દેશનો આ સૌથી મોટો IPO તોડશે LICનો રેકોર્ડ! 25,000 કરોડ કરશે ભેગા

- લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વર્ષ 2022માં 2.7 બિલિયન ડોલર મેળવવા માટે IPO લોન્ચ કર્યો હતો
નવી દિલ્હી, 15 જૂન: IPO માર્કેટમાં તમામ જૂના રેકોર્ડ તૂટી જવાના છે. ખરેખર, Hyundai Motors India દેશનો સૌથી મોટો IPO લોન્ચ કરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર, હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા લિમિટેડે આજે શનિવારે 25,000 કરોડ રૂપિયા (લગભગ $3 બિલિયન)ના આઈપીઓ માટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)ને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સબમિટ કર્યો છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અગાઉ આ રેકોર્ડ LICના નામે હતો. જેમાં LICએ વર્ષ 2022માં $2.7 બિલિયન ભેગા કરવા માટે IPO લોન્ચ કર્યો હતો. જો હ્યુન્ડાઈ મોટર્સના IPOને સેબી તરફથી મંજૂરી મળે છે તો રેકોર્ડ તૂટી જશે.
હ્યુન્ડાઈનો IPO ભારતીય ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. 2003માં મારુતિ સુઝુકી(Maruti Suzuki)ના લિસ્ટિંગ બાદ હવે હ્યુન્ડાઈએ પ્રારંભિક શેરના વેચાણની ઓફર કરનારી પ્રથમ ઓટોમેકર બનશે. આ અઠવાડિયે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ઓલા ઇલેક્ટ્રીક(Ola Electric)ને મૂડી બજાર(શેરબજાર) નિયમનકાર સેબી તરફથી IPO લાવવાની મંજૂરી મળી છે. HMILએ ભારતમાં 1996માં પોતાની કામગીરી શરૂ કરી હતી અને હાલમાં વિવિધ સેગમેન્ટમાં 13 મોડલ વેચે છે.
પ્રમોટરો દ્વારા શેર વેચવામાં આવશે
DRHPમાં આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ IPO હેઠળ કંપની ઑફર ફોર સેલ (OFS) હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 14,21,94,700 શેર વેચશે. આ OFSમાં, કંપનીના પ્રમોટરો દ્વારા શેર વેચવામાં આવશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, “IPO દ્વારા ફર્મ, ઇક્વિટી શેરોનું એક્સચેન્જ પર લિસ્ટ કરાવીને લિસ્ટિંગનો લાભ મેળવવા માંગે છે. અમે આશા રાખીએ છીએ કે ઇક્વિટી શેરના લિસ્ટિંગથી વિઝિબિલિટી અને બ્રાન્ડ ઇમેજ વધશે.”
કોની-કોની ઇન્વેસ્ટમેન્ટ બેંક તરીકે નિયુક્તિ?
જો હ્યુન્ડાઈ મોટર્સના IPOને સેબી તરફથી મંજૂરી મળે છે, તો તે અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. હાલમાં, 2022માં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) દ્વારા લોન્ચ કરવામાં આવેલો $2.7 બિલિયન આઈપીઓ અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. હ્યુન્ડાઇ મોટર્સ વતી, કોટક મહિન્દ્રા, સિટીબેંક, મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન અને HSBCને શેરબજારમાં પ્રવેશ માટે વૈશ્વિક રોકાણ બેંક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મારુતિ પછી દેશની બીજી સૌથી મોટી ઓટો કંપની
હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા(Hyundai Motors India)ના વેચાણમાં મે મહિનામાં વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 63,551 એકમોનો રહ્યો હતો. મારુતિ સુઝુકી પછી પેસેન્જર વાહનોના વેચાણની દ્રષ્ટિએ હ્યુન્ડાઈ મોટર્સ દેશની બીજી સૌથી મોટી કંપની છે. કંપનીએ ભારતમાં તેનો પહેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 1998માં સ્થાપ્યો હતો, જ્યારે બીજો 2008માં શરૂ થયો હતો. ગયા વર્ષે હ્યુન્ડાઈ મોટર્સ ગ્રુપે ભારતમાં લગભગ $3.75 બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી.
આ પણ જુઓ: શાકભાજીના ભાવો ઉપર પણ હવે સરકાર દેખરેખ-નિયંત્રણ રાખશે