ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલવિશેષ

આવું છે મારૂ ગુજરાત ! ગુજરાતીઓ માટે ગોળીબારમાં શહીદ એક નિર્દોષ ચકલીનું સ્મારક પણ અહીં છે

Text To Speech

ગુજરાત કઇ આમ જ દેશમાં રોલ મોડલ રાજ્ય તરીકે જોવામાં નથી આવતું, ફક્ત વેપાર અને ધંધામાં કે ખાવપીવા અને હરવાફરવામાં જ ગુજરાતી અવ્વલ છે તેવું નથી. ગુજરાત પોતાના માટે આપેલા દરેક બલિદાન અને બલિદાન આપનારને હંમેશા યાદ રાખતું અને બિરદાવતુ હતુંં, બિરદાવે છે અને બિરદાવતું રહશે. આ વાતની પુષ્ટી કરવા માટે એક જ સવાલ કોઇ પણને પુછવો પડે અને તે છે, શું તમે દેશ-દુનિયામાં કયાય પણ કોઇ શહીદ પ્રાણી કે પક્ષીનું સ્મારક જોયું છે ?

શહીદોના સ્મારક જોયા હશે, પાળિયાઓ જોયા હશે, ખાંભી જોઈ હશે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ચકલીનું સ્મારક હોય, એ પણ શહીદ ચકલીનું? તમે નહીં માનો પણ સંવેદનશીલ ગુજરાતમાં આવું પણ એક સ્મારક ખરેખર છે. જી હાં, એક ચકલી જે પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ હતી, તેનું સ્મારક ગુજરાતનાં અમદાવાદનાં આસ્ટોડિયા વિસ્તારની ઢાળની પોળમાં આજે પણ આવેલુ છે.

તમને સવાલ એ થશે કે એક નાનકડી ચકલી કઈ રીતે શહીદ થઈ. પક્ષીઓ તો નાનકડા અવાજથી પણ ઉડી જતા હોય છે, તો ચકલીને ગોળી કેવી રીતે વાગી ? ચાલો જાણી લઈએ આખી વાત.

ચકલી સ્મારક

આ ઘટના છે 1974ની, જ્યારે ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન ચાલી રહ્યું હતું. નવનિર્માણનું આંદોલન ઘણા ગુજરાતીઓને યાદ હશે. વિદ્યાર્થીઓથી શરૂ થયેલું આ આંદોલન આખા રાજ્યમાં ફેલાયું હતું, અને પરિસ્થિતિ ચિંતાજનક બની હતી. આંદોલન કાબુમાં લેવા માટે પોલીસ દમન પણ થયું. વિરોધ હિંસક બન્યો, ક્યાંક ક્યાંક પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ. કેટલીક જગ્યાએ પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા ગોળીબાર કર્યો. અમદાવનાદમાં પરિસ્થિતિ એટલી વણસી હતી કે લશ્કર બોલાવવું પડ્યું હતું.
ગુજરાતનાં અમદાવાદમાં 2 માર્ચ 1974ના રોજ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે આવી જ અથડામણ થઈ. પોલીસે ફાયરિંગ કર્યું અને કહેવાય છે કે પોલીસ ફાયરિંગમાં દાણા ચણતી એક નિર્દોષ ચકલી હણાઈ ગઈ. આજે પણ જો તમે ઢાળની પોળમાં જશો, તો ત્યાં સફેદ આરસના પત્થર કોતરીને આ ચકલીનું સ્મારક બનેલું દેખાશે. જેના પર લખેલું છે,’1974ના રોટી રમખાણમાં (નવ નિર્માણ, આંદોલન) 2 માર્ચ 1974ના રોજ સાંજે 5:25 વાગે એક અબોલ ચકલીનું પોલીસના બેફામ ગોળીબારમાં દુઃખદ અવસાન થયું હતું.’

તે સમયે આ ઘટનાના સાક્ષી બનેલા કેટલાક સ્થાનિકો આજે પણ પોળમાં મોજૂદ છે. જેઓ યાદ કરતા કહે છે કે ચકલીના મોત પછી બે દિવસ ચબૂતરો ખાલી પડ્યો રહ્યો હતો. આખરે જયેન્દ્ર પંડિત નામના સ્થાનિકે સાથે રહીને આ સ્મારક બંધાવ્યું.

લોકવાયકા મુજબ, ચકલીના મૃત્યુ પછી, સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પાસે અંતિમયાત્રા કાઢવાની પરવાનગી માંગી હતી. અને બાદમાં તે જ્યાં મૃત્યુ પામી હતી, તે સ્થળની નજીક તકતી સાથે સ્મારકનો પાયો નાખીને પક્ષીને શ્રદ્ધાંજલિ આપી હતી. અત્યારે પણ આજુબાજુના લોકો પક્ષીના સ્મરણાર્થે સ્થળ પર પક્ષીઓનો ખોરાક અને તેલનો દીવો રાખે છે.

Back to top button