રાતના અંધારામાં ATM મશીન કાપીને લાખો રુપિયા ઉડાવી ગયો ચોર
- મધ્યપ્રદેશના બાલાઘાટની ઘટના, એટીએમમાં 10 લાખ 85 હજાર રૂપિયા રોકડા હતા
મધ્યપ્રદેશ, 08 જાન્યુઆરી: મધ્યપ્રદેશના બાલાઘાટમાં વારસિવાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોરે સીધા જ ATM મશીનમાંથી પૈસાની ચોરી કરી છે. વારસીવાનીના ગારા ચોક ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું ATM છે. અહીં રાત્રિના અંધારામાં કોઈ ચોરે એટીએમ મશીનને કટરથી કાપીને તેમાં રહેલા 10 લાખ 85 હજાર રૂપિયાની ચોરી કરી હતી. આ ઘટના સામે આવ્યા બાદ એસપી, એડિશનલ એસપી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી.
સીસીટીવીમાં કટર મશીન વડે ATM કટીંગ કરતો ચોર દેખાયો
ગારરા ચોક સ્થિત ચોકડી પાસે એસબીઆઈનું એટીએમ આવેલું હતું, જ્યાં ગઈકાલે રાત્રે એક ચોર કટર મશીનની મદદથી એટીએમને કાપીને તેમાં રાખેલી રોકડ લઈ ફરાર થઈ ગયો હતો. આ મામલે એડિશનલ એસપી વિજય ડાબરે જણાવ્યું કે બેંક મેનેજર પાસેથી મળેલી માહિતી મુજબ શુક્રવારે આ ATM મશીનમાં રોકડ જમા કરવામાં આવી હતી. જેનો છેલ્લો વ્યવહાર રવિવારે બપોરે થયો હતો. સીસીટીવી ફૂટેજ મુજબ, આરોપી રાત્રે 2 થી 4:30 ની વચ્ચે કટર મશીન વડે આ ઘટનાને અંજામ આપતો જોવા મળે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
અગાઉ ગેસ કટરથી ATM કાપી રૂ.29 લાખની ચોરી થઈ હતી
થોડા દિવસો પહેલા સમાચાર પ્રકાશમાં આવ્યા હતા કે રાજસ્થાનના સીકર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અજાણ્યા બદમાશોએ એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને તેમાં રહેલી 29 લાખની રોકડની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બે બદમાશોએ બજાજ રોડ પર સ્થાપિત બેંકના એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને તેમાંથી લગભગ 29 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી હતી. તેમણે કહ્યું કે બેંક અધિકારીઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે આ મામલે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બદમાશોએ એટીએમની અંદર અને બહાર લગાવેલા સીસીટીવી કેમેરા પર કાળો રંગ છાંટ્યો હતો અને વાયર પણ કાપી નાખ્યા હતા. તેમણે કહ્યું કે આસપાસના સીસીટીવી ફૂટેજ પરથી બદમાશોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: DCP રેન્કના અધિકારીઓ પર દુષ્કર્મનો આરોપ, પત્ર લખી માંગ્યો ન્યાય