આ વખતની ચૂંટણી ઈમાનદાર અને બેઈમાનો વચ્ચેની લડાઈ, ભાજપ-કોંગ્રેસ પર અલ્પેશ કથીરિયાએ સાધ્યું નિશાન
સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં આરોપ-પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહેલી આમ આદમી પાર્ટીના વરાછા બેઠક પરના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ પત્રકાર પરિષદ સંબોધીને ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
ભાજપના “આ ગુજરાત મે બનાવ્યું છે” સ્લોગન પર કટાક્ષ કરતાં આપ નેતાએ જણાવ્યું કે, આજે અમુક લોકો વાત કરી રહ્યા છે કે, અમે ગુજરાત બનાવ્યું છે. જો કે આ ગુજરાત સરદાર પટેલે બનાવ્યું છે, મહાત્મા ગાંધીએ બનાવ્યું છે, ભગતસિંહએ બનાવ્યું છે અને લાખો વીર જવાનોએ આહુતિ આપીને આ ગુજરાત બનાવ્યું છે, ભારત બનાવ્યું છે.
ગુજરાત બનાવ્યું નથી, ગુજરાત બગાડ્યું છેઃ કથીરિયા
ગુજરાત બનાવવાની લડાઈમાં જે પક્ષોનું કોઈ યોગદાન નથી તેઓ આજે વાતો કરી રહ્યા છે કે, ગુજરાત તેમણે બનાવ્યું. હકીકતમાં તેમણે ગુજરાત બનાવ્યું નથી, તેમણે ગુજરાત બગાડ્યું છે. આજે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સના વ્યસનીઓ જોવા મળે છે. આજથી 20 વર્ષ પહેલા યુવાનોને ખબર પણ ન હતી કે ડ્રગ્સ શું હોય, જ્યારે આજે ડ્રગ્સ ઘર ઘર સુધી પહોંચી ગયું છે. ગુજરાતની જનતાને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી છે. 2000થી વધુ સરકારી શાળાઓને તાળા મારવામાં આવ્યા છે. 4000 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. હોસ્પિટલમાં ડોક્ટર નથી મળતા, શિક્ષકોની ઘટ છે, 1235 શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. આમ તે લોકોએ ગુજરાત બગાડ્યું છે.
ભાજપ-કોંગ્રેસને વોટ આપી તમારો મત બગાડશો નહીંઃ કથીરિયા
2022ની ચૂંટણી ઈમાનદાર અને બેઇમાનો વચ્ચેની લડાઈ છે. માટે હું ગુજરાતના લોકોને વિનંતી કરવા માગું છું કે ભાજપ અને કોંગ્રેસમાં મત આપીને પોતાનો મત બગાડશો નહીં. ગુજરાતની શિક્ષણ માટે, બાળકોના ભવિષ્ય માટે, સારી પરિસ્થિતિ માટે, સારા વિકાસ માટે, સારા પરિવર્તન માટે, સારા મોડલ માટે, ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત માટે આ પરિવર્તનની મુહિમમાં આમ આદમી પાર્ટીનો સાથ આપો અને ઝાડુને મત આપી અમને આશીર્વાદ આપજો.