રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે, જાણો ટિકિટના કેટલા ચૂકવવા પડશે
રાજકોટ, 6 ફેબ્રુઆરી 2024, શહેરના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્ષ 2024ની શરૂઆત થતાંની સાથે જ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી છે અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. જે પૈકી ત્રીજી ટેસ્ટ મેચ 15થી 19 ફેબ્રુઆરી 2024 દરમિયાન રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. રાજકોટમાં રમાનારી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે.
ટિકિટનો આટલો ચાર્જ ચૂકવવો પડશે
ક્રિકેટ રસિકોએ ખંઢેરી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ માટે ઈસ્ટ ગેટના લેવલ 1, 2 અને 3 માટે સિઝન ટિકિટના રૂ.500 અને એક દિવસના રૂ.120 ચૂકવવાના રહેશે. જ્યારે સૌથી મોંઘી ટિકિટમાં સાઉથ પેવેલિયન બ્લોક-2ના રાખવામાં આવ્યા છે. જેમાં તમામ સુવિધાઓ સાથે મેચ જોવા માટે પ્રેક્ષકોએ સિઝન ટિકિટના રૂ.25,000 ચૂકવવા પડશે. આ ઉપરાંત લેવલ 1માં બ્લોક 1-2 માટે રૂ.5000 અને એક દિવસના રૂ.1200, લેવલ-3માં 2000 અને એક દિવસના રૂ.450, હોસ્પિટાલિટી સાથે 15 સીટના કોર્પોરેટર બોક્સ માટે સીટ દીઠ રૂ.10,000, જ્યારે વેસ્ટ ગેટમાં લેવલ 1, 2 અને 3ના ક્રમશ: 1000, 1200, 1200 તો એક દિવસના ક્રમશઃ 250, 300 અને 300 ભાવ રાખવામાં આવ્યો છે. આ જ સ્ટેન્ડમાં કોર્પોરેટ પ્રીમિયમમાં 15 સીટના બોક્સ માટે એક સીટના રૂ.10,000 લેખે ચૂકવવાના રહેશે.
સ્ટેડિયમની ડિઝાઇન અને બેઠક વ્યવસ્થા અદભુત
6 વર્ષ બાદ ફરીથી રાજકોટમાં ટેસ્ટ મેચ યોજાતા રાજકોટના રિયલ ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.11 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે અને કાલાવડ રોડ પર આવેલ હોટલ સયાજીમાં રોકાશે. જ્યારે બીજા દિવસે 12મી ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડની ટીમ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુન હોટલમાં રોકાશે.રાજકોટથી જામનગર રોડ પર ખંઢેરીમાં કુલ 75 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશનની માલિકીનું આ સ્ટેડિયમ 5.50 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. ઇન્ટરનેશન સ્ટાન્ડર્ડ મુજબ બનેલા આ સ્ટેડિયમની ડિઝાઇન અને બેઠક વ્યવસ્થા અદભુત છે.
આ પણ વાંચોઃIND vs ENG: આજે લેવાશે નિર્ણય, કોહલી-શમી અને જાડેજા-રાહુલ પર નજર