ફોટોકૉપીની દુકાનમાંથી ચાલે છે દેશની આ કરોડપતિ પાર્ટી, ચૂંટણી મેદાનમાં ઉતાર્યા ઉમેદવારો
મુંબઈ (મહારાષ્ટ્ર), 06 મે 2024: દેશમાં એક એવી પાર્ટી છે જે સક્રિય ન હોવા છતાં તેની પાસે કરોડો રૂપિયાનું ફંડ છે. આ પક્ષ ચૂંટણી પંચના ચોપડે પણ નોંધાયેલો છે. પાર્ટીનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી (SVPP) છે. જેના ત્રણ ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. બે વર્ષ પહેલા આવકવેરા વિભાગે SVPP સહિત આવી 200 પાર્ટીઓની તપાસ કરી હતી. જેમાં ITએ ઘણાં સ્થળો પર કરચોરી મામલે દરોડા પાડ્યા હતા. ત્યારથી આ પાર્ટી ITના સંકજામાં છે.
હકીકતમાં આ પક્ષો બેન્કિંગ દ્વારા તેમના ગ્રાહકો પાસેથી ડૉનેશન લે છે અને પછી તેમનું કમિશન કાપીને તેમને રોકડ પાછા આપે છે. SVPP અત્યાર સુધી ક્યારેય સક્રિય જોવા મળી નથી પરંતુ તેની પાસે રૂ. 55.5 કરોડનું દાન હોવાનું પણ જાણવા મળ્યું છે. પાર્ટીએ ચૂંટણી પંચને 2022માં તેની આવકની માહિતી આપી હતી. જ્યારે આ પક્ષમાંથી ચૂંટણી લડનારા ત્રણેય ઉમેદવારોએ સોગંદનામામાં આવક શૂન્ય દર્શાવી છે. તેમની પાસે કોઈ વાહન પણ નથી. ત્રણમાંથી બેએ માહિતી આપી છે કે તેમની પાસે ઘર પણ નથી.
SVPP પાર્ટી ફોટોકૉપીની દુકાનમાંથી ચાલે છે
ખાસ વાત એ છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી બોરીવલી પૂર્વમાં ફોટોકૉપીની દુકાનમાંથી ચાલે છે. પાર્ટીએ માહિતી આપી હતી કે તેને 55 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જેમાંથી 10 કરોડ રૂપિયા શિક્ષણ પર અને 5 કરોડ રૂપિયા ભોજન પાછળ ખર્ચવામાં આવ્યા છે. આ સિવાય શિયાળામાં સુતરાઉ કપડાં વિતરણમાં 16 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમજ, ગરીબોને 11 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
ત્રણેય ઉમેદવારો મુંબઈની ત્રણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે
અહેવાલ મુજબ, પાર્ટીના 60 વર્ષના ઉમેદવાર કમલેશ વ્યાસ બોરીવલીની એક સોસાયટીમાં રહે છે. તેમના પત્નીને પણ ખબર ન હતી કે તેઓ ઉત્તર મુંબઈથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના પડોશીઓને પણ આ વાતની જાણ ન હતી. કમલેશ વ્યાસ ઉપરાંત 38 વર્ષીય મહેશ સાવંતે મુંબઈ દક્ષિણ મધ્યથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે 45 વર્ષીય ભવન ચૌધરીએ મુંબઈ નોર્થ ઈસ્ટથી ઉમેદવારી નોંધાવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનું કાર્યાલય બોરીવલીની એક ચાલીમાં આવેલી ફોટોકૉપીની દુકાનમાંથી ચાલે છે. તેના સ્થાપક દશરથ પરીખ છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં તેમની પાર્ટીના ચાર કાઉન્સિલરો છે અને તેઓ તેમના પક્ષનું જનસમર્થન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આઈટી કેસ અંગે કંઈ કહ્યું ન હતું. આઈટી સૂત્રોનું કહેવું છે કે હવાલા બિઝનેસ માટે આવી પાર્ટીઓ બનાવવામાં આવે છે. પાર્ટીના નેતાઓને 0.01 ટકા કમિશન મળે છે.
આ પણ વાંચો: ચોથા તબક્કાના 360 ઉમેદવારો પર ફોજદારી કેસ, ઘણા પર દુષ્કર્મના કેસ!