

શું 2024ની લોકસભાની ચુંટણીઓમાં સૌથી મોટો મુદ્દો ઓલ્ડ પેન્શન સ્કીમનો બનશે? હાલમાં દેશમાં જે ચુંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં આવું જ કંઇક લાગી રહ્યુ છે. રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોમાં કોંગ્રેસની સરકારે જુની પેન્શન સ્કીમને મંજુરી આપી દીધી છે.
આ ઉપરાંત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચુંટણીઓના પ્રચારમાં જાહેરાત કરાઇ હતી કે તેમની સરકાર બનશે તો તેઓ જુની પેન્શન સ્કીમ લાવશે. પંજાબમાં ભગવંત માન પહેલા જ તેની પર નિર્ણય લઇ ચુક્યા છે. એટલું જ નહીં કોંગ્રેસે હિમાચલ પ્રદેશની ચુંટણીઓમાં જોર-શોરથી આ મુદ્દો બનાવ્યો હતો.
હિમાચલમાં તો ભાજપ પર દબાણ હતુ કે તે ઓલ્ડ પેન્શન સ્કીમ પર વાત કરે. ભાજપાએ મહિલાઓ માટે આરક્ષણનો મુદ્દો છંછેડ્યો હતો. હિમાચલમાં એક મોટા વર્ગે ઓલ્ડ પેન્શન સ્કીમના મુદ્દા પર જ મતદાન આપ્યુ છે. તેથી હિમાચલમાં તો ભાજપ અને કોંગ્રેસના 50-50 ટકા ચાન્સ માનવામાં આવે છે.
એ વાત સ્પષ્ટ છે કે હિમાચલમાં જો કોંગ્રેસને મજબુતાઇ મળે છે તો ઓલ્ડ પેન્શન સ્કીમનો મુદ્દો અન્ય રાજ્યોમાં અને ધીમે ધીમે 2024માં પણ ગુંજી શકે છે. એટલું જ નહીં ભાજપ પર કંઇક જાહેરાત કરવાનું દબાણ પણ બની શકે છે. અત્યાર સુધી ભાજપ આ મુદ્દે કંઇ પણ કહેવાથી બચે છે.