અમદાવાદનો આ બ્રિજ એક સાઇડથી ફરી કરાયો બંધ, લોકોને હાલાકી થઇ
- 31 ડિસેમ્બર સુધી એક તરફનો શાસ્ત્રી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ
- તંત્ર દ્વારા ફરીથી શાસ્ત્રી બ્રિજની અન્ય સાઇડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું
- સરખેજ-સાણંદ ક્રોસ રોડથી ઈસ્કોન વચ્ચે અવર-જવર કરનારા લોકોને ભારે હાલાકી
અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાં, ગટર સહિતના નાના-મોટા કામ સતત ચાલ્યા કરતા હોય છે, ત્યારે છેલ્લા 15 મહિનાથી વિશાલાથી નારોલ વચ્ચે આવેલો શાસ્ત્રી બ્રિજ સમારકામને કારણે બંધ કરાયો હતો. એક મહિના પહેલાં આ બ્રિજની એક બાજુની સાઇડ ખોલવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રાહત થઈ હતી.
31 ડિસેમ્બર સુધી એક તરફનો શાસ્ત્રી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ
તંત્ર દ્વારા ફરીથી શાસ્ત્રી બ્રિજની અન્ય સાઇડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે 31 ડિસેમ્બર સુધી એક તરફનો શાસ્ત્રી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જેથી લોકોને હાલાકી ભોગવવી પડશે. આ બ્રિજ પરથી રોજ પરિવહન કરતાં લોકોનું કહેવું છે કે, ‘શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી ટ્રાફિકજામની સમસ્યા રહે છે. જેથી વહેલીતકે બ્રિજનું સમારકામ પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.
સરખેજ-સાણંદ ક્રોસ રોડથી ઈસ્કોન વચ્ચે અવર-જવર કરનારા લોકોને ભારે હાલાકી
તેમજ અમદાવાદમાં હાલ સરખેજ-સાણંદ ક્રોસ રોડથી ઈસ્કોન વચ્ચે અવર-જવર કરનારા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સરખેજ ગાંધીનગર રોડ પર YMCA ક્લબ પાસે બની રહેલા ઓવરબ્રિજના કારણે એસજી હાઇવે પર ભારે ટ્રાફિકજામ થાય છે. એમાં પણ પીક અવર્સમાં તો આ રોડના ટ્રાફિકની હાલત દિલ્હીના ટ્રાફિક જેવી થઈ જાય છે. હાઇવે રોડ પર ઠેર ઠેર ટ્રાફિક ડાયવર્ઝનના પાટિયા તો લગાવવામાં આવ્યા છે, પરંતુ એસજી હાઇવેને સમાંતર સર્વિસ રોડ પર જ્યાં ડાયવર્ઝન અપાયું છે ત્યાં પણ ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી સૂર્યઘર સોલર સ્કીમમાં ગુજરાત તમામ રાજ્યોમાં નંબર વન