સુરતના વેસુ વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે ચાલતુ કોલ સેન્ટર ઝડપાયું
સમગ્ર વિશ્વમાં અનેક ફેક કોલ સેન્ટરો ધમધમી રહ્યા છે. કોલ કરી અવનવી સ્કીમની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવવાના અનેક કિસ્સાઓ રોજબરોજ સામે આવતા હોય છે ત્યારે ગુજરાતના સુરતમાંથી આજે ગેરકાયદેસર રીતે ચાલતુ એક કોલ સેન્ટર ઝડપાયુ છે જે છેલ્લા ઘણા સમયથી લોકો સાથે છેતરપિંડી કરી લોકો પાસેથી પૈસા પડાવી રહ્યુ હતુ. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આ કોલ સેન્ટર દ્વારા લોકોને ફેમિલી હોલિડે માટે મેમ્બરશિપ આપવાની લોભામણી લાલચ આપવામા આવતી હતી. અને લાલચ આપીને પૈસા પડાવી લેવામાં આવતા હોવાની ક્રાઈમ બ્રાન્ચને જાણ થઈ હતી. જે બાતમીના આધારે ક્રાઈમ સેલે તે જગ્યા પર છાપો મારી ચાર આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કઈ રીતે છેતરપિંડી આચરવામાં આવતી :
ધ હિમાલયન હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી કંપની ફેક કોલ સેન્ટર ચલાવતી હતી. ફેમિલી હોલિડેના નામે મેમ્બરશિપ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ કંપનીએ હજારો લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનુ પોલિસ તપાસમાં બહાર આવ્યુ છે. લોકોને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરવાનુ કામ આ ટોડકી કરતી હતી. ફાઈવ સ્ટાર હોટલમાં 70 દિવસના રાત્રી રોકાણ સાથે રહેવા, જમવાની વ્યવસ્થા અને પિકઅપ તેમજ ડ્રોપની લોભામણી લાલચ આપી લોકોને છેતરી રહી હતી.
ટોડકી લોકોને સ્કીમની લાલચ આપી મોબાઈલ OTP લઈ છેતરપિંડી આચરતા હતા. અને તે OTPના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી પૈસાની ઉચાપત કરવામાં આવતી હતી. ત્યારે એક વ્યક્તિ સાથે બનેલા બનાવ બાદ ફરિયાદીએ કંપનીના ડાયરેક્ટર પાર્થ રાઠોડને પૈસા રિફંડ કરવા કહ્યું છતાં રિફંડ ન કરવામાં આવ્યા અને જે બાદ ફરિયાદીએ કંપની વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી.
છેતરપિંડીના આરોપીઓ :
આ છેતરપિંડી કેસમાં આરોપી સંકેત પ્રજાપતી, જીતેન્દ્ર રાઠોડ અને વિમલ પ્રજાપતિ સામેલ છે તેમજ સાયબર સેલ દ્વારા તપાસ કરતા લાખો રુપિયાનો મુદ્દામાલ કબજે પણ કરાયો છે. ત્રણ કોમ્પ્યુટર, પાંચ POS મશીન, એક લેપટોપ, બાર મોબાઈલ અને આઠ ચેકબુક IPAYSLIP સહિતની વસ્તુ પોલીસે કબજે કરી છે.
આ પણ વાંચો: સુરતના વકીલ ઉપર હુમલો કરનાર સસ્પેન્ડેડ જવાનને મળ્યા શરતી જામીન