માથાના દુ:ખાવાથી છૂટકારો અપાવશે આયુર્વેદાચાર્યની આ આયુર્વેદિક ચા
જો તમને માથુ દુ:ખવાની સમસ્યા બહુ રહેતી હોય તો, તમારે આ આયુર્વેદિક ચા ચોક્કસથી ટ્રાય કરવી જોઈએ. જેનાથી માથાના દુ:ખાવામાં તો રાહત મળશે જ, સાથે-સાથે બીજા પણ ઘણા ફાયદા મળશે. રોજના ભાગદોડભર્યા જીવનમાં આપણને સૌને ઘણીવાર માથુ દુ:ખવાની સમસ્યા સતાવતી હોય છે. જોકે માથુ દુ:ખવાના પ્રકાર અને કારણો દરેક વ્યક્તિને અલગ-અલગ હોઈ શકે છે. કેટલાક લોકોને હાઈ બ્લડ પ્રેશર જેવાં તબીબી કારણોથી માથુ દુ:ખતું હોય છે તો કેટલાક લોકોને હેંગઓવર, અનિંદ્રા, તણાવ, નિયમિત પોતાના સમયે ચા ન મળવી, તાવ, માઈગ્રેન, ઊંઘ પૂરી ન થવી જેવાં કારણોથી માથુ દુ:ખી શકે છે.
સામાન્ય રીતે આપણે સૌ માથુ દુખતું હોય ત્યારે ચા કે કોફીનું સેવન કરતા હોઈએ છીએ. તો કેટલાક લોકોને આ દુખાવો ગંભીર હોય ત્યારે પેઈન કિલર લેતા હોય છે. જેના સેવનથી સ્વાસ્થ્યને બહુ નુકસાન થઈ શકે છે. જોકે તમે આ દવાઓ વગર પણ સરળતાથી માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો અને તે પણ ઘરે રહીને જ. હવે સવાલ એ થાય છે કે, માથાના દુખાવાથી કુદરતી રીતે છૂટકારો કેવી રીતે મેળવવો? આયુર્વેદિક ડોક્ટર દીક્ષા ભાવસારે તેમની એક ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં માથાના દુખાવાથી છૂટકારો મેળવવા માટે એક આયુર્વેદિક ચાની રેસિપી શેર કરી છે. જે માથાના દુખાવામાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ચા બનાવવાની સરળ રીત અને તેના ફાયદા વિશે જાણી લો.
સામગ્રી: 1 ગ્લાસ પાણી (300 મિલી), નાની અડધી ચમચી અજમો, 1 મોટી ઈલાયચી વાટેલી, 1 એક મોટી ચમચી ધાણાનાં બીજ, 5 ફુદીનાનાં પાન.
આયુર્વેદિક ચા બનાવવાની રીત : આ બધી જ વસ્તુઓને એક ટી પેનમાં લો અને મધ્યમ આંચે 3 મિનિટ સુધી ઉકાળીને કપમાં ગાળી લો. તૈયાર છે માથાના દુખાવામાં રાહત આપતી ચા. તેમાં મધ મિક્સ કરીને તમે સેવન કરી શકો છો.
માથાના દુખાવામાં રાહત માટે આયુર્વેદિક ચાના ફાયદા : અજમો સોજો, અપચો, ખાંસી, શરદી, ડાયાબિટીસ, અસ્થમા અને વજન ઘટાડવામાં મદદ કરે છે., ધાણાનાં બીજ પાચન સુધારવાની સાથે માઈગ્રેનનો માથાનો દુખાવો, હોર્મોનલ અસંતુલન અને થાઈરોઈડમાં ફાયદાકારક ગણાય છે., ફુદીનો ક્રેવિંગ્સ, મૂડ સ્વિંગ્સ, અનિંદ્રા, એસિડિટી, માઈગ્રેન, કોલેસ્ટ્રોલ અને બીજી ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે., ઈલાયચી મોશન સિકનેસ, ઉબકા, માઈગ્રેન, હાઈ બ્લડ પ્રેશર અને વાળ તેમજ ત્વચા સંબંધીમાં પણ બહુ ફાયદાકારક ગણાય છે, કારણકે તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઑક્સિડેન્ટ્સ હોય છે.
એક્સપર્ટની સલાહ : અનુભવી ડોકટરના જણાવ્યા અનુસાર, સવારે ઊઠીને સૌથી પહેલાં આ ચાનું સેવન કરવાથી માથાના દુખાવાને દૂર રાખવામાં અને તેનાથી બચવામાં મદદ મળે છે. જો તમે માઈગ્રેન હોર્મોનલ અસંતુલન, હેંગઓવર, અનિયંત્રિત બ્લડ શુગર, ઈંસુલિન રેઝિસ્ટેન્સ, સોજો, ખાવાની વધારે પડતી ક્રેવિંગ જેવી સમસ્યાથી પીડાતા હોવ તો, આ આયુર્વેદિક ચાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.