ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આંદામાન-નિકોબારમાં પ્રથમ વખત આ જાતિએ કર્યો મતાધિકારનો ઉપયોગ, કટ આઉટ પર સેલ્ફી લીધી

Text To Speech

પોર્ટ બ્લેયર (આંદામાન નિકાબોર), 19 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે આજે દેશભરમાં મતદાન થયું. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. તેમજ ઈતિહાસમાં પહેલીવાર કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન-નિકોબાર ટાપુઓમાં શોમ્પેન જાતિના 7 લોકોએ એકમાત્ર લોકસભા બેઠક માટે પોતાનો બહુમૂલ્ય મત આપ્યો હતો.

આ આદિજાતિ ગ્રેટર નિકોબાર ટાપુઓનું ‘ખાસ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથ’ (PVTG) છે. શોમ્પેન જનજાતિના લોકોએ માત્ર ફોરેસ્ટ સ્ટાફ ક્વાર્ટર્સની અંદર સ્થિત ‘શોમ્પેન હટ’ નામના પોલિંગ બૂથ 411 પર તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો, સાથેસાથ ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાવેલા ‘કટ-આઉટ’ પર સેલ્ફી પણ લીધી હતી.

ચૂંટણી અધિકારીએ ખુશી વ્યક્ત કરી

આ અંગે માહિતી આપતા ચૂંટણી અધિકારી બી એસ જગલાને જણાવ્યું હતું કે, પ્રથમ વખત શોમ્પેન જનજાતિના કુલ 7 લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પહેલા અમે તેમને EVM અને VVPAT વિશે તાલીમ આપી હતી. એ જોઈને ખૂબ સારું લાગ્યું કે, આ સમુદાયના લોકો જંગલમાંથી બહાર આવીને પ્રથમ વખત મતદાનમાં ભાગ લીધો.અધિકારીએ વધુમાં કહ્યું કે, આદિવાસી જાતિઓ જેમ કે ઓંગે અને ગ્રેટ અંદામાનીએ પણ 2019ની લોકસભા ચૂંટણીની જેમ મતદાન કર્યું હતું પરંતુ શોમ્પેન જાતિના કુલ 98 મતદારોમાંથી 7 લોકોએ પ્રથમ વખત પોતાનો મત આપ્યો છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ, શોમ્પેન જાતિની કુલ વસ્તી 229 હતી. નોંધનીય છે કે, એક અનુવાદકે વોટિંગ બૂથ પર શોમ્પેન જનજાતિના લોકોને ભાષા સંબંધિત મદદ પૂરી પાડી હતી.

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

ઉલ્લેખનીય છે કે, આંદામાન અને નિકોબારમાં કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ કાંટાની ટક્કર બે પક્ષના ઉમેદવારો એટલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ રાય શર્મા અને ભાજપના ઉમેદવાર વિષ્ણુ પદ આ બેઠક પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

આ પણ વાંચો: નાગાલેન્ડના 6 જિલ્લામાં 0% મતદાન! પોલિંગ બૂથ ખાલીખમ હાલતમાં જોવા મળ્યા, જાણો કેમ?

Back to top button