ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

આ ધારાસભ્ય 6થી વધુ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે, જાણો કોણ-કોણ છે આ યાદીમાં

અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય રહ્યો છે. તમામ રાજકીય પક્ષ ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત છે. ચૂંટણી દરમિયાન અનેક નેતા પોતાના સ્વાર્થ ખાતર પાર્ટી છોડી બીજી પાર્ટીમાં સામેલ થઈ રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ પણ હાથનો સાથ છોડી ભાજપનો ભગવો ખેસ પહેરી લીધો છે. તેઓ સતત 10 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યાં અને તેમનું નામ વર્લ્ડ રેકોર્ડ લિસ્ટમાં સામેલ છે.

ગુજરાતમાં લગભગ 62 ધારાસભ્ય એવા છે જેમને ત્રણ કે તેનાથી વધુ વખત ચૂંટણીમાં જીત મેળવી છે. જેમાંથી એક ધારાસભ્ય 10 વખત, ત્રણ ધારાસભ્ય સાત વખત, પાંચ ધારાસભ્ય છ વખત ચૂંટાયા છે. 18 ધારાસભ્ય પાંચ વખત વિજયી થયા છે તો 15 ધારાસભ્યએ ચાર વખત જ્યારે 20 ધારાસભ્ય ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. સતત જીતનાર કુલ સભ્યોમાં ભાજપના 41, કોંગ્રેસના 20 અને 1 BTPના નેતા છે.

BTPના નેતા છોટૂભાઈ વસાવા સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પરંતુ આ વખતે તેઓ ચૂંટણી નથી લડી રહ્યાં. હકિકતમાં આ તાકાતવર નેતાઓની સામે કોઈ નવા ઉમેદવારને તેમની વિરૂદ્ધ ચૂંટણી લડાવવી ઘણું પડકારજનક કહી શકાય.

1998થી 2017 સુધી વિધાનસભાની 46 સીટ એવી છે જ્યાં 24 વર્ષથી જીતનારી પાર્ટી બદલાઈ નથી. ત્યારે આ યાદીમાં ભાજપને પાસે એવી 31 સીટ છે તો કોંગ્રેસ પાસે 14 સીટ અને BTPની પાસે છોટા ઉદેપુરની એક સીટ છે. કોંગ્રેસનું જે સીટ પર આધિપત્ય રહ્યું છે તેમાં મોટા ભાગે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારો સામેલ છે. જ્યારે ભાજપની 31 સીટ પર સામ્રાજ્ય યથાવત છે તે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવી શહેરી ક્ષેત્રની બેઠકો છે.

છ કે તેથી વધુ વખત ચૂંટણી જીતેલા નેતાઓની યાદી
મોહનસિંહ રાઠવાઃ રાઠવા માત્ર એક જ વખત ચૂંટણી હાર્યા છે. લાંબા સમય સુધી ધારાસભ્ય પદ પર રહેનારા નેતાઓમાંથી એક છે. મોહનસિંહને જનતાએ 10 વખત ધારાસભ્ય તરીકે પસંદ કર્યા. જેતપુરથી તેમણે 1972થી 2007 સુધી ચૂંટણી લડી. 2012-2017માં છોટા ઉદેપુરથી ચૂંટણી લડી અને જીતી. રાઠવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1995થી 2017 સુધી ચૂંટણી લડ્યા હતા.

યોગેશ પટેલઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાત વખત લડ્યા છે અને જીત પણ મેળવી છે. તેમણે પોતાની રાજકીય ક્ષેત્રની સફર 1990માં જનતા દળની કરી અને હાલ તેઓ ભાજપના નેતા છે. પટેલે 1990થી 2007 સુધી વડોદરાની રાવપુરા સીટ જે બાદ 2012-2017 સુધી માંજલપુરથી ચૂંટણી લડી હતી. આ વખતે પણ ભાજપને તેમણે ટિકિટ આપી છે. તેઓ આ વખતની ચૂંટણીમાં સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે.

નીતિન પટેલઃ છ વખત ધારાસભ્ય પદે રહ્યાં છે .1990થી 2017 સુધી પટેલે ભાજપના નેતા તરીકે ચૂંટણી લડી હતી. તેઓ 1990થી 2007 સુધી કડી સીટ પરથી અને 2012થી 2017 સુધી મહેસાણા સીટ પરથી ચૂંટણી લડી હતી. જો કે આ વખતે ભાજપે નીતિન પટેલને ટિકિટ આપી નથી. નીતિન પટેલે જ સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.

પબુભા માણેકઃ દ્વારકાના ધારસભ્ય અને બાહુબલી નેતા પબુભા માણેક સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 1990થી 2017 સુધી તેઓ દ્વારકાના ધારાસભ્ય રહ્યાં. 1990-98 સુધી અપક્ષ, 2002 કોંગ્રેસ અને 2007થી 2017 સુધી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. પબુભા અનેક વિવાદો સાથે પણ જોડાયેલા છે.

કેશુભાઈ નાકરાણીઃ ભાજપના છ વખતથી ઉમેદવાર જાહેર થયા અને પાર્ટીની આશા પર ખરા ઉતરતા તમામ વખત વિજયી પણ થયા. તેમણે 1995થી 2007 સુધી સિહોરાથી ચૂંટણી લડી અને જીતી. 2012 અને 2017માં ગારિયાધાર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

છોટુભાઈ વસાવાઃ સાત વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ માત્ર 1985માં ચૂંટણી હાર્યા હતા. જે બાદ 1990 અને 1998માં જનતા દળ, 1995માં અપક્ષ, 2002-12 સુધી JD(U) અને 2017માં BTPના ધારાસભ્ય રહ્યાં છે. આ વખતે તેઓ ચૂંટણી નહીં લડે.

પૂંજાભાઈ વંશઃ ઉનાથી 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વંશ માત્ર 2007માં જ ચૂંટણી હાર્યા હતા. જનતા દળથી 1990માં, 1995-2017 સુધી તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.

મધુ શ્રીવાસ્તવઃ સતત 6 વખત ધારાસભ્ય બન્યા છે. મધુભાઈને 1985-90ની ચૂંટણીમાં હાર મળી હતી. તેમણે વડોદરા સિટીની સીટ પર ચૂંટણી લડી હતી. હાલ તેઓ વાઘોડિયાથી ચૂંટણી લડી રહ્યાં છે. જો કે ભાજપે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી ત્યારે આ વખતે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

નિરંજન પટેલઃ પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ સતત છ ટર્મથી MLA તરીકે ચૂંટાતા આવ્યા છે. વર્ષ 2002માં નિરંજન પટેલ ચૂંટણી હાર્યા હતા. 1990માં જનતા દળના ઉમેદવાર તરીકે, જે બાદ 1995થી 2017 સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

Back to top button