આ છે ભારતના 5 સૌથી સુંદર બીચ, એકવાર જરૂર લેજો મુલાકાત
- ભારત પાસે 7500 કિમીથી વધુનો વિશાળ દરિયાકિનારો છે. ગોવા, કેરળ, આંદામાન અને નિકોબાર, કર્ણાટક, લક્ષદ્વીપ અને દેશના અનેક રાજ્યોમાં પાસે સુંદર બીચ છે
HD ન્યુઝ ડેસ્કઃ પ્રકૃતિ સાથે સંબંધિત કોઈ સુંદરતા નથી જે ભારતમાં નથી. દૂર-દૂર સુધી ફેલાયેલો ઊંડો વાદળી સમુદ્ર હોય, પહાડો પરથી પડતા ધોધ હોય, તળાવો હોય, લીલાછમ જંગલો હોય, વૃક્ષોનો વિશાળ નજારો હોય કે સૂર્યોદય અને સૂર્યાસ્તનું સૌંદર્ય હોય, તમને ભારતમાં બધું જ જોવા મળશે. અહીં માત્ર સંસ્કૃતિ અને ભાષાઓની જ વિવિધતા નથી, પરંતુ બીજી ઘણી વસ્તુઓ છે જે સમગ્ર વિશ્વમાં દેશની ઓળખ અપાવે છે. ભારત પાસે 7500 કિમીથી વધુનો વિશાળ દરિયાકિનારો છે. ગોવા, કેરળ, આંદામાન અને નિકોબાર, કર્ણાટક, લક્ષદ્વીપ અને દેશના અનેક રાજ્યોમાં સુંદર બીચ છે. જાણો દેશના 5 લોકપ્રિય બીચ વિશે. દરેક વ્યક્તિએ લાઈફમાં એક વખત તો તેની મુલાકાત લેવી જ જોઈએ.
1. રાધાનગર બીચ (આંદામાન અને નિકોબાર)
સુંદર હેવલોક દ્વીપમાં આવેલ રાધાનગર બીચ, આંદામાન ટાપુઓમાં એક લોકપ્રિય બીચ છે. આ એક પ્રાચીન સફેદ રેતીનો બીચ છે, જે ઉષ્ણકટિબંધીય જંગલોથી ઘેરાયેલો છે. રાધાનગર બીચ સ્વિમિંગ અને તડકામાં આરામ કરવા માટે યોગ્ય સ્થળ છે. અહીં ટ્રેકિંગ કરનારાઓ માટે ઘણા વિકલ્પો છે. ટ્રેકિંગ રાધાનગર બીચથી શરૂ કરીને, સુંદર પગદંડી એલિફન્ટ બીચ તરફ દોરી જાય છે, જ્યાં તે સમાપ્ત થાય છે. બીચ સૂર્યાસ્તનો અદ્ભુત નજારો જોવાની તક આપે છે, તેથી જો તમે અહીં સૂર્યાસ્ત સમયે આવો છો તો તેને જોવાનું ભૂલશો નહીં.
2. બાગા બીચ (ગોવા)
બાગા બીચ તેની સુંદર ઝૂંપડીઓ અને સર્વશ્રેષ્ઠ નાઇટલાઇફ માટે પ્રખ્યાત છે. તે ઉત્તર ગોવામાં સ્થિત છે. તે ગોવાની રાજધાની પણજીથી લગભગ 20 કિમી દૂર છે. જેટ સ્કી, બનાના રાઈડ, બમ્પર રાઈડ અને પેરાસેલિંગ એ કેટલાક પ્રખ્યાત વોટર સ્પોર્ટ્સ છે જેનો તમે આ બીચ પર આનંદ લઈ શકો છો. જેમ જેમ દિવસ ઢળતો જાય છે અને સાંજ નજીક આવે છે તેમ, બીચને આકર્ષક બનાવવા ઝૂંપડીઓને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવે છે. Titos અને Cafe Mambos ઉત્તર ગોવામાં લોકપ્રિય પાર્ટી સ્થળો છે, જે બાગા બીચની નજીકમાં આવેલા છે.
3. ઓમ બીચ (કર્ણાટક)
મંદિરોના શહેર ગણાતા ગોકર્ણમાં ભારતના સૌથી પ્રસિદ્ધ દરિયાકિનારાઓમાંનો એક ઓમ બીચ આવેલો છે. બીચનું નામ ઓમ આકાર પરથી પડ્યું છે. હિન્દુ ધર્મમાં ઓમ શબ્દને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. તે મોટાભાગે રેતાળ બીચ છે, જેમાં કેટલીક જગ્યાઓ પર ચટ્ટાન વાળી ધરતી છે. આહલાદક હરિયાળીથી ઘેરાયેલો આ બીચ અરબી સમુદ્ર અને લીલાછમ વાતાવરણનો અદભૂત નજારો આપે છે. એક ફ્રેમમાં ઓમનું કદ જોવા માટે ઓમ બીચ વ્યુપોઇન્ટની મુલાકાત લો. પેરાસેલિંગ, સર્ફિંગ અને જેટ સ્કીઇંગ જેવી વોટર એક્ટિવિટીઝ પણ અહીં થાય છે.
આ પણ વાંચોઃ મહાકુંભઃ ગુજરાતથી 8 સ્પેશિયલ ટ્રેનનું આયોજન: જાણો તમામ વિગતો
4. પુરી બીચ (ઓડિશા)
પવિત્ર યાત્રાધામ પુરી શહેર દિવ્ય પુરી બીચનું ઘર છે. તે ભારતના સૌથી પ્રખ્યાત દરિયાકિનારામાં સ્થાન ધરાવે છે. આ સોનેરી રેતીના બીચની સાથે પુરીમાં આવેલ પ્રાચીન શ્રી જગન્નાથ મંદિર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ભવ્ય મંદિર તેની રથયાત્રા માટે ખૂબ પ્રખ્યાત છે. પુરી દરિયા કિનારો સ્વિમિંગ માટે પણ સારી જગ્યા છે. તમે દરિયા કિનારેથી બંગાળની ખાડીનો સુંદર નજારો જોઈ શકો છો. આ બીચ પર સાંજે ઊંટ સવારી અને ઘોડેસવારી પણ કરવામાં આવે છે. જો તમે સ્થાનિક કલાકૃતિઓ અને હેન્ડલૂમ વસ્તુઓ ખરીદવા માંગતા હો, તો બીચ પરના સ્ટોલની મુલાકાત લો. આ બીચ સુદર્શન પટનાયક જેવા રેતી કલાકારોની કળા પણ પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત દર વર્ષે નવેમ્બર મહિનામાં અહીં બીચ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ રાજ્યના કલાત્મક અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન છે.
5.લાઈટહાઉસ બીચ (કેરળ)
ઉષ્ણકટિબંધીય મલબાર તટ પર સ્થિત લાઇટહાઉસ બીચ કોવલમમાં એક સુંદર સફેદ રેતીનો બીચ છે. તેનું નામ વિઝિંજમ લાઇટહાઉસ પરથી પડ્યું છે જે આ બીચના દક્ષિણ છેડે સ્થિત છે. તમે સર્પાકાર દાદર દ્વારા દીવાદાંડીની ટોચ પર જઈ શકો છો. સીડીઓ ચઢવા ન માંગતા લોકો માટે લિફ્ટ પણ ઉપલબ્ધ છે. લાઇટહાઉસ વ્યુપોઇન્ટ બીચ અને વાદળી પાણીના સમુદ્રના અદભૂત દૃશ્યો પ્રદાન કરે છે.
ભારતના અન્ય સુંદર બીચ
- કેરળનો વરલા બીચ ત્રિવેન્દ્રમથી ઉત્તરમાં આવેલો છે. આ જગ્યાએ આવીને તમે રિફ્રેશ થઈ જશો તેની ગેરંટી છે. એક બાજુ લાંબા પામ ટ્રી અને બીજી બાજુ અરબ સાગરનું દ્રશ્ય મનને લોભાવશે.
- ગોવાનો પાલોલેમ બીચ પણ અતિશય સુંદર છે. તે દક્ષિણ ગોવાનો સૌથી લાઈવ બીચ છે. આ એક માઈલ લાંબો અને અર્ધ ગોળાકાર બીચ છે.
- તારકરલી માલવનના દક્ષિણમાં આઠ કિલોમીટર અને મુંબઈથી લગભગ 546 કિમીની દુરી પર સ્થિત છે. આ બીચ મહારાષ્ટ્રનું લોકપ્રિય પર્યટક સ્થળ છે.
- મરીના બીચ ચેન્નઈનું સૌથી મોટું પર્યટન સ્થળ છે. જે સ્થાનિક લોકો સાથે દેશભરના પર્યટકોને પણ આકર્ષે છે. તે 13 કિલોમીટરમાં ફેલાયેલો છે. તે દુનિયાનો બીજો સૌથી મોટો બીચ છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના આ હિલસ્ટેશન પર ઠંડીમાં ઉમટી પડે છે પર્યટકોની ભીડ, પરિવાર સાથે આવે છે ટુરિસ્ટ