રાજસ્થાનનો આ પહાડી કિલ્લો વર્લ્ડ હેરિટેજમાં સામેલ, જરૂર કરો વિઝિટ
- પોતાની ખાસ રચનાને કારણે અજેય બનેલો અને વર્લ્ડ હેરિટેજમાં સામેલ આ કિલ્લો અનેક કારણોસર પ્રખ્યાત છે. દેશના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ પણ કુંભલગઢ કિલ્લામાં થયો હતો
રાજસ્થાન તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે એક અલગ ઓળખ ધરાવે છે. આ રાજ્યમાં ફરવું હંમેશા કંઈકને કંઈક નવો અનુભવ આપે છે. જો તમને ઈતિહાસમાં રસ હોય અને ફરવાનો શોખ હોય તો રાજસ્થાનના કુંભલગઢ કિલ્લાની મુલાકાત અવશ્ય લો. પોતાની ખાસ રચનાને કારણે અજેય બનેલો અને વર્લ્ડ હેરિટેજમાં સામેલ આ કિલ્લો અનેક કારણોસર પ્રખ્યાત છે. દેશના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ પણ કુંભલગઢ કિલ્લામાં થયો હતો. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા આ કિલ્લાને જીતવો ખૂબ જ મુશ્કેલ હતો, તેથી જ તેનું હુલામણું નામ અજેયગઢ પડ્યું હતું.
આ કિલ્લો 3600 ફૂટની ઊંચાઈ પર છે
નાથદ્વારાથી કુંભલગઢનું અંતર લગભગ 50 કિલોમીટર છે અને આજે પણ અહીં પહોંચવા માટે સડક માર્ગે મુશ્કેલ રસ્તો પાર કરવો પડે છે. કિલ્લા પર પહોંચ્યા પછી અંદાજ આવે છે કે આખરે કેટલી મુશ્કેલીઓથી તેનું નિર્માણ થયું હશે. આ કિલ્લો 3600 ફૂટની ઊંચાઈ પર બનેલો છે. આ કિલ્લાની ખૂબીના કારણે દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં દેશી – વિદેશી પર્યટકો આવે છે.
આ પણ વાંચોઃ ઈંદોર નજીક ફરવાની પાંચ બેસ્ટ જગ્યાઓ, મોનસુનમાં વધશે મજા
નિર્માણમાં લાગ્યા હતા 15 વર્ષ
કુંભલગઢ કિલ્લાનું નિર્માણ 15મી સદીમાં રાણા કુંભાએ શરૂ કરાવ્યું હતું. આ કિલ્લાને પૂર્ણ કરવામાં 15 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આના પરથી જ કિલ્લાની વિશાળતાનો ખ્યાલ આવી શકે છે. અરવલીની પહાડીઓની વચ્ચે આવેલો કુંભલગઢ કિલ્લો મેવાડના કિલ્લા તરીકે પણ ઓળખાય છે. કિલ્લાની અંદર સેંકડો હિન્દુ અને જૈન મંદિરો બનાવવામાં આવ્યા છે.
યુનેસ્કો હેરિટેજ સાઈટમાં સામેલ આ કિલ્લો
કુંભલગઢ કિલ્લો જે જગ્યા પર આવેલો છે તેને જોઈને ત્યાં તેને કેવી રીતે બનાવવામાં આવ્યો હશે તે વિચારવા તમે મજબૂર થઈ જશો. આ કિલ્લાની આસપાસ બનેલી દિવાલની લંબાઈ લગભગ 38 કિલોમીટર છે, જે વોલ ઓફ ચાઈના પછી વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ માનવામાં આવે છે. આ દિવાલના કારણે આ કિલ્લાનું નામ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સામેલ થઈ ગયું છે.
આ પણ વાંચોઃ વિદેશ જઈ રહ્યા છો? તો નિયમમાં થયેલો ફેરફાર તમારે ફરજિયાત ધ્યાનમાં રાખવો પડશેઃ જાણો