જાયફળના આ આશ્ચર્યજનક ફાયદાઓ વિશે ભાગ્યે જ થાય છે ચર્ચા !
જાયફળ એક એવો મસાલો છે, જેને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. લવિંગની જેમ જાયફળનો પણ પૂજા-હવનમાં ઉપયોગ થાય છે. જો કે જાયફળનો ઉપયોગ ખોરાકમાં ઓછો થાય છે, પરંતુ તેનો ઉપયોગ દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોમાં ઘણો થાય છે. કારણ કે સ્વાસ્થ્ય અને સુંદરતાની દ્રષ્ટિએ તે ઉત્તમ પરિણામ આપે છે.
જાયફળમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, થિયામીન, વિટામિન બી6 જેવા ગુણ હોય છે. આ કારણોસર તે એક સ્કીન કેર પ્રોડક્ટ ની સાથે એક પેઇન કિલર તરીકે પણ ઉત્તમ છે. અહીં તમને જયફળના એવા ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેમાં તમે જાયફળનો ઉપયોગ કરીને ઘણા ફાયદા મેળવી શકો છો.
દાંતના દુઃખાવાથી બચવા માટે
જે રીતે તમે દાંતના દુઃખાવા માટે લવિંગ અને તેના તેલનો ઉપયોગ કરો છો, તેવી જ રીતે જાયફળ અને તેના તેલનો ઉપયોગ પણ દાંતના દુખાવાથી બચાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના ટૂથ પેસ્ટમાં જાયફળ અને તજનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને તેવી ટૂથપેસ્ટો જેના ઉત્પાદકો હર્બલ હોવાનો દાવો કરે છે.
જો તમને દાંત કે પેઢામાં દુખાવો થતો હોય તો જાયફળનો પાવડર લગાવો અને પછી 4 થી 5 મિનિટ પછી ધોઈ લો. તમને તાત્કાલિક રાહત મળશે. જો તમે ઇચ્છો તો જાયફળનું તેલ થોડું કપાસ પર લગાવીને દાંત કે પેઢા પર લગાવી શકો છો.
સાંધાના દુખાવામાં જાયફળનો ઉપયોગ
જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય છે, તેઓને જાયફળથી ઘણી રાહત મળે છે. જાયફળને પીસીને તેની પેસ્ટ બનાવીને શરીરના દુખાવાવાળા ભાગ પર લગાવો. તમે થોડા જ સમયમાં આરામ અનુભવશો. ખાસ કરીને ઘૂંટણ, કોણી અને કમરના સાંધામાં દુખાવો થતો હોય ત્યારે તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચો : શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 551 જન્મ જયંતિ !
અવાજને નરમ બનાવવા માટે
તમને આશ્ચર્ય થશે પરંતુ જાયફળનો ઉપયોગ કરીને તમે તમારા અવાજને વધુ મધુર એટલે કે મીઠો અને આકર્ષક બનાવી શકો છો. આ માટે એક ચમચી જાયફળના પાઉડરને હૂંફાળા પાણીમાં ઓગાળી લો અને તેનાથી ગાર્ગલ કરો. ગળું દુખતું હોય કે ગળામા ખરાશ હોય તો પણ આ પદ્ધતિ અપનાવી શકાય છે.
આંખોને આકર્ષક બનાવવા માટે
જો તમે ઈચ્છો છો કે તમારી આંખો કુદરતી રીતે વધુ સુંદર અને સ્પષ્ટ દેખાય, તો આ માટે જાયફળની પેસ્ટનો ઉપયોગ કરો, તમને જલ્દી રાહત મળશે. તમે જાયફળને પાણીમાં પીસીને પેસ્ટ બનાવી શકો છો, તમે તેને ગુલાબજળથી પણ તૈયાર કરી શકો છો. આ પેસ્ટને આંખો અને ત્વચાની આસપાસ લગાવો અને સુકાઈ ગયા પછી નવશેકા પાણીથી ધોઈ લો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આંખોની ચમક અને દ્રષ્ટિ વધે છે અને બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.