આ છે ગંગાસ્નાન માટે સૌથી પવિત્ર સ્થાનઃ મકરસંક્રાંતિ પર લગાવો ડુબકી
હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાંથી એક મકરસંક્રાંતિ આ વર્ષે 15 જાન્યુઆરી 2023ના રોજ મનાવાશે. ભારતના અલગ અલગ રાજ્યોમાં મકરસંક્રાંતિ વિવિધ નામથી ઉજવાય છે. આ તહેવાર પર ગંગા સ્નાનનું પણ ખુબ મહત્ત્વ છે. મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવાથી સાત જન્મોના પાપ ધોવાઇ જાય છે. આ દિવસે તમામ ગંગા ઘાટો પર ભીડ રહે છે. આ ધાર્મિક આસ્થાને લઇને કથા પણ પ્રચલિત છે. આ માન્યતાને આધાર બનાવીને લોકો ગંગા નદી કે ગંગા મહાસાગરમાં સ્નાન કરીને દાન પુણ્ય કરે છે. જો તમે પણ મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવા ઇચ્છો છો તો આ ખાસ જગ્યાઓ પર ગંગા સ્નાનનું પુણ્ય બેગણુ મળી શકે છે. તો જાણો ગંગા સ્નાન માટે સૌથી પવિત્ર સ્થળો વિશે.
ગંગા સાગર
ગંગા સાગર પશ્વિમ બંગાળમાં સ્થિત પવિત્ર જગ્યા છે. મકરસંક્રાંતિના દિવસે અહીં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ જગ્યાને ગંગા સાગર એટલે કહેવાય છે કેમકે અહીં ગંગા નદી અને સાગરનું મિલન થાય છે. માન્યતા અનુસાર ગંગા સાગરમાં ડુબકી લગાવનાર વ્યક્તિને 10 અશ્વમેધ યજ્ઞ અને એક હજાર ગાયોનુ દાન કરવા સમાન ફળ મળે છે.
ત્રિવેણી સંગમ, પ્રયાગરાજ
પ્રયાગરાજનો સંગમ સૌથી પવિત્ર જગ્યાઓમાં ગણવામાં આવે છે. પ્રયાગરાજના સંગમમાં મકરસંક્રાંતિના દિવસે શાહી સ્નાનનું આયોજન થાય છે. ત્રણ પવિત્ર નદીઓ, ગંગા, યમુના અને સરસ્વતી નદીનુ મિલન થવાના કારણે આ સ્થાનને સંગમ કહેવાય છે. અહીં કુંભ મેળાનું પણ આયોજન થાય છે.
હરિદ્વાર
ધર્મનગરી ગણાતુ હરદ્વાર પવિત્ર સ્થળોમાંનુ એક છે. મકરસંક્રાંતિના અવસર પર હરદ્વારમાં ગંગા સ્નાન કરવામાં આવે છે. આમ તો હરદ્વારમાં ગંગા સ્નાન માટે કેટલાય ઘાટ છે. દર વર્ષે મકરસંક્રાંતિ પર હરદ્વારમાં મેળાનું આયોજન પણ થાય છે.
કાશી
ભગવાન શિવની સૌથી પ્રિય નગરી કાશી છે. કાશીમાં ભોળેનાથનું જ્યોતિર્લિંગ બિરાજમાન છે. બનારસનો ગંગા ઘાટ સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ છે. મકરસંક્રાંતિના દિવસે ગંગા ઘાટ પર ડુબકી લગાવવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિરમાં ખીચડી મહોત્સવનું આયોજન થાય છે.