ક્રિકેટના ત્રણેય ફોર્મેટના વર્લ્ડકપ પોતાના નામ કરવામાં ઓસ્ટ્રેલિયાના આ પાંચ ખેલાડીઓનો થાય છે સમાવેશ
- તાજેતરમાં AUSએ જીતી ટેસ્ટ ટ્રોફી
- ભારતને ફાઇનલમાં આપી હતી માત
- 209 રન જેવા જંગી માર્જિનથી મેળવી હતી જીત
ઓસ્ટ્રેલિયન ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને 209 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ ICCની તમામ ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ પહેલા 1987, 1999, 2003, 2007, 2015માં ODI વર્લ્ડ કપ, 2006 અને 2009માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2021માં T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. જો કે માત્ર ઓસ્ટ્રેલિયન ટીમ જ નહી પરંતુ તેના કેટલાક ખેલાડીઓએ પણ ઈતિહાસ રચ્યો છે.
કોણે શું ઇતિહાસ રચ્યો છે ?
કેપ્ટન પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ ટેસ્ટ ટ્રોફી વિજેતા ટીમનો ભાગ હતા. હેઝલવૂડ સિવાય તમામ ચાર ઓસ્ટ્રેલિયન પ્લેઈંગ-11માં સામેલ હતા. આ પાંચે તમામ ICC વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ખેલાડીએ ત્રણેય વર્લ્ડ કપ જીત્યા હોય. આ પાંચેય ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા જેણે 2015માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. 2015 ODI વર્લ્ડ કપમાં, ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ભારતને 95 રનથી અને મેલબોર્નમાં રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. પેટ કમિન્સ ફાઇનલમાં પ્લેઇંગ-11નો ભાગ નહોતો. આ પછી, પાંચેય ઓસ્ટ્રેલિયન ટીમનો પણ ભાગ હતા જેણે 2021 માં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે અને ફાઈનલમાં ન્યુઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં પાંચેય ઓસ્ટ્રેલિયન પ્લેઈંગ-11નો ભાગ હતા.
લંડનમાં ફાઇનલમાં ભારતને આપી હતી માત
હવે આ પાંચેએ પોતાની ટીમને ટેસ્ટમાં પણ ચેમ્પિયન બનાવી છે. ઓસ્ટ્રેલિયન ટીમ 2021-23 ટેસ્ટ ચક્રમાં પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર છે. લંડનના ઓવલમાં રમાયેલી ફાઇનલમાં કાંગારૂઓએ ભારતને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 270 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને ભારત સામે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, ભારતીય ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી.