ગુજરાતના આ શહેરમાં બેવડી ઋતુનો માર, રાત્રે ઠંડી અને બપોરે ગરમી
- તાપમાનનો પારો 36 ડિગ્રીથી ઉપર પહોંચી જતાં પરસેવો પાડતી ગરમી રહી
- તાપમાનમાં વધ-ઘટનો યથાવત રહેતા લોકોના આરોગ્ય ઉપર તેની વિપરીત અસર
- વાતાવરણમાં ગરમી અને ઠંડીનો અહેસાસ થતા શરદી, ખાંસી વધી
ગુજરાતના ભાવનગર શહેરમાં બેવડી ઋતુનો માર જોવા મળ્યો છે. જેમાં શહેરમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમી જોવા મળી રહી છે. શહેરમાં બેવડી ઋતુ યથાવત રહી છે. રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. તો દિવસે તાપમાનનો પારો 36 ડિગ્રીથી ઉપર પહોંચી જતાં પરસેવો પાડતી ગરમી રહી હતી. જેના કારણે લોકોએ અકળામણનો અનુભવ કર્યો હતો.
તાપમાનમાં વધ-ઘટનો યથાવત રહેતા લોકોના આરોગ્ય ઉપર તેની વિપરીત અસર
છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધ-ઘટનો યથાવત રહેતા લોકોના આરોગ્ય ઉપર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. શહેરમાં રાત્રિના સમયે ઠંડીનો ચમકારો રહેતા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ૦.6 ડિગ્રી નીચે ગગડીને 24 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો તેનાથી ઉલટ દિવાળીના દિવસે સૂર્યનારાયણ જાણે આકરા મિજાજમાં હોય તેમ ઉનાળાના આરંભ જેવી ગરમી રહી હતી. ખાસ કરીને બપોરના સમયે ગરમીનું જોર વધું રહેવાના કારણે મહત્તમ તાપમાનનો પારો 1.2 ડિગ્રી ઉંચકાઈને 36.1 ડિગ્રીએ પહોંચી ગયો હતો. સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા રહેતા શહેરીજનોએ બફારાનો પણ અનુભવ કર્યો હતો. પવનની ઝડપ 08 કિ.મી. પ્રતિકલાકની રહી હતી.
વાતાવરણમાં ગરમી અને ઠંડીનો અહેસાસ થતા શરદી, ખાંસી વધી
દિવાળીના તહેવારમાં ગરમી વધતા બપોરના સમયે બજારમાં અંતિમ ઘડીની ખરીદી કરવા આવતા લોકો રીતસરના પરસેવે નિતરતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં ગરમી અને ઠંડીનો અહેસાસ થતા શરદી, ખાંસી પણ લોકો જોવા મળી રહી છે. બન્ને ઋતુ એક દિવસમાં અનુભવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેથી સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.