વિરાટ-રોહિત સહિત આ 10 દિગ્ગજ પ્લેયરોનો હોય શકે છે છેલ્લો વર્લ્ડ કપ : મોટાભાગનાં ખેલાડીઓ 32 વર્ષથી વધુ ઉંમરના!
દરેક ક્રિકેટ ચાહકો 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે. જેમાં વિશ્વના 16 દેશોના ક્રિકેટ સ્ટાર્સ ભાગ લેવાના છે, જેમાં એવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ છે જેમના માટે આ છેલ્લી ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે. આમાંથી ચાર ખેલાડીઓ આ વર્લ્ડ કપ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. આ ખેલાડીઓની ટોપ-10 યાદીમાં ભારતના ઘણા ખેલાડીઓ પણ સામેલ છે. ચાલો જાણીએ કે શા માટે આ વર્લ્ડ કપ તેમના માટે T20 ફોર્મેટમાં છેલ્લી મેગા ટૂર્નામેન્ટ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ પહેલા તમામ 16 કેપ્ટન એક ફ્રેમમાં થયા કેદ. જુઓ તસવીરો
- વિરાટ કોહલી
વિરાટ કોહલી હાલ 34 વર્ષનો છે. આગામી ટી20 વર્લ્ડ કપ હવે વર્ષ 2024માં રમાશે. ત્યાં સુધીમાં આ ખેલાડીની ઉંમર 36 વર્ષની થઈ જશે. વર્ષ 2024 સુધીમાં કોઈપણ ખેલાડી માટે 36 વર્ષની ઉંમરે ત્રણ ફોર્મેટ રમવું મુશ્કેલ બની જશે. છેલ્લા 3 વર્ષમાં તેમનું ફોર્મ પણ ખાસ રહ્યું નથી. વિરાટની કારકિર્દી પર એક નજર કરવામાં આવે તો તે ટેસ્ટ ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપે છે. વિરાટે છેલ્લા T20 વર્લ્ડ કપ બાદ ભારત માટે 35માંથી 21 ટી20 મેચ રમી નથી. આવી સ્થિતિમાં શક્ય છે કે તે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહી શકે. જો કે તે IPL જેવી T20 લીગ રમવાનું ચાલુ રાખી શકે છે.
- રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલ 36 વર્ષનો થઈ ગયો છે. આગામી વર્લ્ડ કપ સુધીમાં તે 38 વર્ષનો થઈ જશે. ખરાબ ફિટનેસ અને આરામ લેવાના કારણે રોહિત છેલ્લા એક વર્ષમાં રમાયેલી 59માંથી 25 આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લીધો નહોતો. તેના માટે 38 વર્ષની ઉંમરે ત્રણેય ફોર્મેટ રમવું ઘણું મુશ્કેલ હશે. આવી સ્થિતિમાં વર્ષ 2022નો વર્લ્ડ કપ આ ખેલાડી માટે છેલ્લો સાબિત થઈ શકે છે.
- દિનેશ કાર્તિક
IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને ટીમ ઈન્ડિયામાં તક મળી છે. કાર્તિક અત્યારે 37 વર્ષનો છે અને 2024 વર્લ્ડ કપ સુધીમાં તે 39 વર્ષનો થઈ જશે. ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં યુવાનોને વધુ તકો મળે છે. જેને જોતાં ભારતીય ટીમમાં રિષભ પંત, ઈશાન કિશન અને સંજુ સેમસન જેવા યુવા વિકેટ કીપર બેટ્સમેનને તક મળી શકે છે. આવી સ્થિતિમાં આપણે કાર્તિકને છેલ્લી વખત ICC ટૂર્નામેન્ટમાં રમતા જોઈ શકીએ છીએ.
- ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર હાલમાં 35 વર્ષનો છે. 27 ઓક્ટોબરે તે 36 વર્ષનો થશે. વોર્નર છેલ્લાં 13 વર્ષથી ઓસ્ટ્રેલિયા માટે T20 ક્રિકેટ રમી રહ્યો છે. તે 2021નાં T20 વર્લ્ડ કપમાં ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ પણ હતો. તે જ સમયે, આગામી વર્લ્ડ કપ સુધીમાં, તે 38 વર્ષનો થઈ જશે. ટીમમાં કેમરૂન ગ્રીન જેવો યુવા ખેલાડી છે, જે ઓપનિંગ બેટ્સમેન તરીકે ઓસ્ટ્રેલિયા માટે સારો દેખાવ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ વોર્નરનો છેલ્લો T20 વર્લ્ડ કપ હોઈ શકે છે.
- એરોન ફિન્ચ
ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન એરોન ફિન્ચ ટી-20 વર્લ્ડ કપ પછી 17 નવેમ્બરે 36 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ પણ માનવામાં આવી રહ્યો છે. ફિન્ચે તેની કપ્તાનીમાં ટીમને 2021માં વર્લ્ડ કપ સુધી પહોંચાડ્યો હતો. તે આ વખતે તે સતત બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તેનું ફોર્મ પણ તેને સાથ નથી આપી રહ્યું. આ વર્ષે તેણે T20 ક્રિકેટમાં 25ની એવરેજથી રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ માત્ર 122 છે. તાજેતરમાં જ તેણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આવી સ્થિતિમાં આ તેનો વર્લ્ડ કપ છેલ્લો પુરવાર થઈ શકે છે.
- માર્ટિન ગુપ્ટિલ
માનવામાં આવી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડના ઓપનર ગુપ્ટિલનો આ છેલ્લો T20 વર્લ્ડ કપ સાબિત થઈ શકે છે. 36 વર્ષનો ગુપ્ટિલ છેલ્લી ઘણી શ્રેણીઓથી ટીમની બહાર છે. તે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ત્રિકોણીય શ્રેણીમાં પણ ટીમનો ભાગ નહોતો. ફિન એલન અને ડેવોન કોનવે ઓપનિંગ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ પણ ટી20 ક્રિકેટમાં માત્ર યુવા ખેલાડીઓને જ તક આપવા માંગે છે. ગુપ્ટિલ 2024 વર્લ્ડ કપ સુધીમાં 38 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં આ ખેલાડી માટે આ છેલ્લો વર્લ્ડ કપ પણ બની શકે છે.
- મુહમ્મદ નબી
અફઘાનિસ્તાન ટીમનો ઓફ સ્પિન ઓલરાઉન્ડર અને કેપ્ટન મોહમ્મદ નબી 1 જાન્યુઆરીએ 38 વર્ષનો થઈ જશે. આ તેનો છેલ્લો વર્લ્ડ કપ પણ બનવા જઈ રહ્યો છે. વર્ષ 2024 નો T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવા જઈ રહ્યો છે અને ત્યાં સુધીમાં નબી 40 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં નબી તેનાં આ T20 વર્લ્ડ કપને યાદગાર બનાવવા માંગશે. એશિયા કપમાં નબીની કપ્તાનીમાં અફઘાનિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
- ડેવિડ મલાન
ઈંગ્લેન્ડના ઓપનર ડેવિડ મલાનને અત્યારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં તેણે ઘણું સારું પફર્મન્સ કર્યું હતું. તેણે શ્રેણીની બીજી ટી20માં 82 રનની ઇનિંગ રમી હતી. માલાનનો આ વિશ્વકપ છેલ્લો કેમ બની શકે તેની પાછળનું સૌથી મોટું કારણ તેની ઉંમર છે. માલન અત્યારે 35 વર્ષનો છે અને આગામી વર્લ્ડ કપ સુધીમાં તે 37 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તે આગામી વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમનો ભાગ નહીં હોય.
- શાકિબ અલ હસન
આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમની કમાન શાકિબ અલ હસન સંભાળે છે, જે 35 વર્ષનો થઈ ગયો છે. શાકિબનો આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. તે વર્ષ 2016થી બાંગ્લાદેશ માટે T20 ક્રિકેટ રમી રહ્યો છે. શાકિબની કેપ્ટન્સીમાં એશિયા કપમાં ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. ટીમ સેમી ફાઇનલમાં પણ નથી પહોંચી શકી. આવી સ્થિતિમાં તેની કેપ્ટનશીપમાં ટીમ વર્લ્ડ કપમાં ફોર્મમાં પરત ફરવા માંગે છે અને શાકિબ કે જેનો છેલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે તે પણ તેને યાદગાર બનાવવા માંગશે.
- સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથની ટી-20 કારકિર્દી સારી ચાલી રહી નથી. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. સ્મિથ 2021માં માત્ર 20ની એવરેજ ધરાવે છે અને 120ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવા માટે સક્ષમ છે. આ સાથે જ તેની ઉંમર પણ 33 વર્ષની થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયાની ટીમ હવે યુવા ખેલાડીઓ તરફ જશે, તેથી આ સ્મિથનો છેલ્લો T20 વર્લ્ડ કપ હોઈ શકે છે.