીએ.
સુનિલ શુક્લે આગળ લખ્યું કે, અમે તમને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવા પ્રસ્તાવ આપીએ છીએ. ઉત્તર ભારતીય વિકાસ સેનાના કાર્યકરો એ સુનિશ્ચિત કરશે કે તમે શાનદાર જીત હાંસલ કરો અને પોતાના સમાજનો ઉદ્ધાર કરો. તમે હા પાડશો એવી અમારી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ આવી ડબલ ઢોલકી નહીં ચાલે, કાંતો વકીલાત કરો અથવા પત્રકારત્વઃ જાણો સુપ્રીમ કોર્ટે કોને ઠપકો આપ્યો?