ચોર-પોલીસ તાજમહેલ જોવા પહોંચ્યા? યુપી પોલીસ હરિયાણા પોલીસના એ કોન્સ્ટેબલને શોધી રહી છે…

લખનૌ, 25 જુલાઈ : આગ્રામાં તાજમહેલ જોવા માટે હરિયાણા પોલીસ જવાન સાથે હાથકડી લગાવેલો એક કેદી આવ્યો હતો. તેને એન્ટ્રી તો નથી મળી પરંતુ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે તાજમહેલના પૂર્વી દરવાજા પર તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને અંદર જતા અટકાવ્યો ત્યારે કોઈએ ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કર્યો. આ દરમિયાન કેદી સુરક્ષા કર્મચારીઓને વિનંતી કરી રહ્યો હતો કે કૃપા કરીને તેને અંદર જવા દો.
શું હતો સમગ્ર મામલો?
એક હાથકડી પહેરેલા વ્યક્તિને તાજમહેલના પૂર્વ દરવાજા પાસે લાવવામાં આવ્યો હતો. પરંતુ ગેટ પર હાજર ASI અને CISF સ્ટાફે તેને અંદર જવા દેવાની ના પાડી દીધી હતી. ગત બુધવારે જ્યારે તાજમહેલના સુરક્ષા માટેના સહાયક પોલીસ કમિશનર સૈયદ અરીબ અહેમદને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો સોમવારનો છે.
પોલીસે શું કહ્યું?
સૈયદ અરીબ અહેમદે કહ્યું, “હરિયાણા પોલીસના યુનિફોર્મમાં એક પોલીસકર્મી અને હાથકડીમાં એક કેદી, જેને કોર્ટમાં હાજરી માટે લાવવામાં આવ્યો હતો. આ લોકો તાજમહેલ પહોંચ્યા. તેની સાથે સાદા કપડામાં વધુ બે લોકો હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ સોમવાર (22 જુલાઈ)ના ફૂટેજ છે. ACPએ કહ્યું, “અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે હરિયાણા પોલીસનો જવાન અને તે કેદી કોણ હતા?”
આ પણ વાંચો : તેજસ શાહ જેવા ચીટરો વિદેશ મોકલવાના બહાને લોકોને છેતરે છે, જાણો ઘાટલોડિયામાં શું થયું
અધિકારીએ કહ્યું કે એક વખત ઓળખી કાઢવામાં આવ્યા બાદ સંબંધિત જિલ્લા અધિકારીઓને જાણ કરવામાં આવશે જેથી અન્ડરટ્રાયલ કેદીને હાથકડીમાં તાજમહેલ લાવનાર પોલીસકર્મી સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકાય.
દુકાનદારોએ વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો , પરંતુ પોલીસકર્મીએ અટકાવ્યા
તાજમહેલના પૂર્વ દરવાજા પાસેના દુકાનદારોએ તેમના મોબાઈલ ફોનથી વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસકર્મીએ તેમને અટકાવ્યા હતા. આમ છતાં બુધવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેણે લોકોમાં ચકચાર મચાવી દીધી હતી. આમાંથી કેટલાક દુકાનદારોએ જણાવ્યું કે તાજમહેલના ગેટ પર પહોંચતાની સાથે જ પોલીસકર્મીએ હાથકડી ખોલી દીધી અને અન્ડરટ્રાયલે તેને પોતાના ખિસ્સામાં છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એલર્ટ ASI અને CISFના જવાનોએ આ જોયું અને તેને અંદર જવા દેવાની ના પાડી દીધી.
આ પણ વાંચો : અસલી પોલીસે લૂંટ કરવા માટે કેવું તરકટ રચ્યું? જાણો ચોંકાવનારો કિસ્સો