ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશના સાત રાજ્યોને મળશે નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો ક્યા છે એ રાજ્યો?

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશો માટે જજોના નામની ભલામણ કરી છે. કોલેજિયમે કેરળ, ઓડિશા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા અને ગુજરાત હાઈકોર્ટના સાત ન્યાયાધીશોના નામ કેન્દ્રને મોકલ્યા છે, જેમની આ રાજ્યોની અદાલતોના મુખ્ય ન્યાયાધીશો(ચીફ જસ્ટિસ) તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે. પુનર્ગઠિત કોલેજિયમમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તનો પણ સમાવેશ થાય છે. કોલેજિયમે બુધવારે તેની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલના નામની ભલામણ કરી છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ન્યાયાધીશ આશિષ જે દેસાઈના નામનો પ્રસ્તાવ કેરળ હાઈકોર્ટને મોકલવામાં આવ્યો છે. ઓડિશા હાઈકોર્ટના જસ્ટિસ સુભાસીસ તાલપાત્રાની એ જ કોર્ટમાં ચીફ જસ્ટિસના પદ માટે ભલામણ કરવામાં આવી છે. મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદ માટે દિલ્હી હાઈકોર્ટના જજ સિદ્ધાર્થ મૃદુલનું નામ પણ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુરનું નામ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ માટે મોકલવામાં આવ્યું છે. બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદ માટે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયના નામની ભલામણ કરવામાં આવી છે. બીજી તરફ, કોલેજિયમે તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસના પદ માટે કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ આલોક આધ્રેનું નામ મોકલ્યું છે.

કોલેજિયમે તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ વેંકટનારાયણ ભાટીના નામની પણ સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34 છે, પરંતુ ગયા મહિને ત્રણ ન્યાયાધીશોની નિવૃત્તિ પછી, હાલમાં ફક્ત 31 જજ કાર્યરત છે.

કોલેજિયમે જણાવ્યું હતું કે કોર્ટમાં ત્રણ જગ્યાઓ ખાલી છે અને પેન્ડન્ડિંગ કેસને દૂર કરવા માટે કામ કરતા જજોની સંખ્યા વધારવા માટે ખાલી જગ્યાઓ ભરવી જરૂરી છે. કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે કોલેજિયમે સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે પાત્રતા ધરાવતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોના નામો પર ચર્ચા કરી છે.

જસ્ટિસ ભુઈયાનો જન્મ 2 ઓગસ્ટ, 1964ના રોજ થયો હતો. 17 ઓક્ટોબર, 2011ના રોજ તેમને ગુવાહાટી હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ગુવાહાટી હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. તેઓ 28 જૂન, 2022થી તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે. 6 મે, 1962ના રોજ જન્મેલા જસ્ટિસ ભાટીની 12 એપ્રિલ, 2013ના રોજ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. જસ્ટિસ ભાટીની માર્ચ 2019માં કેરળ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી અને તેઓ 1 જૂન, 2023થી ત્યાં ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચો: ગેહલોત-પાયલોટ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક; રાજસ્થાનની રાજનીતિની દિશા થશે નક્કી!

Back to top button