સોરઠ પંથકમાં દીપડાના હુમલાની સપ્તાહમાં ત્રીજી ઘટના : જૂનાગઢમાં બાળકને ફાડી ખાતા ઈજા
- દોલતપરામાં સમી સાંજે ત્રણ વર્ષના બાળક ઉપર હુમલો
- માતા અને પિતાએ પુત્રને બચાવવા બાથ ભીડી હતી
- ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો
સોરઠ પંથકમાં દીપડાથી હુમલાની અઠવાડિયામાં ત્રીજી ઘટના સામે આવી છે. જેમાં જુનાગઢના દોલતપરા વિસ્તારમાં સોમવારે સાંજે 7 વાગ્યાના સુમારે ઘરની બહાર ફળીયામાં રમતા 3 વર્ષના બાળકને દીપડાએ તરાપ મારી પોતાના મોઢામાં દબોચી લેતા દેકારો મચી ગયો હતો. પોતાના વ્હાલસોયાને બચાવવા માતા-પિતાએ જાનની પરવા કર્યા વિના દિપડા સાથે બાથ ભીડી હતી અને દીપડાના મોઢામાંથી બાળકને ખેંચી લીધો હતો. જેથી ઈજાગ્રસ્ત બાળકને જુનાગઢથી રાજકોટ ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યો છે.
મકાનની 5 ફૂટની દીવાલ ટપી ફળીયામાં આવ્યો દીપડો
મળતી માહિતી મુજબ, દોલતપરાના કીરીટનગરમાં રહેતા સાહિદભાઈ ઉમરભાઈ સીડાનો પુત્ર આશીર (ઉ.વ.3) ગઈકાલે સોમવારે સાંજના 7 વાગ્યાના સુમારે ઘરની બહાર ફળીયામાં રમતો હતો ત્યારે અચાનક દિપડો જંગલ વિસ્તારમાંથી ચડી આવી 5 ફૂટની વંડી ટપી અંદર ફળીયામાં આવી આસીરને મોઢામાં લઈ 5 ફૂટની વંડી ટપવા જતો હતો ત્યારે માતા-પિતાનું ધ્યાન પડી જતા સાહીદભાઈ અને તેમના પત્નિએ આસીરના પગ ખેંચીને દીપડાના મોઢામાંથી છોડાવી લીધો હતો અને દીપડો જંગલ તરફ ભાગી છુટયો હતો.
બાળકને રાજકોટ રીફર કરવામાં આવ્યો
દિપડાના મોઢામાં બાળકના માથાના પાછળનો ભાગ આવ્યો મોઢામાં લઈ લેતા વાળ સાથે માથાના પાછળના ભાગની ચામડી ઉતારી લીધી હતી. તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા જ્યાં પ્રાથમિક સારવાર આપી માથાની સર્જરી કરવા માટે તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો. બાળકના પિતા સાહિદભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રહીશોના જણાવ્યા મુજબ છાસવારે દિપડા અહીં ચડી આવે છે. અનેક વખત વન વિભાગને ફેન્સીંગ કરવાની રજૂઆતો કરવા છતા કોઈ પરિણામ આવતું નથી આ વિસ્તાર જંગલની અડોઅડ હોય હીંસક પ્રાણીઓની ઘટના ઘટતી રહે છે.
હુમલાની સાત દિવસમાં ત્રીજી ઘટના
ઉલ્લેખનીય છે કે, ગીરનારની લીલી પરિક્રમામાં પાયલ નામની કિશોરીને દીપડાએ ફાડી ખાધા બાદ ભેંસાણના ખાખરા હડમતીયા ગામે 5 વર્ષની બાળકી ઉપર હુમલો કરતા તેનું પણ મોત નોંધાયું હતું. દરમિયાન ફરી ગઈકાલે દોલતપરા વિસ્તારમાં બે વર્ષના બાળકને ઘરના ફળીયામાંથી વંડી ટપીને આસીરને ઉપાડી જવાની ઘટના ઘટવા પામી છે. હાલ રાજકોટ જીવન મરણ વચ્ચે બાળકની સારવાર ચાલુ હોવાનું જાણવા મળેલ છે.