અમદાવાદનો આ બ્રિજ દોઢ વર્ષ માટે બંધ રહેશે, જાણો ક્યો વૈકલ્પિક રૂટ રહેશે
- બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ
- શહેરનો બ્રિજ 2 જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે બંધ રહેશે
- વૈકલ્પિક રૂટ માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે
અમદાવાદનો સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે બંધ રહેશે. જેમાં વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષથી એટલે કે 2 જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવો હોય દોઢ વર્ષ માટે એટલે કે 30 જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે
ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇને વાણિજ્ય ભવન થઇને અનુપમ/અંબિકા બ્રિજ થઇને એપરલ પાર્ક થઇને અનુપમ સિનેમા થઈને જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે. તેમજ ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલવે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
કાલુપુર બ્રિજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે
રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે. રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે
રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.
આ પણ વાંચો: ગુજરાત: ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમા શરૂ