ગુજરાતટોપ ન્યૂઝ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ બાબતે ગુજરાત કરતાં મહારાષ્ટ્ર આગળ

Text To Speech
  • મહારાષ્ટ્રમાં 99.75 ટકા જમીન સંપાદિત કરાઈ ચુકી છે
  • ગુજરાતમાં 98.91 ટકા જમીન સંપાદન થઈ
  • ભરૂચમાં 0.05 હેક્ટર જમીન સંપાદન કરવાની બાકી

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં મહારાષ્ટ્રે ગુજરાતને પાછળ છોડી દીધુ છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. એનએચએસઆરસીએલ ( નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના ડેટા મુજબ, મહારાષ્ટ્રમાં 99.75 ટકા જમીન સંપાદિત કરાઈ ચુકી છે. જ્યારે ગુજરાતમાં 98.91 ટકા જમીન સંપાદિત થયેલી છે.

જાન્યુઆરી-2022 સુધીમાં 75 ટકા જમીન સંપાદિત થઈ હતી

એકનાથ શિંદેની સરકાર બન્યા પહેલા મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ માટે જાન્યુઆરી-2022 સુધીમાં 75 ટકા જ્યારે ગુજરાતમાં 98.75 ટકા જમીન સંપાદિત થઈ હતી. ગુજરાત શા માટે પાછળ રહી ગયુ છે કે, તે અંગે એનએચએસઆરસીએલ કહે છે કે મહારાષ્ટ્રમાં ઝડપી જમીન સંપાદથી પ્રોજેક્ટમાં ઝડપ આવી છે. બંને રાજ્યોમાં હવે થોડી જ જમીન સંપાદિત કરવાની બાકી છે. જમીન સંપાદનના મુદ્દે જમીન માલિકો કોર્ટમાં જતા કાનુની લડાઈને લીધે વિલંબ થયો છે. સપ્ટેમ્બર-2021માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 7.9 હેક્ટર જમીનમાંથી 100 ટકા જમીન સંપાદિત થયેલી હતી.

બંને સ્થળો વચ્ચે વર્ષ 2023 સુધીમાં બુલેટ ટ્રેન ચાલુ થઈ જશે

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડિસેમ્બર-2018 સુધીમાં તે પૂર્ણ ન થતા તેની સમય મર્યાદા વધારાયેલી. બંને સ્થળો વચ્ચે વર્ષ 2023 સુધીમાં બુલેટ ટ્રેન ચાલુ થઈ જશે. હાલ મહારાષ્ટ્રમાં 1.07 હેક્ટર જમીનનુ સંપાદન બાકી છે. એનએચએસઆરસીએલ દ્વારા 1,984 પ્લોટ માટે રૂ. 3,217 કરોડ વળતર પેટે ચુકવાયા છે. મુંબઈના ઉપનગરમાં આ પ્રોજેક્ટ માટે કુલ 4.83 હેક્ટર જમીનની જરૂર છે, જે સંપુર્ણપણે સંપાદિત થઈ ચુકી છે. પાલઘરમાં 0.32 હેક્ટર અને થાણેમાં 0.75 હેક્ટર જમીન બાકી છે.

ગુજરાતમાં 10.53 હેક્ટર જમીનનુ સંપાદન બાકી

ગુજરાતમાં 10.53 હેક્ટર જમીનનુ સંપાદન બાકી છે. રાજ્યમાં 6,248 પ્લોટ માટે કુલ રૂ. 6,104 કરોડ વળતર પેટે ચુકવાયેલા છે. રાજ્યના આઠ જિલ્લામાંથી બુલેટ ટ્રેન પસાર થશે. જેમાં ખેડા, આણંદ, નવસારી અને વલસાડ જિલ્લામાં 100 ટકા જમીન સંપાદિત થયેલી છે. વડોદરામાં 5.47 હેક્ટર, સુરતમાં 4.89 હેક્ટર, અમદાવાદમાં 0.02 હેક્ટર, ભરૂચમાં 0.05 હેક્ટર જમીન સંપાદન કરવાની બાકી છે.

Back to top button