આ છે દેશના પ્રસિદ્ધ અને ભવ્ય ગણેશ મંદિર, પૂરી કરશે દરેક ઈચ્છા
- ભારતના એવા જ કેટલાક પ્રસિદ્ધ અને ભવ્ય ગણેશ મંદિર વિશે જાણો, જ્યાં દર વર્ષે હજારો-લાખો ભક્તો દર્શન કરવા જાય છે
HD ન્યુઝ ડેસ્કઃ દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, આ સમય દરમિયાન વધુને વધુ ભક્તો બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે ગણેશ મંદિરોની મુલાકાત લે છે. ભારતના દરેક રાજ્યમાં ભગવાન ગણેશના વિવિધ પ્રાચીન અને ભવ્ય મંદિરો આવેલા છે, જે ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. અહીં તમે ભારતના એવા જ કેટલાક પ્રસિદ્ધ અને ભવ્ય ગણેશ મંદિર વિશે જાણો, જ્યાં દર વર્ષે હજારો-લાખો ભક્તો દર્શન કરવા જાય છે.
સિદ્ધિવિનાયક મંદિર
ભારતના સૌથી પ્રસિદ્ધ ગણેશ મંદિરોમાંનું એક છે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર. દેશ-વિદેશથી અહીં ભક્તો ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા આવે છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે જો સારી કામના સાથે અહીં દર્શન કરવા આવો તો મનની મુરાદ પૂર્ણ થાય છે.
દગડુશેઠ હલવાઈ
દગડુશેઠ હલવાઈ પુણેનું બીજું પ્રખ્યાત ગણેશ મંદિર છે. અહીં ભગવાન ગણેશની મૂર્તિ ખૂબ જ સુંદર છે અને અહીં બારે મહિના ભક્તોની ભીડ હોય છે. લાખો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે અહીં દર્શન કરવા આવે છે.
ગણપતિપુલે મંદિર
કોંકણમાં સ્થિત, ગણપતિપુલે મંદિરની વાસ્તુકળા ખૂબ જ સરળ છે. ભગવાન ગણેશની એક સુંદર મૂર્તિ છે જે કુદરતી રીતે રચાયેલી છે અને સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા છે.
કનીપકમ વિનાયક મંદિર
કનીપકમ મંદિર એટલે પ્રસિદ્ધ છે કારણ કે અહીં સ્થિત ગણેશની મૂર્તિને ‘સ્વયંભુ’ કહેવામાં આવે છે. અહીં પણ ગણેશજીની મૂર્તિ જાતે જ પ્રગટ થઈ હોવાનું કહેવાય છે. એવું પણ માનવામાં આવે છે કે અહીં ભગવાન ગણેશની મૂર્તિ દર વર્ષે અમુક મિલીમીટર વધે છે.
શ્રી બલ્લાલેશ્વર મંદિર
આ મંદિર અષ્ટવિનાયક મંદિરોમાં સામેલ છે. એવું કહેવાય છે કે આ એકમાત્ર ગણેશ મંદિર છે જ્યાં ભગવાન ગણેશને ભક્ત બલ્લાલ નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પાલી ગામમાં આવેલું છે.
મોરેશ્વર મંદિર
મોરેશ્વર મંદિર અથવા મયુરેશ્વર ગણપતિ મંદિર એ અષ્ટવિનાયક મંદિરની યાત્રાનું પ્રારંભિક બિંદુ છે. અહીં ભગવાન ગણેશની મૂર્તિ ઘેરા નારંગી રંગની છે અને દિવાલ પર સપાટ રાખવામાં આવેલી છે.
રોકફોર્ટ ઉચ્ચી પિલ્લયાર મંદિર
એક પહાડીની ટોચ પર આવેલા આ મંદિરમાં ભગવાન ગણેશને મળવા માટે ભક્તોએ લગભગ 300 સીડીઓ ચઢવી પડે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ શિખર મંદિર એ સ્થાન છે જ્યાં રાવણના ભાઈ વિભીષણથી ભાગીને ભગવાન ગણેશ અહીં સંતાયા હતા.
મનકુલા વિનયગર મંદિર
પોંડિચેરીના સૌથી જૂના મંદિરોમાંનું એક મનકુલા મંદિર વિશે એવું કહેવાય છે કે પોંડિચેરીમાં ફ્રેન્ચોના આગમન પહેલા પણ આ મંદિર અસ્તિત્વ હતુ. આ મંદિર એક સુંદર સ્થાપત્ય અજાયબી છે અને ભગવાન ગણેશને સોના અને ચાંદીના ઘરેણાં પહેરાવેલા છે.
મોતી ડુંગરી ગણેશ મંદિર
મોતી ડુંગરી એ રાજસ્થાનના જયપુરમાં ભગવાન ગણેશને સમર્પિત મંદિર છે. તે 1761 માં શેઠ જય રામ પાલીવાલની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું. આ મંદિર શહેરમાં એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે અને બિરલા મંદિરની બાજુમાં આવેલું છે.
ત્રિનેત્ર ગણેશ મંદિર, રણથંબોર
રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે રણથંબોર કિલ્લામાં ગણેશજીનું એક પ્રાચીન મંદિર છે. જેને ત્રિનેત્ર ગણેશ મંદિર કહેવામાં આવે છે. મંદિરમાં રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણેશજીની ત્રિનેત્રવાળી પ્રતિમા સ્થાપિત છે. મંદિરનું નિર્માણ 10મી સદીનું માનવામાં આવે છે. તે સમયે રાજા હમીરે આ મંદિર બનાવ્યું હતું.
આ પણ વાંચોઃ ગણેશ ઉત્સવઃ કોણ હતા ભાઉસાહેબ રંગારી જેમના ઘરે ગણપતિ સ્થાપન માટે પહેલી બેઠક મળી હતી?