જામનગરમાં સવા તેર ઇંચ આફતનો વરસાદ, 3 મોત, 35 લોકોનું રેસ્ક્યુ અને 61નું સ્થળાંતર
- ગુરુવારે મોડીરાતથી શરૂ થયો હતો વરસાદ
- સવારે 8 થી 10 વચ્ચે જ 5 ઈંચ ખાબક્યો
- હજુ કાલે સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ
જામનગર શહેર સહિત જીલ્લામાં આજે શુક્રવારે અતિ ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા 18 કલાકમાં જામનગર શહેરમાં સાડા બાર ઇંચ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ત્રણ વ્યક્તિઓના મોત થયા જયારે 35 લોકોને બચાવી લેવાયા અને 50થી વધુ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. આવતી કાલે શનિવારે પણ જામનગર જીલ્લો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
જામનગરમાં મેઘરાજાની મહેર કહેરમાં પ્રવર્તિત થઇ છે. પ્રથમ જીલ્લાભરમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો ગઈ કાલે મોડી રાતથી જામનગર શહેર સહિત જીલ્લામાં મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે છળી પોકારી હતી જે છળી દિવસભર અવિરત રહેતા શહેર સહિત જીલ્લામાં પાણી પાણી થઇ ગયું હતું. જામનગર શહેરમાં રાતે બે વાગ્યાથી શરુ થયેલ દિવસભર અનરાધાર વરસ્યો હતો. જે રાત્રીના આઠ વાગ્યા સુધીમાં સાડા બાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને શહેરના પૂર્વ ભાગમાં પાણી પાણી થઇ ગયું હતું. પૂર્વ ભાગના પાંચ વોર્ડના નીચાણવાળા વિસ્તારમાં કેડ સમાણા પાણી ભરાઈ ગયા હતા. બપોરે દસથી બાર વાગ્યા સુધીમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વર્ષી જતા સમગ્ર શહેર પાણી પાણી થઇ ગયું હતું.
ક્યાંથી કેટલાને બચાવાયા ?
શહેરના બેડી ગેઇટ, જયશ્રી ટોકીઝ, કાલાવડ નાકા બહાર, ગુલાબનગર, રામેશ્વર, નવાગામ ઘેડ, પુનીતનગર, મોમાઈનગર અને બેડી સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જયારે આજ વિસ્તારોમાંથી અનેક લોકો પાણીમાં ફસાઈ જતા ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં હેડ કવાટર મારુતિનગરમાંથી 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જયારે 12 લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા, આવી જ હાલત બેડેશ્વરમાં એસએસબી ગેઇટ સામેના વીસ્તારમાં થઇ હતી જ્યાં ભરાયેલ પાણીમાંથી 5 લોકોને બચાવી લેવાયા જયારે અન્ય લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. જામનગર નજીકના મોખાણા ગામેથી પણ બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
13 વર્ષના બાળક સહિત 3ના મોત
જયારે વરસાદે ત્રણ લોકોનો ભોગ લીધો છે. જેમાં ગુલાબનગર વિસ્તારમાં રિલાયન્સ પંપ પાછળ વોકળામાં ભરાયેલ પાણીમાં ડૂબી જતા યસ વિજયભાઈ પરમાર નામના 13 વર્ષીય બાળકનું મોત થયું હતું જયારે રણજીતસાગર ડેમ સાઈટ પર અસીફ બચુંભાઈ અને તેના પુત્ર નવાઝના પણ ડૂબી જતા પિતા પુત્રના એક સાથે મૃત્યુ નીપજ્યા હતા. બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થવાના બનાવ બન્યા હતા, જયારે સત્યનારાયણ મદિર પાછળ, તળાવની પાળમાં ચાર અને છ નંબરના ગેટ સામે આવેલ દીવાલ ધરાસાઈ થઇ સીધી તળાવમાં પડી ગઈ હતી. આ ઉપરાંત માંડવી ટાવર અને અન્ય બે સ્થળોએ દીવાલ પડી જવાની ઘટના સામે આવી હતી.