આને કહેવાય ગુજરાતી! વડોદરામાં વિધાર્થીએ ઘરબેઠાં ઓપરેટ થતું ફેક્ટરી મશીન બનાવ્યું, જીત્યો બ્રોન્ઝ મેડલ

વડોદરા, 21 સપ્ટેમ્બર, મહેનત કર્યા વિના સફળતા પ્રાપ્ત થતી નથી. સફળતાની પ્રથમ શરતએ સખત મહેનત છે. જેઓ આ જાણતા નથી, તેઓ જીવનમાં સફળતાનો આનંદ માણતા નથી. સફળતાની સાચી ખુશી સખત મહેનતમાં છુપાયેલી છે. અને મહેનત કરીને સફળ કઈ રીતના થવાય તે હકીકત કરતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી ધ્રુમિલ ગાંધીએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન એટલે કે સ્કિલ ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. ધ્રુમિલ અને તેના સાથીદાર અને મૂળે કેરાલાના સત્યજિથ બાલાક્રિષ્નને સ્કિલ ઓલિમ્પિકની ઈન્ડસ્ટ્રી 4.0 કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં ભારત પહેલી વખત કોઈ મેડલ જિત્યું છે.
ફ્રાન્સમાં તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનમાં એટલે કે સ્કિલ ઓલિમ્પિકમાં ઈન્ડસ્ટ્રીઝ ઓટોમેશનની કેટેગરીમાં વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામમાં રહેતા વિદ્યાર્થીએ ભારતને પહેલી વખત બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ સેંકડો કિલોમીટર દૂર આવેલી ફેકટરીની મશીનરીને પોતાના ઘરમાં બેસીને પણ ઓપરેટ કરી શકે છે. ફ્રાન્સમાં 11 થી 14 સપ્ટેમ્બર દરમિયાન સ્કિલ ઓલિમ્પિકનું આયોજન થયું હતુ. જેમાં સ્કિલ પર ફોકસ કરતી અલગ અલગ 52 પ્રકારની કેટેગરીમાં સ્પર્ધાઓનું આયોજન થયું હતું. ભારતના સ્પર્ધકોએ કુલ ચાર બ્રોન્ઝ મેડલ જીત્યાં છે અને તેમાં ગુજરાતની ટીમ ધ્રુમિલ અને સત્યજીથનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધામાં અલગ અલગ 20 દેશોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરી રહેલા વડોદરાના ધ્રુમિલ ગાંધી અને તેમના જોડીદાર સત્યજીથ બાલાક્રિષ્નનનો સમાવેશ થતો હતો સ્કિલ ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા તેમણે રાષ્ટ્રીય સ્તરે બીજા 10 રાજ્યોની ટીમ સાથે સ્પર્ધામાં ઉતરવું પડયું હતુ. જેનું આયોજન ભારત સરકારના નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરાયું હતુ. જેમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા બાદ ધ્રુમિલ અને સત્યજીતની પસંદગી સ્કિલ ઓલિમ્પિક માટે થઈ હતી. ભારતના સ્પર્ધકોએ તેમાં કુલ ચાર બ્રોન્ઝ મેડલ જીત્યાં છે અને તેમાં ગુજરાતની ટીમે પહેલી વખત ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ થઈ છે. આ જ કેટેગરીમાં ગત વર્ષે ભારતની ટીમ છેલ્લા સ્થાને રહી હતી.
બ્રોન્ઝ મેડલ જીતીને શું કહ્યું ?
ધ્રુમિલ કહે છે કે, દરેક ટીમને કન્વેયર બેલ્ટ પરથી ચોક્કસ સાઈઝની પ્રોડકટ આપોઆપ ચેક થઈને પસાર થઈ શકે અને ખામીયુક્ત પ્રોડકટ આપોઆપ બહાર નીકળી જાય તે પ્રકારનુ મોડેલ ઈન્ફર્મેશન ટેકનોલોજી અને ઓપરેશનલ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવાનું હતું.આ માટે અમે પહેલા મશીનનો ડેટા એકત્રિત કર્યો હતો અને પ્રોડકટસની સાઈઝ ચેક થઈ શકે તે માટે સેન્સર અને કેમેરા લગાડ્યા હતા. તેની સાથે સાથે મેન્યુફેકચરિંગ એક્ઝિક્યુશન સિસ્ટમ સોફટવેરના પ્રોગ્રામમાં જરુરિયાત પ્રમાણે સુધારો વધારો કર્યો હતો. મશીનને ફેકટરી બહાર ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય તે માટે પ્રોડક્શન અને નેટવર્કનો ડેટા કલાઉડ નેટવર્ક પર સાઈબર સિક્યુરિટીનો ઉપયોગ કરીને મોકલ્યો હતો. ચાર દિવસ સુધી રોજ ચાર કલાક અમારે કામ કરવાનુ હતું. તેની સાથે સાથે ડેટા મોનિટરિંગ પણ કર્યુ હતું.ડેટાના આધારે તૈયાર થતા ગ્રાફ પરથી અનુમાન લગાવ્યું હતું કે, મશીનમાં ભવિષ્યમાં ક્યારે ખરાબી આવી શકે છે. પાંચ સભ્યોની જ્યુરીએ સતત અમારી કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતું. તેના આધારે ચોથા દિવસે વિજેતાઓની જાહેરાત કરાઈ હતી.
આ પણ વાંચો..વીડિયોઃ CM ભૂપેન્દ્ર પટેલે આંબરડી સફારી પાર્કમાં કર્યું સિંહ દર્શન, વન વિચરણ નિહાળ્યું