આ ભારત જવાહરલાલ નેહરૂનું નથી, રાહુલ ગાંધીના નિવેદન ઉપર BJP નો વળતો પ્રહાર


ભારત-ચીન સરહદ વિવાદ પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર ચીનના મુદ્દાને નજરઅંદાજ કરી રહી છે. દેશની સરકાર ઉંઘી રહી છે અને ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ ભારત તેમના પરદાદા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું નથી. જેણે ચીનને ભારતની જમીન હડપ કરવાની મંજૂરી આપી હતી.
રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળ્યું હતું 135 કરોડનું દાન
દરમિયાન બીજેપી નેતા રાજ્યવર્ધન રાઠોડે ચીન મુદ્દે થયેલા હુમલા બાદ રાહુલ ગાંધી પર બોલ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી 135 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. રાહુલ ગાંધી ચીનની એટલી નજીક આવી ગયા છે કે તેઓ જાણે છે કે તેઓ આગળ શું કરવાના છે.
રાષ્ટ્રીય સુરક્ષા ઉપર રાહુલના નિવેદનો બેજવાબદારીભર્યા
વધુમાં રાઠોડે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમની મુલાકાત દરમિયાન દેશમાં ભ્રમ પેદા કરવા અને ભારતીય સૈનિકોને નિરાશ કરવા માટે ભારતીય સુરક્ષા વિશે નિવેદનો આપ્યા હતા. આ તેમના પરદાદા નેહરુનું ભારત નથી, જેમણે સૂતા સમયે ચીનને 37,242 ચોરસ કિલોમીટર ગુમાવ્યું હતું.
ચીન મુદ્દે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું ?
ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવા પર રાહુલ ગાંધીએ જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ચીનના મુદ્દાને નજરઅંદાજ કરી રહી છે અને તવાંગ મુદ્દાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમજ દેશની સરકાર ઉંઘી રહી છે અને ચીને યુદ્ધની તૈયારી કરી લીધી છે તેવો આક્ષેપ કર્યો હતો.