ભાજપ દ્વારા મુખ્યપ્રધાનો પસંદ કરવામાં વિલંબનું આ છે રહસ્ય
- ભાજપે જ્યારે પણ સીએમ પસંદ કરવામાં સમય લીધો ત્યારે રાજ્યોને નવા ચહેરા મળ્યા…શું આ વખતે પણ એવુ જ થશે ?
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: ચૂંટણી પંચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કર્યા હતા. આમાંથી બે રાજ્યો તેલંગાણા અને મિઝોરમમાં નવી સરકારો રચાઈ છે. કોંગ્રેસના રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે અને ZPMના લાલદુહોમા મિઝોરમના નવા મુખ્યમંત્રી બન્યા છે. પરંતુ ત્રણ રાજ્યો એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ હજુ પણ યથાવત છે.
ભૂતકાળ સાક્ષી છે કે જ્યારે પણ ભાજપે મુખ્યમંત્રીની પસંદગીમાં રાહ જોવડાવી ત્યારે રાજ્યોને નવા ચહેરા મળ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતીથી જીત મેળવી છે, પરંતુ હજી સુધી સીએમના નામની જાહેરાત કરી નથી. ત્યારે હવે જોવાનું એ છે કે ચર્ચામાં રહેલા નામની ભાજપ પસંદગી કરે છે કે કોઈ નવો જ ચહેરો રાજ્યોને આપે છે.
ભાજપ જ્યારે સીએમ પસંદ કરવામાં સમય લે ત્યારે કોઈ નવો જ ચહેરો રાજ્યને આપે છે
ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે જ્યારે પણ ભાજપે કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રીની પસંદગી કરવામાં સમય લીધો છે ત્યારે ત્યાં નવો ચહેરો ઉભરી આવ્યો છે. ઉપરોક્ત ત્રણ રાજ્યોમાં પણ ભાજપ આ પરંપરાનું પુનરાવર્તન કરી શકે છે. ત્રણમાંથી બે રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી છે. 2018માં જ્યારે આ બે રાજ્યોમાં ભાજપ સત્તાથી બહાર હતી, ત્યારે તેના મુખ્યમંત્રી અનુક્રમે વસુંધરા રાજે સિંધિયા અને રમણ સિંહ હતા.
મધ્યપ્રદેશમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે. શિવરાજ સિંહ ચૌહાણ સીએમ પદ પર યથાવત છે. પરંતુ તેમનો દાવો નક્કર નથી. કારણ કે ભાજપે તેમને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર નહોતા કર્યા. મુખ્યમંત્રીની પસંદગીમાં વિલંબને લઈને ભાજપના ભૂતકાળના નિર્ણયો પર નજર કરીએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નેતૃત્વ પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે.
ભાજપે 2013માં ત્રણ દિવસની અંદર મુખ્યમંત્રીની પસંદગી કરી હતી
ભાજપે ચૂંટણી પરિણામો જાહેર થયાના માત્ર 3 દિવસમાં જ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરી દીધી હતી. આવું એટલા માટે થયું કારણ કે ભાજપ આ રાજ્યોમાં કોઈ નવા ચહેરાને સીએમ બનાવવા માંગતી ન હતી. શિવરાજ એમપીના, રાજસ્થાનના વસુંધરા અને છત્તીસગઢના રમણસિંહ મુખ્યપ્રધાન બનશે તે નિશ્ચિત હતું. હવે 2017ની વિધાનસભાની ચૂંટણી યાદ કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં વિલંબ થયો હતો. પરિણામે ત્રણેય રાજ્યોમાં નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
2017માં પાર્ટીએ સીએમ નક્કી કરવા માટે સમય લીધો તો નવા ચહેરા રાજ્યને મળ્યા હતા
પ્રેમ કુમાર ધૂમલ, અનુરાગ સિંહ ઠાકુર, ભગત સિંહ કોશ્યરી, રમેશ પોખરિયાલ નિશંક, રાજનાથ સિંહ, મનોજ સિંહા જેવા ઘણા જૂના અને પ્રખ્યાત ચહેરાઓ હિમાચલ, ઉત્તરાખંડ અને યુપીમાં સીએમ પદની રેસમાં સામેલ હતા. પરંતુ ભાજપે ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત, હિમાચલમાં જયરામ ઠાકુર અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને સત્તાની કમાન સોંપીને તેના વિરોધીઓને પણ ચોંકાવી દીધા હતા. જોકે, ઉત્તરાખંડમાં બાદમાં તીરથ સિંહ રાવત અને તેમના પછી પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ઘણા દાવેદારો
રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ ત્રણેય રાજ્યોમાં નેતૃત્વ સ્તરે પરિવર્તનના મૂડમાં છે. જો તેઓ જૂના ચહેરાને જ મુખ્યમંત્રી બનાવવા માગતા હોત તો અત્યાર સુધી નામ જાહેર કરી જ દીધા હોત, પરંતુ એવુ થયું નથી. આ વખતે પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે ઘણા દાવેદારો છે. પરંતુ હજુ સુધી કોઈ ચહેરા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એમપીમાં શિવરાજ સિંહ ઉપરાંત નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ મુખ્યમંત્રી પદની રેસમાં હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ માટે નિરીક્ષકોનાં નામ જાહેર કર્યાં