25 ટકા સાંસદોને લોકસભામાં મોકલનારા આ ત્રણ રાજ્યો એક રીતે દેશનું ભવિષ્ય નક્કી કરશે
નવી દિલ્હી, 12 એપ્રિલ : ભારતમાં આ લોકસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યો એવા છે જે કોઈપણ દિશામાં પરિવર્તન લાવી શકે છે અને પરિણામ બદલી શકે છે. આ ત્રણેય રાજ્યો નક્કી કરી શકે છે કે એનડીએ ખરેખર “400 પાર” કરશે કે કેમ. આ ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર અને મહારાષ્ટ્ર છે. આ ત્રણ રાજ્યો લોકસભાની કુલ બેઠકમાંથી આશરે એક ચતુર્થાંશ બેઠકો ધરાવે છે.
ત્રણ રાજ્યોમાંથી, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણિયો જંગ છે. જેમાં કોણ જીતશે આગાહી કરવી મુશ્કેલ છે. જયારે લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા બિહારમાં રાજકીય પરિવર્તન આવ્યું છે અને નીતીશ કુમારના નેતૃત્વમાં જનતા દળ (યુનાઈટેડ) રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)માં ફરી જોડાઈ ગયું છે. આ રાજ્ય પણ હંમેશા અણધાર્યું પરિણામ આપનારું રહ્યું છે. જયારે મહારાષ્ટ્રમાં 2019ની ચૂંટણી બાદ રાજ્ય આધારિત બે મુખ્ય પક્ષો અલગ થઈ ગયા છે. વિખૂટા પડી ગયેલા જૂથો NDA અને ઇન્ડિયા એલાયન્સ બંને જૂથમાં વહેંચાઈ ગયા છે. આ વિખૂટા પડી ગયેલા જૂથો મતદાતા માટે મોટી ઉપાધિ કરી રહ્યા છે.
શું 2024માં બંગાળમાં ભાજપને વિજય મળશે ?
વરિષ્ઠ પત્રકાર અને બંગાળના નિરીક્ષક જયંત ઘોષાલ પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે સારી તકો જોઈ રહ્યા છે. જે રીતે ભાજપે બંગાળમાં પ્રવેશ કર્યો અને 2019ની લોકસભા ચૂંટણીમાં 42 લોકસભા બેઠકોમાંથી 18 બેઠકો જીતી તે ઉત્તર બંગાળમાં તેના પ્રભાવનો પુરાવો છે. ભાજપે તેનો વોટ શેર 2014માં 17 ટકાથી વધારીને 2019માં 40 ટકાથી વધુ કર્યો.
વરિષ્ઠ પત્રકાર વધુમાં કહે છે કે, “હવે બંગાળ માટે કાંઈ પણ કહેવું ખૂબ જ વહેલું છે કારણ કે જૂન સુધી મતદાન ચાલશે. પીએમ મોદીએ હજુ સુધી તેમના વાસ્તવિક પ્રચારની શરૂઆત કરી નથી. તેઓ કયા મુદ્દાઓ લાવશે? તેમનું કહેવું છે કે બંગાળ ચોક્કસપણે યુદ્ધનું મેદાન છે કારણ કે ત્યાં દરેક સીટ માટે સખત સ્પર્ધા હશે અને દરેક સીટ મહત્ત્વની રહેશે.
ઘોષાલ કહે છે, “જો ભાજપ 2019 ની સરખામણીમાં બે વધુ બેઠકો વધારશે, તો તે તેની જીત હશે. જો મમતા ભાજપ પાસેથી બે બેઠકો છીનવી લે છે, તો તે તેમની માટે મોટી જીત હશે.” બંગાળમાં લડાઈ કેટલી અઘરી છે તે જણાવે છે. ઘોસાલ ઉમેરે છે, “આ ચૂંટણી પરિણામ 2026ની વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ મહત્ત્વના છે.’ “ભાજપનો વોટ શેર વધશે એમાં કોઈ શંકા નથી.
રણનીતિકાર પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળમાં ભાજપની મોટી જીતની આગાહી કરી છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ભાજપ બંગાળમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.
ઘોસાલ સમજાવે છે કે બંગાળમાં ભાજપ માટે બે ત્રુટિ છે
“બંગાળમાં, ભાજપ પાસે ઉત્તર પ્રદેશમાં જે પ્રકારનું સંગઠનાત્મક માળખું છે તેનો અભાવ છે. બીજું, તેની પાસે પ્રોજેક્ટ કરવા માટે કોઈ એક ચહેરો નથી.” સુવેન્દુ અધિકારી, દિલીપ ઘોષ અને સુકાંતો મજુમદારમાં ત્રણ સત્તા કેન્દ્રો સાથે બંગાળ ભાજપ એકમમાં આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ છે.
બિહાર: જ્યાં હંમેશા પરિણામો અણધાર્યા આવે છે
2019માં NDAને 40 માંથી 39 બેઠકો આપનાર બિહાર હંમેશાથી અત્યંત અણધાર્યું રાજ્ય રહ્યું છે. પટના સ્થિત વરિષ્ઠ પત્રકાર રોહિત સિંહે અણધારીતાને સમજાવવા માટે 2015ની વિધાનસભા ચૂંટણીનું ઉદાહરણ આપ્યું છે.
રોહિત સિંહ કહે છે, “2015ની વિધાનસભાની ચૂંટણીમાં એવું લાગતું હતું કે ભાજપનો વિજય થશે પરંતુ મત ગણતરીના બે કલાક પછી અચાનક તમે જોયું કે કેવી રીતે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદનું મહાગઠબંધન મજબૂત રીતે જીત્યું.” આ વખતે અણધારી બાબત એ છે કે નીતીશ કુમાર અને તેમના JD(U)નું ભાજપમાં જોડાણ, અને મતદારોના મનમાં ઉભી થયેલી શંકા.
નીતિશ કુમારે ભાજપ સાથે 2020ની વિધાનસભા ચૂંટણી લડી હતી અને પછી 2022માં લાલુ પ્રસાદના રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે ગઠબંધન કર્યું હતું. જાન્યુઆરી 2024માં તેઓ ફરીથી ભાજપમાં પાછા ફર્યા. વારંવાર પક્ષ બદલવાથી નીતિશ કુમારે ‘પલ્ટુ રામ’નું ઉપનામ મેળવ્યું. “ચૂંટણી નિષ્ણાતો માટે બિહાર હંમેશાથી ખૂબ જ અણધાર્યું રહ્યું છે, અને આ વખતે નીતિશ કુમારે છેલ્લા ચાર-પાંચ વર્ષમાં કરેલા અપસેટના કારણે મતદારો પણ મૂંઝવણમાં છે. તેઓએ કઈ બાજુ જવું જોઈએ?”
સિંહ કહે છે, “ઘણા મતદારો માને છે કે જ્યારે નીતીશ કુમાર આરજેડી-કોંગ્રેસ ગઠબંધન સાથે હતા ત્યારે તે રાજ્ય માટે સારું હતું. તેઓ કહે છે કે તેમના એનડીએમાં જોડાવાથી બિહારને કોઈ ફાયદો થશે નહીં.” સિંહ કહે છે કે મતદારોનો એક વર્ગ છે જેઓ માને છે કે જ્યાં સુધી જાતિના જોડાણની વાત છે ત્યાં સુધી ભાજપ અને જેડી(યુ) એક શક્તિશાળી ગઠબંધન છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, જેઓ કુર્મી સમુદાયના છે, તેમને રાજ્યના એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ (EBC) મતદારોના મોટા વર્ગનું સમર્થન મળવાની અપેક્ષા છે, જેઓ રાજ્યની વસ્તીના 36.01% છે. નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ બિહારમાં કરાયેલી જાતિ વસ્તી ગણતરી 2023 અત્યંત પછાત મતોને વધુ એકીકૃત કરવા માટે તૈયાર છે.
2019ની લોકસભા ચૂંટણીમાં પણ જ્યારે નીતિશ કુમાર અને ભાજપ એકસાથે લડ્યા હતા, ત્યારે તેમણે 40માંથી 39 બેઠકો જીતી હતી. જાતિ પરિબળને બાજુ પર રાખીને, ભાજપ-જેડી(યુ) ગઠબંધન મજબૂત દેખાય છે. આરજેડી માટે એ પણ ચિંતાનો વિષય છે કે પાર્ટીમાં આંતરિક વિખવાદ છે.
આરજેડી કેટલાક બળવાખોર ધારાસભ્યો સાથે પણ લડવું પડશે. જેમકે પપ્પુ યાદવ. પૂર્ણિયાથી આરજેડીની ટિકિટ ન મળતાં પપ્પુ યાદવ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
રોહિત સિંહનું કહેવું છે કે, “RJDમાં આ આંતરિક વિખવાદ વચ્ચે, રાજ્યમાં મોદીની જુગલબંધી રોકવી એ લાલુ યાદવ અને તેજસ્વી યાદવ માટે એક મોટું કામ અને પડકાર હશે.”
મહારાષ્ટ્રમાં થયેલો રાજકીય વૃખવાડ લોકસભા ચૂંટણીને અસર કરી શકે છે
મહારાષ્ટ્ર, એક રાજ્ય જે લોકસભામાં બીજા નંબરે સૌથી વધુ સાંસદો મોકલે છે, 2014 થી NDA માટે સરળ રાજ્ય હતું. પરંતુ હવે નથી.2019ની લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ અને રાજકીય પક્ષો બંને બદલાયા છે. રાજ્યએ એનડીએને 48 માંથી 41 બેઠકો આપી હતી. આ તે સમય હતો જ્યારે ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના સાથે મળીને લડી રહ્યા હતા.
આ ચૂંટણીમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સત્તાવાર શિવસેના ભાજપ સાથે છે અને અજિત પવારની આગેવાની હેઠળની સત્તાવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પણ ભાજપ સાથે છે. સેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના સ્થાપક શરદ પવાર કોંગ્રેસ સાથે ઇન્ડિયા એલાયન્સ જૂથમાં છે. પક્ષોમાં વિભાજન અને વરિષ્ઠ ઠાકરે અને પવાર બંને પાસેથી સત્તાવાર ટેગ છીનવી લેવાયું છે.
મહારાષ્ટ્રના રાજકીય માહોલમાં 2019થી મોટો ફેરફાર જોવા મળ્યો છે. અને વોટ શેરની વધઘટ સાથે, NDAને નિર્ણાયક સ્થિતિમાં સખત લડાઈનો સામનો કરવો પડે છે. રાજ્યના મતદાનના વલણો હાલમાં સત્તામાં રહેલા લોકો માટે મોટો પડકાર સૂચવે છે.
પુનર્ગઠન વચ્ચે, ભાજપ ઠાકરે પરિવારના સભ્ય અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેનું સમર્થન મેળવવામાં સફળ થયું છે. જો કે, આ જાહેરાત રાજ ઠાકરેની પાર્ટીના સભ્યોને પસંદ આવી નથી અને પાર્ટીના ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે.રાજ ઠાકરેની MNSએ 2014માં નરેન્દ્ર મોદીની પીએમ પદની ઉમેદવારીને ટેકો આપ્યો હતો પરંતુ બાદમાં તેઓ તેમના ટીકાકાર બન્યા હતા.
બીજો મુદ્દો છે મરાઠા આરક્ષણનો મુદ્દો.
મુખ્યમંત્રી એકનાથ શિંદે નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે વધારાના 10% ક્વોટાને અનામત આપવાનું બિલ લાવ્યા છે. આ મુદ્દે બોમ્બે હાઈકોર્ટમાં લડાઈ ચાલી રહી છે. અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના સભ્યો, જેઓ ભાજપને મત આપી રહ્યા છે, તેઓ મરાઠા આરક્ષણ બિલને લઈને ચિંતિત છે. તેઓને ડર છે કે તે તેમનો ક્વોટા ખાઈ જશે. આ મુદ્દે ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના કેવું વલણ અપનાવશે તેની પણ ચૂંટણી પરિણામો પર અસર પડશે. આ બધું મહારાષ્ટ્રને એક મોટું સ્વિંગ સ્ટેટ બનાવવામાં મદદ કરે છે.
મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળમાં કયા પરિબળોની ભૂમિકા છે અને લોકો કેવી રીતે મત આપે છે તેની પક્ષોના નસીબ અને આખરે ભારત જે માર્ગ લે છે તેના પર મોટી અસર પડશે.
આ પણ વાંચો : માનવેન્દ્ર સિંહની ભાજપમાં વાપસી: PM મોદીની રેલી પહેલા જોડાયા પાર્ટીમાં