ઓક્ટોબર મહિનામાં વધુ વરસાદની શક્યતા, બેવડી ઋતુનો રહશે માહોલ


ચોમાસાની વિદાય વેળાએ ફરી એકવાર અનેક શહેરોમાં વરસાદનું જોર વધ્યું છે. ત્યારે ગતરોજને અમદાવાદ, વડોદરા, અરવલ્લી, આંણદ સહીતના શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા પણ 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરાઇ છે. આથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ રહેશે. 15 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેવાની શક્યતા રહેલી છે.
બેવડી ઋતુનો અહેસાસ
હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.’ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
ઓક્ટોબર મહિનામાં વધુ વરસાદની શક્યતા
અગાઉ હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 12મી તારીખ સુધી વરસાદની શક્યતા છે. આની અસર ગુજરાતમાં 14, 15 અને 16 ઓક્ટોબર સુધી જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં બનેલી વિશેષ સ્થિતિને કારણે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડ્યો હતો, જોકે હવે વરસાદ વધી શકે છે. ગુજરાતમાં આજથી હવામાનમાં પલટો આવ્યો છે અને ઓક્ટોબર મહિનામાં વધુ વરસાદની શક્યતા છે.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ રહેશે. ડાંગર અને કેળાના પાકને નુકસાનીની ભીતિ દેખાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ 4 દિવસ હળવો વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ કોરુ રહેવાની સંભાવના છે.
ગઇકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા
ગઇકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં શહેરના મવડી ચોકડી, નાનામૌવા સર્કલ, KKV ચોક, ઇન્દિરા સર્કલ અને નાણાવટી ચોકમાં વરસાદ પડ્યો હતો. તે સાથે જ વડોદરા, અરવલ્લી, આંણદ સહીતના શહેરોમાં વરસાદ ખાબક્યો હતો
દક્ષિણ સૌરાષ્ટ્રના સાગરકાંઠે પણ ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં 12 ઓક્ટોબર સુધી વરસાદની પ્રબળ સંભાવના છે. જો કે 14, 15 અને 16 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના મોટા ભાગ પર ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ તેની અસર બંગાળની ખાડીના કારણે જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના સાગરકાંઠે પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. શિયાળા અંગે તેમણે જણાવ્યું કે દિલ્હી, ઉત્તર ભારતના વિસ્તારોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસ છવાઈ શકે છે અને 22 ડિસેમ્બર પછી રાજ્યમાં તીવ્ર ઠંડી પડી શકે છે. આ વખતે ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરીની શરૂઆત સુધી રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: બેવડી ઋતુના માહોલ વચ્ચે આજે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ વરસ્યો, ત્રણ દિવસ સતત વરસાદની આગાહિ