યુક્રેનિયન સૈનિકનો સ્માર્ટફોને આ રીતે બચાવ્યો જીવ, વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ!
ફક્ત બે દિવસમાં જ સમાપ્ત થઇ જશે તેવી વિશ્વ ધારણાને ખોટી સાબિત કરનાર રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયાને બે મહિના થઈ ગયા છે. રશિયન સેના બોમ્બ અને મિસાઈલ હુમલાઓથી યુક્રેન પર વિનાશ વહેરી રહી છે. રશિયાની સાપેક્ષમાં ખુબ ટચુંકડું કહેવાય તેવા યુક્રેને યુદ્ધમાં આટલું લાબું ખેચી રશિયાને પણ રીતસરનો પરસેવો અવડાવી દીધો હોવાનું વિશ્વભરના લોકો આજે માની રહયા છે. યુક્રેનના સૈનિકોએ ડર્યા કે ટસથી મસ થયા વિના રશિયન દળો સામે વીરતા પૂર્વક લડવાનું ચાલુ રાખ્યું છે. જો કે યુક્રેનમાં રશિયા દ્રારા સર્જવામાં આવેલી તારાજી અરેરાટી છોડાવી દે તેવી ભયાવહ છે. યુદ્ધની આ અપ્રતિમ પળોમાં પણ આપણી લોકવાયકા જાણે જીવંત થઇ હોઇ તેવી ધટના સામે આવી છે.
A smartphone saved #Ukrainian soldier's life pic.twitter.com/FstoqrTJov
— Giorgi Revishvili (@revishvilig) April 19, 2022
જી હા, આપણી પૌરાણિક સભ્યતા પ્રમાણે કહેવાય છે ને કે “રામ રાખે તેને કોણ ચાખે”, બસ આ ઉક્તિ યુક્રેનના એક સૈનિક સાથે સાચી ઠરી છે. વાત જાણે એમ છે કે યુક્રેનના એક સૈનિકને રશિયન આર્મીના જવાન દ્રારા ગળી ધરબી દેવામાં આવી. રશિયન-યુક્રેનિયન સૈનિકો વીરતાપૂર્વક સામસામે ગોળીબાર કરી રહ્યા હતા. દરમિયાન રશિયન સૈનિકની બંદૂકમાંથી 7.62 એમએમની બુલેટ યુક્રેનિયન સૈનિકને વાગી હતી. જોકે, બુલેટ યુક્રેનિયન સૈનિકના ખિસ્સામાં રહેલ સ્માર્ટફોનમાં વાગી અને અટવાઇ ગઇ હતી. સ્માર્ટફોન આમતો અનેક પ્રકારનાં ભયસ્થાનો ધરાવતો હશે, પરંતુ અહીંનાં કિસ્સામાં તો સ્માર્ટફોને જીવ બચાવવાનું અદ્દભૂત કાર્ય કર્યુ હતું અને સૈનિક મોતથી બચી ગયો. જો ખિસ્સામાં સ્માર્ટફોન ન હોત તો ગોળીએ સૈનિકના શરીરને વીંધી નાખ્યું હોત અને સૈનિક ચોક્કસ પણ મોતને ભેટ્યો હોત.
અદ્દભૂત બચાવની ઘટના જે સૈનિક સાથે બની, તે સૈનિક પોતાના સાથીને આ તમામ હકીકત વર્ણાવતો અને અકસ્માત વિશે કહેતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુક્રેનિયન સૈનિક વાયરલ વીડિયોમાં તેનો ક્ષતિગ્રસ્ત ફોન અટવાયેલી બુલેટ સાથે બતાવે છે અને કહે છે કે “…સ્માર્ટફોને મારો જીવ બચાવ્યો”. વાયરલ વીડિયોમાં, સૈનિક સાથે વાત કરતા સમયે પાછળથી ગોળીબારનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે. સૈનિક તેના સાથી લડવૈયા સાથે વાત કરતો જોવા મળે છે અને તેનો મોબાઈલ ફોન બતાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ જે તેના બીજા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે, તેના અંતના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી.