અમદાવાદ, 11 માર્ચ 2024, આજના યુગમાં યુવાનોને સ્ટંટ કરવા વધુ ગમે છે પરંતુ આ સ્ટંટ કરવામાં જીવ પણ જાય છે. આવી એક ઘટના અમદાવાદમાં બની છે. શહેરના વેજલપુર વિસ્તારમાં એક યુવક રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરતો હતો. આ દરમિયાન રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં તેના માથામાં ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, ફાયરિંગ કરનાર યુવક નશાની હાલતમાં તેના મિત્ર સાથે મોડી રાત્રે સોસાયટીમાં ઉભો હતો અને રિવોલ્વર સાથએ મજાક કરતાં તેણે ગોળી ચલાવી દીધી હતી.
મજાક મજાકમાં લમણે ગોળી મારી દીધી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં રવિવારે મોડી રાત્રે વેજલપુર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય દિગ્વિજય સિંહ ભોલા તેમના મિત્રની રિવોલ્વર સાથે મજાક કરી રહ્યાં હતાં. રિવોલ્વર ખાલી હોવાનું સમજીને તેમણે સ્ટંટ કરતાં પોતાના લમણે જ ગોળી મારી દેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં પણ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. આ ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. યુવાન દીકરો ગુમાવતાં પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગાય થઈ ગયા હતાં. પોલીસની તપાસ બાદ મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વેજલપુર પોલીસે પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃનડિયાદમાં મકાનનો સ્લેબ તૂટતા 3 શ્રમિકો દટાયા,સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા