મારુતિની કાર ખરીદવાનું વિચારો છો? તો એક એપ્રિલ પહેલાં કરાવો બુકિંગ, નહીં તો…


નવી દિલ્હી, ૧૭ માર્ચ: ૨૦૨૫: want to buy a maruti car then book it before april 1 :ભારતીય બજારમાં મારુતિ સુઝુકી કારની ભારે માંગ છે. જો તમે આ મહિને કંપની પાસેથી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તરત જ ખરીદી લો. કારણ કે કંપની ફરી એકવાર કારના ભાવ વધારવા જઈ રહી છે. વધતા ઇનપુટ ખર્ચ અને વધતા સંચાલન ખર્ચને કારણે, કંપનીએ તેના વાહનોના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ સોમવારે આ વધારાની જાહેરાત કરી. કંપનીની આ જાહેરાત પછી, મારુતિ સુઝુકીના શેરમાં પણ 2 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ ત્રીજી વખત છે જ્યારે કંપનીએ કારના ભાવ વધારવાની વાત કરી છે. કંપનીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને હવે એપ્રિલમાં કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકી સ્થાનિક બજારમાં એન્ટ્રી-લેવલ અલ્ટો K10 થી લઈને મલ્ટીપલ પર્પઝ વ્હીકલ ઇન્વિક્ટો સુધીના મોડેલો વેચે છે. કંપનીના તમામ મોડેલોના ભાવમાં 4%નો વધારો કરવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં, કંપનીએ 6 એરબેગ્સ સાથે Alto K10 લોન્ચ કરી હતી, તે સમયે પણ આ સસ્તી કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
કંપનીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બીએસઈ લિમિટેડને જણાવ્યું હતું કે “કંપનીએ ગ્રાહકો પર ઇનપુટ ખર્ચ અને કિંમતોની અસર ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છે, તેમ છતાં વધેલા ખર્ચનો અમુક ભાગ બજારને આપવો જરૂરી બની ગયો છે.” કિંમતમાં વધારો મોડેલના આધારે બદલાશે. જાન્યુઆરીની શરૂઆતમાં, કંપનીએ 1 ફેબ્રુઆરીથી વિવિધ મોડેલોમાં 32,500 રૂપિયા સુધીના ભાવ વધારાની જાહેરાત કરી હતી. મારુતિ સુઝુકી ઇન્ડિયાના શેર 0.61 ટકા વધીને રૂ. 11,578 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ફેબ્રુઆરીમાં કુલ વેચાણમાં નજીવો વધારો નોંધાવ્યો હતો જે વાર્ષિક ધોરણે 1,99,400 યુનિટ હતો. ગયા વર્ષે આ જ મહિનામાં કંપનીએ કુલ 1,97,471 યુનિટ વેચ્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે ગયા મહિને કુલ સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ ૧,૬૦,૭૯૧ યુનિટ રહ્યું હતું, જે એક વર્ષ પહેલાના સમાન મહિનામાં ૧,૬૦,૨૭૧ યુનિટ હતું. આ વાર્ષિક ધોરણે નજીવો વધારો છે.
આ પણ વાંચો…શેરબજારમાં આજે હરિયાળી: સેન્સેક્સ 74000ને પાર, નિફ્ટીમાં પણ તેજી