દેશના સૌથી ધનાઢ્ય રાજકારણીઓમાંના એક એન નાગરાજુએ 10 મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે તેમની કુલ સંપત્તિ 1,609 કરોડ રૂપિયા જાહેર કરી છે. તેમણે સોમવારે બેંગલુરુમાં હોસ્કોટે વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું છે. તેમના ચૂંટણી એફિડેવિટમાં એન નાગરાજુએ તેમના વ્યવસાયનો કૃષિ અને વેપારી તરીકે ઉલ્લેખ કર્યો છે. તેમની પત્ની એમ શાંતાકુમારી ગૃહિણી છે. એન નાગરાજુની કુલ જંગમ સંપત્તિ 536 કરોડ રૂપિયા છે. તેમની પાસે 1,073 કરોડ રૂપિયાની સ્થિર સંપત્તિ છે. 2020ની વિધાન પરિષદની ચૂંટણી લડતી વખતે, તેમણે તેમની પત્ની સાથે મળીને તેમની સંપત્તિ 1220 કરોડ રૂપિયા જાહેર કરી હતી. વિધાનસભા ચૂંટણી માટેના સોગંદનામામાં નાગરાજુએ તેમની કુલ જવાબદારીઓ રૂ. 98.36 કરોડ જાહેર કરી છે. 72 વર્ષીય નાગરાજુએ માત્ર ધોરણ 9 સુધી જ અભ્યાસ કર્યો છે. તેમની આવકના સ્ત્રોત ખેતી, મકાન મિલકત, વ્યવસાય અને અન્ય છે.
આ પણ વાંચો : COVID-19 : દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,633 કેસ, સક્રિય કેસ 61,000ને પાર
નાગરાજુ 2018ની વિધાનસભા ચૂંટણીમાં હોસ્કોટથી જીત્યા હતા. તેઓ એવા 17 નેતાઓમાંના એક હતા જેમની કોંગ્રેસ-JDS ગઠબંધન સરકાર પક્ષ બદલવાને કારણે માત્ર એક વર્ષમાં પડી ગઈ હતી. બાદમાં પેટાચૂંટણી દરમિયાન તેઓ અપક્ષ ઉમેદવાર શરથ બચેગૌડા સામે હારી ગયા હતા. તમને જણાવી દઈએ કે બચેગૌડા હવે કોંગ્રેસ સાથે છે. નાગરાજુ આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પણ બચેગૌડાનો સામનો કરવાના છે.