ટ્રેન્ડિંગમીડિયાવર્લ્ડવિશેષ

રાક્ષસ કરતાં ખતરનાક વૃત્તિ વાળો આ પતિ તેની પત્ની ઉપર બીજા લોકો દ્વારા દુષ્કર્મ કરાવતો હતો

પેરિસ, 3 સપ્ટેમ્બર, 2024: સમાજમાં ક્યારેક એવા કિસ્સા બહાર આવે છે જેને કારણે કાંતો પારિવારિક અથવા સામાજિક સંબંધો ઉપરથી વિશ્વાસ ઊઠી જાય, આવા સંબંધો પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર પેદા થાય. પતિ-પત્ની વચ્ચેના પ્રેમ અને વિશ્વાસને મૂળથી આઘાત પહોંચાડતો એક કિસ્સો ફ્રાંસથી પ્રકાશમાં આવ્યો છે, જેને જાણીને તમે પણ વિચારવા પર મજબૂર થઈ જશો કે માનવ સભ્યતા ક્યાં જઈ રહી છે?

ફ્રાંસમાં એક વૃદ્ધ પેન્શનર વિરુદ્ધ તેની પત્નીને ડ્રગ્સના નશામાં અર્ધબેહોશ કરીને અજાણ્યા પુરુષો દ્વારા તેની સાથે દુષ્કર્મ કરાવાનો આરોપ લાગ્યો છે. આવી રાક્ષસી વૃદ્ધિ ધરાવતા વૃદ્ધ પતિ સામે હવે કેસ ચાલી રહ્યો છે. આ ઘટના સામે હવે મહિલાઓ પણ રસ્તા પર આવીને તીવ્ર આક્રોશ વ્યક્ત કરી રહી છે. મુખ્ય આરોપી 71 વર્ષીય વ્યક્તિ છે જે ફ્રાન્સની સરકારી વીજળી કંપની EDFનો ભૂતપૂર્વ કર્મચારી છે.

આ ઘૃણાસ્પદ કેસમાં 72 પુરુષો દ્વારા નશામાં નિઃસહાય બની જતી મહિલા ઉપર કુલ 92 વખત દુષ્કર્મ થયું હતું. પોલીસે 72માંથી 51 દુષ્ટોની ઓળખ કરી લીધી છે. 26 થી 74 વર્ષની વયના પુરુષો ઉપર આ 72 વર્ષની મહિલા પર દુષ્કર્મનો આરોપ છે. મહિલાના વકીલોનું કહેવું છે કે પીડિતાને એવી દવાઓ આપવામાં આવી હતી કે 10 વર્ષ સુધી તેને ખબર પણ ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. ન્યાયાધીશે આ મામલામાં જાહેરાત કરી છે કે તેની તમામ સુનાવણી સાર્વજનિક કરવામાં આવશે, કારણ કે મહિલાએ કહ્યું છે કે દરેકને આ ઘટના વિશે જાણ થવી જોઈએ.

દુષ્કર્મનો ભોગ બનેલી વૃદ્ધ મહિલાના વકીલ બેબોનોએ કહ્યું કે તેમની અસીલ ઇચ્છે છે કે તેની સાથે જે બન્યું તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવે જેથી આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને. અન્ય વકીલ એન્ટોઈન કેમ્યુએ જણાવ્યું હતું કે આ વૃદ્ધ પીડિતાને આવી ઉંમરે જુબાની આપવી પડશે તે પણ “ભયંકર અગ્નિપરીક્ષા” છે.

વકીલે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું હતું કે પીડિતાએ 10 વર્ષ સુધી જે સહન કર્યું હતું તેના વિશે તેને કશું યાદ નથી. હકીકતે તેને 2020 માં પહેલીવાર આ વિશે ખબર પડી. વકીલ એન્ટોઈન કામુએ કહ્યું કે મહિલા તેનાં ત્રણ બાળકો સાથે કોર્ટ પહોંચી છે. રાક્ષસી દુષ્કર્મીઓ ઇચ્છે છે કે સુનાવણી બંધ બારણે થાય, પરંતુ પીડિતા ઇચ્છે છે કે આ ગુનાનો પર્દાફાશ બધાને જોવા મળવો જોઇએ.

આરોપી પતિ કેવી રીતે ઝડપાયો?

આ કેસમાં આરોપી પતિ એક શોપિંગ સેન્ટરમાં ત્રણ મહિલાઓ સાથે અશ્લીલ કૃત્યો કરી રહ્યો હતો ત્યારે ત્યાંના સુરક્ષા ગાર્ડ દ્વારા પકડીને પોલીસને સોંપવામાં આવ્યો ત્યારબાદ સપ્ટેમ્બર 2020 માં આ કેસમાં ડોમિનિક પીની તપાસ શરૂ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ વ્યક્તિના કમ્પ્યૂટરમાં તેની પત્નીના સેંકડો ફોટોગ્રાફ્સ અને વીડિયો મળી આવ્યા હતા, જે તે જ્યારે બેભાન હતી ત્યારે લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તપાસ દરમિયાન પોલીસને આ દંપતીના ઘરમાં લીધેલા બળાત્કારના ડઝનેક ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ હાથ લાગ્યા હતા.

પતિ લોકોને ઓનલાઈન ઈન્વાઈટ કરતો હતો

પોલીસે જણાવ્યું કે, આ વ્યક્તિ એક વેબસાઈટ (જેને હવે પોલીસ દ્વારા બંધ કરવામાં આવી છે) પર લોકો સાથે ચેટ કરતો હતો અને અજાણ્યા લોકોને તેના ઘરે આવવા અને તેની પત્ની સાથે સેક્સ માણવા આમંત્રણ આપતો હતો. ડોમિનિક પી.એ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેણે તેની પત્નીને ડ્રગ્સ આપ્યું હતું. દુષ્કર્મના આ કૃત્યમાં પતિએ પણ ભાગ લીધો હતો. તે સમયે તે વીડિયો બનાવી અપશબ્દો બોલીને અજાણ્યા શખ્સોને ઉશ્કેરતો હતો. આરોપી દુષ્કર્મીઓમાં ફોર્કલિફ્ટ ડ્રાઈવર, ફાયર બ્રિગેડ ઓફિસર, કંપની બોસ અને એક પત્રકારનો સમાવેશ થાય છે. બળાત્કારના આરોપીઓમાં કેટલાક અપરિણીત અને છૂટાછેડા લીધેલા લોકો તેમજ કેટલાક પરિવારના સભ્યો પણ હતા. મોટાભાગના આરોપીઓએ આ કૃત્ય એકવાર કર્યું હતું, જ્યારે કેટલાકે છ વખત આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો.

તપાસ દરમિયાન ઘણા પ્રતિવાદીઓએ કહ્યું કે તેઓ માનતા હતા કે તેઓ દંપતીને તેમની ઇચ્છાઓ પૂરી કરવામાં મદદ કરી રહ્યા છે, પરંતુ ડોમિનિકે તપાસકર્તાઓને કહ્યું કે દરેક જણ જાણે છે કે તેની પત્ની તેની જાણ વગર ડ્રગ્સ પીતી હતી. નિષ્ણાતોના મતે ઘટના સમયે મહિલા ઊંઘતી ન હતી પરંતુ અર્ધ-બેહોશ અવસ્થામાં જતી રહેતી હતી. આરોપી પતિએ પોલીસને જણાવ્યું હતું કે માત્ર ત્રણ જ પુરુષો એવા હતા જે તેના ઘરે પહોંચ્યા પછી તરત જ કંઈપણ કર્યા વિના પાછા ફર્યા હતા, જ્યારે બાકીના બધાએ તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ પણ વાંચોઃ જો મારું ચાલતું હોત તો મસૂદ અઝહરને એ જ સમયે…જાણો નિવૃત્ત પોલીસ અધિકારીની પીડા

Back to top button