વરુણ ગાંધીની ટિકિટ કેન્સલ થવા પાછળ આવું છે કારણ, માતા મેનકા ગાંધીએ કર્યો ખુલાસો
નવી દિલ્હી, 11 મે: ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને વરુણ ગાંધીની માતા મેનકા ગાંધીએ પોતાના પુત્રની ટિકિટ રદ્દ થવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. વરુણ ગાંધીને પીલીભીતથી ટિકિટ ન આપવા અંગે મેનકા ગાંધીએ કહ્યું કે વરુણને ત્યાંથી ટિકિટ આપવી જોઈતી હતી, પરંતુ પાર્ટીએ ટિકિટ આપી નથી. ઉલ્લેખનીય છે કે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે અનેક વખત પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવનારા વરુણ ગાંધીની ટિકિટ રદ કરીને ભાજપે ઉત્તર પ્રદેશના જાહેર બાંધકામ મંત્રી અને પૂર્વ સાંસદ જિતિન પ્રસાદને પીલીભીતથી પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
એક ઈન્ટરવ્યુમાં જ્યારે મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તેમના પુત્ર વરુણને સરકારની ટીકા કરવા બદલ લોકસભાની ચૂંટણીની ટિકિટ ગુમાવવી પડી? જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે, અન્ય કોઈ કારણ દેખાતું નથી. તેમણે વધુમાં કહ્યું, “મને ખાતરી છે કે વરુણ લોકસભા ચૂંટણીની ટિકિટ વિના પણ સારું પ્રદર્શન કરશે.”
અગાઉ એવું માનવામાં આવતું હતું કે વરુણ પીલીભીતથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે, પરંતુ નામાંકન પ્રક્રિયાના છેલ્લા દિવસે પણ તેણે ઉમેદવારી નોંધાવી ન હતી, જેના પછી આ બેઠક પરથી તેના ચૂંટણી લડવાની તમામ અટકળોનો અંત આવ્યો હતો. ત્રણ દાયકામાં પહેલીવાર મેનકા ગાંધી અને તેમના પુત્ર વરુણ ગાંધી બંને પીલીભીત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં નથી. નેપાળની સરહદે આવેલા તરાઈ બેલ્ટ પર સ્થિત પીલીભીતમાંથી વરુણને આ વખતે ટિકિટ ન મળી તે આશ્ચર્યજનક નથી, કારણ કે તે ખેડૂતો, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓ પર ભાજપની ઘણી વખત ટીકા કરી ચુક્યા છે.
વરુણની માતા મેનકા સુલતાનપુર સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને ભાજપે તેમને આ સીટ પરથી ફરી ટિકિટ આપી છે. પીલીભીત બેઠકનું પ્રતિનિધિત્વ મેનકા ગાંધી અથવા તેમના પુત્ર વરુણ દ્વારા 1996 થી કરવામાં આવે છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના પિતરાઈ ભાઈ વરુણ ગાંધી વર્ષ 2009 અને 2019માં પીલીભીતથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મેનકા ગાંધીએ કહ્યું કે તેઓ કેટલા મતોથી જીતશે તેનું અનુમાન લગાવી શકાય તેમ નથી પરંતુ તેઓ સુલતાનપુર લોકસભા સીટ જીતશે.
આ પણ વાંચો :IPL 2024: દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, કેપ્ટન ઋષભ પંતને એક મેચ માટે કરાયો સસ્પેન્ડ