કોંગ્રેસના પાંચ લોકસભા સભ્યોએ પક્ષ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી (CEA)ના વડા મધુસુદન મિસ્ત્રીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) ની મતદાર યાદી ચૂંટણી સહભાગીઓ અને સંભવિત ઉમેદવારોને પ્રદાન કરવા વિનંતી કરી છે.
પાર્ટીના સાંસદો શશિ થરૂર, મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, પ્રદ્યુત બારડોલોઈ અને અબ્દુલ ખાલિકે મિસ્ત્રીને પત્ર લખીને આ અંગે વિનંતી કરી છે. આ પત્ર કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રાના એક દિવસ પહેલા 6 સપ્ટેમ્બરે લખવામાં આવ્યો હતો. આ સાંસદોએ અગાઉ આ યાદીને સાર્વજનિક કરવા વિનંતી કરી હતી, જેનો મિસ્ત્રીએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. હવે આ સાંસદોએ તેમના પત્રમાં કહ્યું છે કે તેમનો કહેવાનો અર્થ એ નથી કે પાર્ટીના કોઈપણ આંતરિક દસ્તાવેજને એવી રીતે જારી કરવામાં આવે કે તેનો કોઈપણ રીતે દુરુપયોગ થઈ શકે.
પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અમારો અભિપ્રાય છે કે પ્રમુખની ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં, મતદારો અને મતદાનમાં ભાગ લેનારા સંભવિત ઉમેદવારોને રાજ્ય કોંગ્રેસ સમિતિની ઇલેક્ટોરલ કૉલેજની સૂચિ પ્રદાન કરવી જોઈએ.
ગયા મહિને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ 28 ઓગસ્ટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા વિશે જાણવા માગ્યું હતું. જોકે, બાદમાં પાર્ટીએ કહ્યું કે આ બેઠકમાં કોઈ નેતાએ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી. ઈલેક્ટોરલ કોલેજની યાદીને સાર્વજનિક કરવાની માંગને ફગાવી દેતા મિસ્ત્રીએ કહ્યું હતું કે પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી સંબંધિત સમગ્ર પ્રક્રિયા ન્યાયી, પારદર્શક અને કોંગ્રેસના બંધારણ મુજબ હતી અને મતદારો (પ્રતિનિધિઓ)ની યાદી જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર, પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે, 24 સપ્ટેમ્બરથી ઉમેદવારી નોંધાવી શકાશે અને જો એકથી વધુ ઉમેદવારો હશે તો 17 ઓક્ટોબરે મતદાન થશે.
આ પણ વાંચો : મોંઘવારી, બેરોજગારી જેવા વિવિધ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન