મહારાષ્ટ્રના ગૌરવશાળી ઈતિહાસના સાક્ષી છે આ છ કિલ્લા, બાળકોને ખાસ બતાવો

- મહારાષ્ટ્રના ગૌરવશાળી ઈતિહાસના સાક્ષી આ છ કિલ્લાઓની બાળકોને ખાસ મુલાકાત લેવડાવજો, તેઓ આપણા સમૃદ્ધ ઈતિહાસથી વાકેફ થશે
HD ન્યુઝ ડેસ્કઃ મહારાષ્ટ્રને કિલ્લાઓની ભૂમિ કહેવામાં આવે છે, જ્યાં દરેક કિલ્લામાં બહાદુરીની ગાથા સમાયેલી છે. આ કિલ્લાઓ ફક્ત પથ્થરની દિવાલો નથી પરંતુ મરાઠા સામ્રાજ્યની શૌર્યગાથા, વ્યૂહાત્મક કુશળતા અને ગૌરવશાળી ઇતિહાસના સાક્ષી છે. છત્રપતિ શિવાજી મહારાજે તેને પોતાની લશ્કરી શક્તિનો આધાર બનાવ્યો હતો, જેના કારણે તે દુશ્મનો માટે અજેય સાબિત થયું હતું. આજે આ કિલ્લાઓ ઈતિહાસ પ્રેમીઓ, સાહસિક પ્રવાસીઓ અને ટ્રેકિંગના શોખીનોને રોમાંચિત કરે છે.
દરેક કિલ્લાની પોતાની અલગ ઓળખ છે. રાયગઢ એ જગ્યા છે, જ્યાં મરાઠા સામ્રાજ્યનો વિકાસ થયો હતો, જ્યારે સિંહગઢ તાનાજી માલુસરેની બહાદુરીનું પ્રતીક છે. તમે ઈતિહાસને ઊંડાણપૂર્વક જાણવા માંગતા હોવ કે ઊંચાઈ પર ચઢવાનો રોમાંચ અનુભવવા માંગતા હોવ, તમે તમારા પરિવાર સાથે મહારાષ્ટ્રના કિલ્લાઓની મુલાકાત લઈ શકો છો.
મહારાષ્ટ્રના 6 લોકપ્રિય કિલ્લાઓ
રાયગઢ કિલ્લો
રાયગઢ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની અને મરાઠા સામ્રાજ્યનું ગૌરવ હતો. આ કિલ્લો સમુદ્ર સપાટીથી 2,700 ફૂટની ઊંચાઈ પર આવેલો છે અને અહીં પહોંચવા માટે 1,737 સીડીઓ ચઢવી પડે છે. આ કિલ્લામાં શિવાજી મહારાજની સમાધિ પણ આવેલી છે. રાયગઢ કિલ્લો રાજનીતિક રીતે ખૂબ જ મજબૂત હતો અને તેને મરાઠા સામ્રાજ્યનો અભેદ્ય કિલ્લો માનવામાં આવતો હતો.
શિવનેરી કિલ્લો
શિવનેરી કિલ્લો શિવાજી મહારાજનું જન્મસ્થળ છે અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. આ કિલ્લો પુણે જિલ્લામાં આવેલો છે અને તેની દિવાલો એટલી મજબૂત છે કે તે ક્યારેય દુશ્મનોના નિયંત્રણમાં આવ્યો નહીં. કિલ્લાની અંદર શિવાજી મહારાજ અને તેમની માતા જીજાબાઈની પ્રતિમા આવેલી છે. અહીં એક મોટું જળાશય પણ છે, જેને ‘બદામી તળાવ’ કહેવામાં આવે છે.
સિંહગઢ કિલ્લો
સિંહગઢ કિલ્લો પુણેથી લગભગ 30 કિમી દૂર સ્થિત છે અને તે મરાઠાઓની બહાદુરીનું પ્રતીક છે. 1670માં, તાનાજી માલુસરેએ મુગલો પાસેથી આ કિલ્લો કબજે કર્યો હતો, પરંતુ તેમણે આ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ત્યારે શિવાજી મહારાજે કહ્યું હતું, કિલ્લો જીતી ગયા, પણ સિંહ ગયો. આ કિલ્લો ટ્રેકિંગ માટે પણ પ્રખ્યાત છે અને પુણેવાસીઓનું એક પ્રિય વીકેન્ડ ડેસ્ટિનેશન છે.
પ્રતાપગઢ કિલ્લો
પ્રતાપગઢ કિલ્લો મહાબળેશ્વર નજીક આવેલો છે અને તેને શિવાજી મહારાજે 1659માં બનાવ્યો હતો. આ એ જ કિલ્લો છે જ્યાં 1659માં શિવાજી મહારાજ અને અફઝલ ખાન વચ્ચે ઐતિહાસિક યુદ્ધ થયું હતું. જેમાં શિવાજીએ પોતાની ચતુરાઈથી અફઝલ ખાનનો વધ કર્યો હતો. કિલ્લાની ટોચ પરથી સહ્યાદ્રી પર્વતમાળાનું અદભુત દૃશ્ય જોઈ શકાય છે.
લોહાગઢ કિલ્લો
લોહાગઢ કિલ્લો લોનાવાલા નજીક આવેલો છે અને તેનું નામ તેની મજબૂત લોખંડ જેવી દિવાલો પરથી પડ્યું છે. તેને મરાઠાઓનો અભેદ્ય કિલ્લો કહેવામાં આવે છે કારણ કે ઘણા હુમલાઓ છતાં તે ક્યારેય સંપૂર્ણપણે જીતી શકાયો ન હતો. આ કિલ્લો લીલાછમ જંગલો અને ધોધથી ઘેરાયેલો છે, તેથી ચોમાસા દરમિયાન ટ્રેકિંગ માટે તે લોકોની પહેલી પસંદગી બની જાય છે.
દૌલતાબાદ કિલ્લો
ઔરંગાબાદ નજીક આવેલો દૌલતાબાદ કિલ્લો પ્રાચીન યાદવ વંશ દ્વારા બનાવવામાં આવ્યો હતો. પહેલા તેનું નામ ‘દેવગિરી’ હતું, પરંતુ મુહમ્મદ બિન તુઘલકએ તેને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ ‘દૌલતાબાદ’ રાખ્યું. આ કિલ્લો તેની જટિલ ટનલ, ગુપ્ત દરવાજા અને મજબૂત કિલ્લેબંધી માટે પ્રખ્યાત છે. તેની ડિઝાઇન તેને લગભગ અજેય બનાવી દેતી હતી.
આ પણ વાંચોઃ PM મોદીની સાસણગીર જંગલ સફારી બાદ પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાથી વધુનો ઉછાળો